સુખી થવું એ પ્રત્યેક વ્યક્તિનો જન્મસિઘ્ધ અધિકાર છે
સુખી થવું હોય તો એકલો આર્થિક વિકાસ પર્યાપ્ત નથી. જો અંદરની સમજ કે શાંતિ નહીં હોય તો એકલી સમૃદ્ધિ સુખ નહીં આપે
વત્સલ વસાણી 20-06-2010
સુખી થવું એ પ્રત્યેક વ્યક્તિનો જન્મસિઘ્ધ અધિકાર છે. જીવનનું પરમ લક્ષ્ય અવિનાશી આનંદની પ્રાપ્તિ છે. આથી સુખ અને આનંદની પ્રાપ્તિ માટે સૌએ પોતપોતાની રીતે સાચી દિશામાં પ્રયત્ન શરૂ કરી દેવો જોઇએ. વ્યક્તિ, પરિવાર, ગામ-શહેર, રાજ્ય દેશ અને વિશ્વ એમ ક્રમશઃ વ્યક્તિએ સતત વિસ્તરતા રહેવું જોઇએ. પરિવારના અંગરૂપ પ્રત્યેક વ્યક્તિ જો સુખી હશે તો આખો પરિવાર સુખી હશે. પરિવાર સુખી હશે તો અનેક પરિવારથી બનેલું ગામ અને શહેર પણ સુખી હશે.
એકેએક ગામ કે શહેર સુખી, સમૃઘ્ધ, શાંત અને વિકાસશીલ હશે તો પૂરૂં રાજ્ય સુખી અને વિકસિત થશે જ. આથી સાચી દિશા કેન્દ્રથી પરિઘ સુધીની છે. વ્યક્તિ સમષ્ટિનું કેન્દ્ર છે. વ્યક્તિ જો દુઃખી કે અશાંત હશે તો સમાષ્ટિમાં, પૂરા સંસારમાં, સુખનો અનુભવ અશક્ય છે. વ્યક્તિના ભોગે સમષ્ટિનું સુખ શક્ય નથી. એ ખોટી દિશા, ખોટું સૂત્ર છે. આપણે ત્યાં સમાજને સુખી કરવા માટે વ્યક્તિએ પોતાના સુખને છોડવું એવો મિથ્યા વિચાર પ્રચલિત છે.
પણ અનુભવથી એ જરૂર સમજાશે કે સમાજને સુધારવા કે સુખી કરવા ઇચ્છતા લોકો જો પોતે સુખી, શાંત, સુધરેલા, નિરપેક્ષ, શુચિ કે પવિત્ર નહીં હોય તો સમાજ ઊલટાનો વઘુ દુઃખી, શોષિત અને ગંદો બની જશે. દેશમાં સમાજસેવકો, સમાજસુધારકો અને સાઘુ-સંતોનો પાર નથી. પણ દેશ કેમ દિવસે દિવસે દુખી, અશાંત અને આંતરિક બદીઓથી ઊભરાતો જાય છે ?! દેશનેતાઓ, રાજનેતાઓ, સમાજસેવકો, સાઘુ-સંતો સતત પ્રયત્નશીલ હોવા છતાં સમાજ સુધરતો કેમ નથી ? કેમ બધે સુખ-શાંતિ અને આનંદ દેખાતો નથી ?
… તો જરાક અટકીને વિચાર તો કરવો જ જોઇએ. આપણે ત્યાં એક સૂત્ર પ્રચલિત છે. પરિવારના સુખ માટે વ્યક્તિએ પોતાનું સુખ છોડવું. પોતે ભલે દુઃખી થવું પડે પણ પરિવારને સુખી કરવા વ્યક્તિએ પોતાનો ભોગ આપવો. ગામ સુખી થતું હોય તો આખા એક પરિવારે દુખ વ્હોરી લેવું, દુખી થવા તૈયાર રહેવું. રાજ્ય સુખી થતું હોય તો ગામ કે શહેરના સ્વાર્થને જતો કરવો. અને દેશ જો સુખી થતો હોય તો આખા એક રાજ્યે પોતાના સુખને છોડવા તત્પર રહેવું. સૂત્ર તો સરસ છે.
સમજપૂર્વક એનો ઉપયોગ થાય તો પરિણામ પણ આવે જ. પરંતુ બન્યું એવું કે પરિવારના સુખ માટે વ્યક્તિએ પોતાની ઊંઘ હરામ કરી, તનતોડ મહેનત કરી, પોતાના તરફ સહેજેય લક્ષ ન આપ્યું અને એમ વ્યક્તિ દુખી, હતાશ અને બીમાર બની. આના બદલે સ્વાર્થી બન્યા વિના પરિવારના તમામ સભ્યોએ સુખ વહેંચવું જોઇએ. વહેંચવાથી સુખ વધે છે. અને એમ સુખી અને શાંત લોકો વઘુ સારી રીતે કામ કરી શકે છે. યોગ્ય દિશામાં આયોજનપૂર્વક શ્રમ કરવાથી સમૃઘ્ધિ વધે છે અને એમ સુખ, શંતિ અને સમૃઘ્ધિમાં વધારો થાય છે.
સુખી થવું હોય તો એકલો આર્થિક વિકાસ પર્યાપ્ત નથી. સમાજમાં ગમે તેટલા ઉદ્યોગો વધે, મોટા મોટા ભવ્ય મકાનો બને, વ્યક્તિગત વાહનો વધે પણ જો અંદરની સમજ કે શાંતિ નહીં હોય તો એવી સમૃઘ્ધિ સુખ નહીં આપે. સુખી થવું હોય તો સમાજનો અને દેશનો સંતુલિત વિકાસ થવો જોઇએ. દેશમાં કે રાજ્યમાં જેટલા ઉદ્યોગો વધે, આર્થિક સમૃઘ્ધિ વધે એટલા જ પ્રમાણમાં શિક્ષણ, પર્યાવરણ, આંતરિક શાંતિના ઉપાય કે સમજદારી પણ વધવી જોઇએ. ઉદ્યોગો, મકાનો અને ટેકનોલોજી વધે તેની સાથે પ્રાકૃતિક યાત્રાધામો, બાગ બગીચા, વિશાળ ઉદ્યાનો, પ્રાકૃતિક કે કૃત્રિમ ધોધ, ફુવારા, ઝરણાં અને વ્યક્તિને આંતરિક શાંતિ આપે એવા સ્થળો પણ વધવા જોઇએ.
એકલા ઉદ્યોગો, એકલું શિક્ષણ, એકલા મંદિરો કે એકાંગી વિકાસ માણસને સુખી નહીં કરી શકે. આ માટે ચારે બાજુથી વ્યક્તિનો કે સમાજનો સંતુલત વિકાસ થવો જોઇએ. સમાજમાં સમૃઘ્ધિ માટે વેપાર ધંધા અને ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે. તો સાથે સાથે થાકેલા માણસ માટે અઠવાડિયે એકાદ દિવસ શાંતિથી પસાર કરવા માટે કેટલાક કુદરતી કે કૃત્રિમ પ્રાકૃતિક સૌંદર્યધામો પણ વિકસવા જોઇએ. ભલે બાજુમાં જંગલ, નદી, દરિયો, કે પહાડ ન હોય પણ આજે તો ઘટાદાર વૃક્ષો વાવીને માનવસર્જિત વન ઊભા કરી શકાય છે. ઝરણાં, ફુવારા અને કૃત્રિમ વોટર ફોલ પણ બનાવી શકાય છે. મામસે સુખી થવું હોય તો પ્રકૃતિ કે પર્યાવરણના ભોગે એ ક્યારેય શક્ય નહીં બને. પ્રકૃતિને, પર્યાવરણને, સ્વચ્છ પ્રાકૃતિક સ્થળોને સાથે રાખીને જ હવે સુખની શોધ શક્ય બનશે.
દરેક વ્યક્તિએ સુખી અને સમૃઘ્ધ થવાનો સંકલ્પ કરવો જોઇએ.
આળસુ કે કાહિલ થઇને બેસી રહેવાની જરૂર નથી. પોતાની રીતે પોતાની પસંદગીનો શ્રમ તો પ્રત્યેક વ્યક્તિએ કરવો જ જોઇએ. પોતાને ગમતા ક્ષેત્રમાં પ્રત્યેક વ્યક્તિએ ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ. એ જ રીતે પ્રત્યેક પરિવારે સામૂહિક રીતે, સંપીને સુખી તથા સમૃઘ્ધ થવાનો સંકલ્પ કરવો જોઇએ.