અક્ષરોથી અંકાયા,વર્ણમાં વણાયા,
આંગળનાં ટેરવે ફૂટ્યાં, કલમે કળાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
શાહીમાં રંગાયા, કાગળે ઢોળાયા,
પંકિતમાં પંકાયા, વાક્યમાં વણાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
મનડામાં મૂંઝાયા, ચિત્તડામાં સમર્યા,
બોલીમાં બોલાયા, કાનમાં સંભાળાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
હૈયડે વલોવાયા, તનડે વળગ્યા,
ખોળિયે ખોવાયા,’શ્યામ’માં સમાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
-’શ્યામ’ વઘાસીયા.
:: શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ ::
;; બાનું મૃત્યુ {હાઇકુ} ;;
શ્વાસ છુટી ગ્યો
બાનો; ને ચાલ્યા એક
લાંબી જાત્રાએ.
*
… ગઇ બા સ્વર્ગે
મૂકી મધુ ઝરતાં
પરિવારને.
*
ચાલી ગઇ બા;
છબીમાં યાદ, એનાં
સંસ્મરણોની.
*
યાદોનાં ટોળાં
દીકરાની આંખોમાં
બા, ગયા પછી.
*
ગીતોમાં ગુંજે
રોજ સાંજનાં સમે
બા! ગયા પછી
*
સ્વર્ગ દ્વારે, બા
ઊભી રહીને સ્મરે
મૃત્યુલોક્ને.
*
-’શ્યામ વઘાસીયા{તા.૧૮.૧૦.૧૧,મંગળવાર}
-મિત્ર શ્રી કાંતીભાઇનાં બા ગુજરી ગયા તેને શ્રધ્ધાંજ્લિ રુપે આ હાઇકુની રચના થઇ.See More
અણ્ણા તારા નામની રે…
માળા જપે સહુ લોક અણ્ણા તારા નામની રે…
ભેળુ થયું સહું માનવમહેરામણ,
અણ્ણા હજારે તારે સંગાથ રે..
ઠારવા ઉમટ્યું સઘળું ભારત,
ભષ્ટ્રાચારની લાલલાલ આગ રે..
માળા જપે સહુ લોક અણ્ણા તારા નામની રે…
સતયુગમાં બચી લાજ દ્રોપદીની,
કૌરવસભામાં ષ્રીકૃષ્ણને સહારે રે..
કળયુગમાં ભષ્ટ્રાચારી સંસદ નાથવા
પ્રજા-વહારે આવ્યો કિસન હજારે રે..
માળા જપે સહુ લોક અણ્ણા તારા નામની રે…
બહારથી ઉજ્ળા બગલા જેવા
ભીતર એનાં મેલાં,મેલાં જેવાં રે..
ન સૂણે, ન ગણે કે ન માને,
ભારત માતા તારા નેતા એવા રે..
માળા જપે સહુ લોક અણ્ણા તારા નામની રે…
-’શ્યામ વઘાસીયા{તા.૨૧.૦૯.૨૦૧૧,બુધવાર}
:: આભ વરસે ::
મેહુલો ગાજે ને આભ ઘનઘોર ઘનનન વરસે,
તરસી આ ધરણી જળ પી-પીને ધોમ તરસે.
આષાઢી આભ ઘેલાં
વાદળોને બાથ ભરી,
વાદળો તો હરખઘેલાં
નિજમાં જળ ભરી.
હરખે હૈયું ને હરખઘેલાં નયણાં નેણથી વરસે.
તરસી આ ધરણી જળ પી-પીને ધોમ તરસે.
વાદળવગડે વીજળી ચમકે
ને વેરાય મુખે મુખે;
પંખીઓ રુડાં ગીતડાં ગાય
વનવગડાની કુંજે કુંજે.
શ્યામનાં હૈયે લાગણીયું ભીની,વર્ષા ધારે વરસે,
તરસી આ ધરણી જળ પી-પીને ધોમ તરસે.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૩૦.૦૭.૧૧,શનિવાર)
:: વિક્સતા શહેરના ખેતરોની વ્યથા ::
કાલ તો અમો સુખી હતાં, કુમળાં છોડવાં ઊછેરીને,
આજ તો અમો દુઃખી છીએ, છાતી પર ઘા ઝીલીને.
થાય છે અમારી આપ-લે,
વિનિમયકારો વચ્ચે;
પાયાના ઘા ઝીલાય છે હવે
અમારી છાતી વચ્ચે.
કાલ તો અમે ઉછેર્યાં છોડને,છાંયડો થવાની આશ લઇને,
આજ ઇમારતનો ભાર ઝીલતાં, ઊભા અમો કઠણ થઇને.
કાલે વહેતું’તું જળ અમારામાં,
નહેરોની નીક થકી;
આજ વહે ગંદકી શહેરની
ગટરની ગોદ થકી.
થયું હાશ!આશરો થયા માનવનો, છાંયડો અમારો ખોઇને.
ઊગવા દીધી ઇમારતોને અમે, અમારાં છેલ્લા શ્વાસ લઇને.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૧૮.૦૭.૨૦૧૧,સોમવાર,૩.૩૦ બપોર)
દિવસ
સલૂણી સવાર લઇ આવે છે દિવસ.
પંખીનો કલરવ લઇ આવે છે દિવસ.
રાતના સેવેલા સપનાઓ સાકાર કરવા,
હરિયાળું પ્રભાત લઇ આવે છે દિવસ.
કાળી રાતનાં અંધકારને ઉજાળવવા,
અજવાળૂ સૂરજનું લઇ આવે છે દિવસ.
સુરજના ઉષ્માભર્યા કિરણોની સંગાથે,
સોનેરી પરોઢ લઇ આવે છે દિવસ.
સૌ જીવનમાં મધ્યાહને હોય એકસમે,
બપોરી એક વેળા લઇ આવે છે દિવસ.
ખૂશ્બૂની યાદો ભરી ગજવામાં’શ્યામ’
સાંજનાં ખાલી થઇ જાય છે દિવસ.
ઘનશ્યામ વઘાસીયા{તા.૧૬.૦૬.૨૦૧૧,ગુરુવાર}
હું નથી
દેખાઉં છું જેવો હું, એવું દેખનારો હું નથી.
લાગું સીધો-સાદો, એવું વર્તનારો હું નથી.
રાહદારીના રાહ પર ફૂલ બિછાઉં હું,
કોઇના રાહમાં કંટક પાથરનારો હું નથી.
બીજાને ખભો આપી આધાર થાઉં હું,
કોઇના ખભે બંદૂક ફોડનારો હું નથી.
કાદવમાં કમળ થઇ ખીલી જાઉં હું,
શાંત જળમાં પથ્થર ફેકનારો હું નથી.
આજની આ જાહોજલાલીમાં મ્હાલું હું,
વીતેલી કારમી કાલને ભુલનારો હું નથી.
જીવનભર હમસફરનો સાથ નીભાઉં હું,
શ્યામસંગીનીનો સાથ તરછોડનારો હું નથી.
સંબંધોના શિખરો સર કનારો હું,
શિખરોની ઊંચાઇથી ડરનારો હું નથી.
ભલેને આફતો આવી પડે સામટી,’શ્યામ’
ગમભરી એ જીંદગી જીવનારો હું નથી.
ઘનશ્યામ વઘાસીયા{તા.૧૪.૦૬.૨૦૧૧, મંગળવાર}
प्रतिज्ञापत्रम
भारतं मम देशः !
सर्वे भारतीयाः मम भ्रातरः भगिन्यः य सन्ति !
मम मानसे देश्स्पृहा अस्ति! समृध्धिसहितं विविधतापरिपूर्ण तस्य संस्कॄतगौरवम अनुभवामि!
अहं सदा तत्पात्रं भवितुं यत्नं करिष्यामि!
अहं मम पितरौ आचार्याम गुरुजनान च प्रति आदरभावं धारयिष्यामि!
प्रत्येकेन सह शिष्ट्व्यवहारं च करिष्यामि!
अहं मम देशाय देश्बान्धवेभ्यः च मम निष्ठां अर्पयामि!
तेषां च कल्याणे समृध्धौ च एव मम सुखम अस्ति!
આપણો પ્રતિજ્ઞાપત્ર સંસ્કૃતમાં અહીં મૂકૂ છું.
ગઝલ
મૌનની તાકાત શું છે જાણી લે.
જગ માણ્યું જાત શું છે જાણી લે.
બનાવટી આ ચહેરા પાછળની,
ખુદની હકીકત શું છે જાણી લે.
થાય સઘળી ચર્ચા લોકવૃંદમાં,
સાચી વાત શું છે જાણી લે.
સુરજના અજવાળે રહ્યાં પછી,
કાળીકાળી રાત શું છે જાણી લે.
રાહદારી સહું થંભી ગયા રસ્તાપર,
રસ્તા પર વાત શું છે જાણી લે.
સઘળો ભાર લૈ દિલ પર ‘શ્યામ’
લાગણી આઘાત શું છે જાણી લે.
-’શ્યામ’વઘાસિયા(તા.૦૨.૧૦.૨૦૧૧,રવિવાર)
ગઝલ
મુસીબતો ને આફતો જીવનમાં સરતી રહે છે
વિશ્વાસરુપી નાવ એમાં કાયમ તરતી રહે છે.
જેણે ઝીલી હોય પાનખર જીવનસફરમાં,
જીવનમાં એનાં વસંત કાયમ ખીલતી રહે છે.
ન હોય ડર કે દર્દ જેને ખડક નડવાનો,
સરિતા એની સદાય ખળખળ વહેતી રહે છે.
હોય જો હામ અડગ પર્વતારોહણની દિલમાં,
શિખરોની શૃંગ પણ એમને નમતી રહે છે.
છો ને આભમાં ન હો વાદળ એકપણ ઉષ્માનું,
‘શ્યામ’ની લાગણી વાદળી બની વરસતી રહે છે.
-’શ્યામ’ વઘાસીયા(તા.૧૩.૦૬.૨૦૧૧,સોમવાર)