RSS

Monthly Archives: સપ્ટેમ્બર 2009

ફાગણની વધામણી

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

સુરેશ દલાલ

 
Leave a comment

Posted by on 28/09/2009 માં ઋતુ-ગીત

 

ટૅગ્સ:

સપનાનું ઘર હો,

ઝૂલે ઝૂલાવું,

લા લા લા લા લા લા લા…

ઝૂલવા હો ઝૂલો,

એક એવું ઘર હો,

લા લા લા લા લા લા લા…

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,

છત ને છજાઓ, દિશાઓ વગર હો.

આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,

નદીના કિનારાની ભીની અસર હો….

ગગનમાં સિતારાઓ ચમકી રહ્યા છે,

ધરા પર એ આપણને તાકી રહ્યા છે.

રમતિયાળ ચાંદાને ખોળામાં લઈને,

જુઓ વાદળો વ્હાલ વરસી રહ્યા છે.

ઋતુઓ બધી અહીં એકસાથે આવે,

દિલના ઝરૂખે તને ને મને ઝુલાવે,

મીઠું મીઠું એ સતાવે.

આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,

નદીના કિનારાની ભીની અસર હો….

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,

છત ને છજાઓ, દિશાઓ વગર હો.

ગગન હું ધરા તું,જરા હું જરા તું,

નદીમાં ભીંજાતી કોઈ અપ્સરા તું

છે સપનું અધુરું, છતા બહું મધુરું,

મળે સાથ તારો તો થઈ જાય પૂરું.

સાથ દઈશ હું તુજને સફનમાં,

તારો બનીને સદા રહીશ જીવનમાં,

હો જેમ પંખી ગગનમાં.

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,

છત ને છજાઓ, દિશાઓ વગર હો.

મુકુલ ચોકસી

 
Leave a comment

Posted by on 28/09/2009 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

ચાલ સખી વરસાદે જીવતર ખંખોળીએ

ચાલ સખી વરસાદે જીવતર ખંખોળીએ
રોમ રોમ ભીનાપે કાયા ઝંબોળીએ
કાગળની નાવ અને છબછબીયાં યાદ રે
ઘરમાં ન આવવાની બા ની ફરીયાદ રે
ખરડાતાં ભીંજાવું, કેવો ઊન્માદ રે
ગારો, ખાબોચીયાઓ દેતા’તાં સાદ રે
બચપણની ચોપડીના પાનાઓ ખોલશું……રોમ રોમ ભીનાપે
પહેલા વરસાદ તણી મૌસમ કંઈ ઓર છે
વાલમની વાત્યુના થનગનતાં મોર છે
દડદડતી જળધારા, મસ્તીનો તોર છે
લાગે કે પિયુ મારો આજ ચારે કોર છે
એમ કહી, શરમાતાં પાલવ સંકોરશું…..રોમ રોમ ભીનાપે
ટપકંતા નેવેથી ટીંપે સંભારણાં
કરચલ્લી પાછળના ઉઘડતાં બારણા
ઘટનાનાં ઝાળાએ અકબંધ છે તાંતણાં
વિતેલી યાદો છે હૂંફ, એજ તાપણાં
ઓસરીની કોર બેસી સઘળું વાગોળશું…..રોમ રોમ ભીનાપે
ડો.જગદીપ નાણાવટી

 
Leave a comment

Posted by on 28/09/2009 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

વાલમ કોણ કહે હું કડકો

ચપટી ધરતી, નભ આંખોમાં, વાયુ કેરો ઝટકો
ઝાકળ નામે જળ લીધું મે અગન સરીખો તડકો
વાલમ કોણ કહે હું કડકો….

કલરવ છે કલદાર અમારા, ગિરી કંદરા મહેલો
સમજણ ને સથવારે ચાલું, પંથ નથી કંઈ સહેલો

હરિયાળી પાથરણું મારું, સહેજ ન લાગે થડકો
વાલમ કોણ કહે હું કડકો…

.લાગણીઓના તોરણ લટકે, પ્રેમ અમારા વાઘા
સૂર્ય ચંદ્ર ની સાખે જીવીયે , ભલે રહ્યા સૌ આઘા

ધક ધકતી છાતીએ અમને એક વખત તો અડકો
વાલમ કોણ કહે હું કડકો…

.આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતાં
કાંધે લેવા મને નગરજન, હુંસા તુસી કરતાં

સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
વાલમ કોણ કહે હું કડકો….
ડો.જગદીપ નાણાવટી

 
Leave a comment

Posted by on 28/09/2009 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

મારી ઉગી’તી લીલ્લી સવાર

કૂપળ ફુટ્યાનું મને સપનું આવ્યું
ને મારી ઉગી’તી લીલ્લી સવાર
સુરજ પહેરીને થયો , હરિયાળા સાફાને
લીલુડે ઘોડે અસવાર……
મારી ઉગી’તી લીલ્લી સવાર

આંખ્યુંની છાજલીયો વારતાઓ થઈ ગઈ ને
છત્રી નો ઉતર્યો ખુમાર
તડકાઓ આજ હવે લાગે છે છાંયડા ને
છાંયડાઓ મળતા ખુવાર……
મારી ઉગી’તી લીલ્લી સવાર

રણમાં લહેરાય હવે લીલા વંટોળ
નથી મ્રુગજળનો સહેજે અણસાર
ધરતીયે ટાઢકથી ધગધગતી આજ
જાણે મખમલીયો મ્હોર્યો જુવાર……
મારી ઉગી’તી લીલ્લી સવાર

ભાલેથી દડદડતાં પ્રસ્વેદી સસલાંઓ
ઝાકળનો જાણે અવતાર
અગનિની પરબુને માંડે , જે ભામાશા
એને છે ઝાઝા જુહાર…….
મરી ઉગી’તી લીલ્લી સવાર
ડો.જગદીપ નાણાવટી

 
Leave a comment

Posted by on 28/09/2009 માં ઋતુ-ગીત

 

ટૅગ્સ:

વાયા વાસંતી વાયરાઓ વ્હાલના

વાયા વાસંતી વાયરાઓ વ્હાલના
કેવા ટશીયા ફુટ્યા છે એના ગાલના
વાયા વાસંતી વાયરાઓ વ્હાલના

ઝરમર ઝરમર વર્ષા વરસે
ખળખળ ખળખળ ઝરણાં ગહેકે
એણે સાથીયા પુર્યા છે કેવા તાલના
વયા વાસંતી વાયરાઓ વ્હાલના

લાલ ચણોઠી ફાંટ ભરીલો
કેસુડાને હાથ ધરી લો
બધાં વાસી થઈ જાય રંગ કાલના
વાયા વાસંતી વાયરાઓ વ્હાલના

વીજળી ચીતરે કેડી નભમાં
ચાસ પડ્યા ખેતરના પટમાં
કોણે ચાતર્યા ચીલા છે આવા ચાલના
વાયા વાસંતી વાયરાઓ વ્હાલના
ડો.જગદીપ નાણાવટી

 
Leave a comment

Posted by on 28/09/2009 માં ઋતુ-ગીત

 

ટૅગ્સ:

હાલો હાલો વસંત કેરાં મેળે

તડકાને પહેરીને રોમ રોમ આજ હાલો
વાસંતી વાયરાને મેળે
છતરીઓ ઓઢી લઉં છાયડાની એવી કે
છાંયડો ન જાય કોઇ એળે
કે હાલો હાલો વસંત કેરાં મેળે
કે હાલો હાલો વસંત કેરાં મેળે…..

ફાગણીયો કેસુડો, આંબાના મોર,
ઓલ્યા ખેતરીયા મોલ મારા ભેરુ
કાળી કોયલ કરે ટહુકાનું ટપકું કે
આભડે ના નજર્યુંના એરુ
બધી કોતરોયે થાય મારી ભેળે
કે હાલો હાલો વસંત કેરા મેળે

લૂમ ઝૂમ વ્રુક્ષોની હાટડીએ હિચકંતા
પોપટ, મેના ને હંસ, હોલા
કુદરતના લીલુડે પિંજર પૂરેલાને
કેમ પૂરો પાંજરમા ઓલા ?
હવે કોણ આવી વાત્યુ ઉખેળે
કે હાલો હાલો વસંત કેરાં મેળે

ઉડતાં પતંગીયાઓ મખમલીયા ચકડોળે
બેસી આકાશ આખું માણે
આંખોને આંકડીયે લટકીને દોમ દોમ
મનડુંયે હિંચાતું જાણે
આખું આયખું એ લેતા હિલેળે
કે હાલો હાલો વસંત કેરાં મેળે

મનખોયે આજકાલ વકર્યો છે એવો કે
હડિયુ કાઢે છે થઈ ઘેલો
ભાળે ના ભગવાને દીધેલો મેળો ને
ઊભરાતાં મોલડાં, મોટેલો
ક્યાંય સુધર્યાં છે કોઈ એની મેળે ?
કે હાલો હાલો વસંત કેરાં મેળે…..
ડો.જગદીપ નાણાવટી

 
Leave a comment

Posted by on 28/09/2009 માં ઋતુ-ગીત

 

ટૅગ્સ:

મારા વાલમ તારી વાંસલડીના સૂર

મારા વાલમ તારી વાંસલડીના સૂર અમુને વાગે રે
ઓલ્યા હોઠે તારા, સોત અમારી બેઠી એવું લાગે રે
મારા વાલમ…..

તારા ટેરવાની ઝંખ
મારા હૈયા કેરો ડંખ
તારા ભીનાં ભીનાં શ્વાસોથી અગનીની જ્વાળા જાગે રે
ઓલ્યા હોઠે તારા…..

તમને સાત સૂરોની માયા
તપતી સોળ વરસથી કાયા
અમે તમને આપ્યા દાણ ઘણાયે, દલડું થોડું માંગે રે
ઓલ્યા હોઠે તારા……

લઈને રોજ ચરાવો ધેનુ
રાતે કામ નથી કંઇ એનુ
તમે શમણે અમને પોરવજોરે પ્રિત સરીખે ધાગે રે
ઓલ્યા હોઠે તારા….
ડો.જગદીપ નાણાવટી

 
Leave a comment

Posted by on 28/09/2009 માં કાવ્ય સરિતા

 

ટૅગ્સ:

વર્ષો પછી ઘર ખોલતા

વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો
જે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો

ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાં
આખું સદન અજવાસથી શણગારતો અવસર હતો

આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથી
જર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો

થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પર
વલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો

આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો

ડો.જગદીપ નાણાવટી

 
Leave a comment

Posted by on 28/09/2009 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

ઘડપણ

અંગત ગણું તો, જામ છે
કેવો પ્રભુ અંજામ છે

ટહુકા વિણુ છું યાદનાં
બાકી રહ્યું ક્યાં કામ છે

શબ્દો હવે હાંફી ચુક્યાં
લિખિતંગ પર આરામ છે

શ્વાસો લઈને છોડવા
બસ આટલો વ્યાયામ છે

આંખે સફેદી, કેશ પણ
શમણાં બધાયે શ્યામ છે

સેતુ સમયનાં બાંધતાં
અંતે તો સૌ ’હે રામ’ છે

ડો.જગદીપ નાણાવટી

 
Leave a comment

Posted by on 28/09/2009 માં ગઝલ

 

ટૅગ્સ: