સુખ- દુઃખનો આધાર વ્યક્તિની અંદરની સ્થિતિ પર છે
અંદરથી માણસ શાંત અને સુખી હોય તો એ જ્યાં ક્યાંય પણ જાય,
જે કોઈ પરિસ્થિતિમાં હોય ત્યાં સુખી અને શાંત જ હશે
વ્યક્તિની આજુબાજુ જેમ એને બેહોશીમાં ધકેલનારા, મૂર્ચ્છિત રીતે જીવવા માટે પ્રેરનારા અને અંગત સ્વાર્થ માટે નઠોર થઈને આગળ વધવા ઉશ્કેરનારા બનાવો બને છે તેમ રોજેરોજ એવા પણ અનેક બનાવો બને છે જે એને ઢંઢોળે, હોશમાં આવવા પ્રેરે અને સમજપૂર્વક જીવવા માટે જરૂરી સ્થિતિનું સર્જન કરે. જગત તો એનું એ જ છે. આના આ જ જગતમાં કેટલાક લોકો નાચીને જીવ્યા છે.
અસ્તિત્વ તરફથી જે કંઈ પણ મળ્યું એનો ઉત્સવ મનાવ્યો છે. તમામ પ્રકારની સુવિધા હોય, પૂરતું ધન હોય, ભર્યોપૂર્યો પરિવાર હોય તો પણ કેટલાક લોકો દુઃખી થઈને મર્યા છે. તો કેટલાક એવા પણ છે જેમની પાસે જરૂર પૂરતું પણ ધન ન હતું, ખાસ કોઈ સુવિધા પણ ન હતી, ચારે બાજુથી કોઈ ને કોઈ પ્રકારની તકલીફ કે- અસુવિધા ઊભી કરવામાં આવી હોય તો પણ એ આનંદ અને મસ્તીથી જીવ્યા છે. એમના આંતરિક સુખમાં ક્યાંય કોઈ ખામી કે કમી ઊભી થઈ નથી.
કબીર, ગોરા કુંભાર કે રૈદાસ પાસે સુખી થવા માટેના ભૌતિક સાધનો તો હતા જ નહીં. પરિવારનું ગુજરાન પણ માંડ માંડ કરી શકતા. કબીરે જિંદગીભર ચાદર વણવાનું કામ કર્યું. રૈદાસ જૂતા સીવતા રહ્યા, ગોરા કુંભાર માટી ખુંદીને વાસણ બનાવતા રહ્યા. પણ એમના સુખનો આધાર ક્યાંય બહાર ન હતો. સુખી થવા માટે પુષ્કળ ધન, આલિશાન બંગલા, લેટેસ્ટ કાર, કે ભૌતિક સુવિધા જ જરૂરી છે એવું નથી. એ હોય તો ઉત્તમ છે. સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે પણ વ્યક્તિના આનંદનો આધાર આવી બાહ્ય બાબતો પર ન હોવો જોઈએ.
એને કોઈ ધારે તો પણ કંપિત ન કરી શકે એટલી ઉંડી એની આંતરિક સ્થિરતા હોવી જોઈએ. જે સમજે છે એ તો કહે જ છે કે, સુખ કોઈ ચીજવસ્તુમાં નથી. બહારની પરિસ્થિતિમાં તો માત્ર બહાનું છે. અંદરથી માણસ શાંત અને સુખી હોય તો એ જ્યાં ક્યાંય પણ જાય, જે કોઈ પરિસ્થિતિમાં હોય ત્યાં શાંત અને સુખી જ હશે. અને જો કોઈ વ્યક્તિ અંદરથી અશાંત, ઉદ્વિગ્ન અને દુઃખી હશે તો એને એરકંડિશન્ડમાં પણ શાંતિ નહીં મળે. સરસ મજાની પથારીમાં પણ ઉંઘ નહી આવે, રાતભર પડખા ઘસવા પડશે અને ભૌતિક તમામ સાધન સુવિધાની વચ્ચે પણ એનું મન અશાંત અને હૃદય ઉદ્વિગ્ન હશે.
એક જ સ્થિતિ, જે એક વ્યકતિને સુખ આપી શકે તે બીજા માટે દુખદ પણ બની શકે. એક જ ઘટના જે એક વ્યક્તિને જરા પણ વિચલીત ન કરે તે બીજી વ્યક્તિને હચમચાવી નાખે કે દુઃખી દુઃખી કરી શકે. બધો આધાર વ્યક્તિની અંદરની સ્થિતિ પર છે. કોઈ એક વ્યક્તિને વરસાદની મોસમમાં મઝા આવે. ટપ ટપ ટપકતા પાણીમાંથી અલૌકિક સંગીતનો આનંદ મળે… તો એ જ મોસમ કોઈના માટે ત્રાસજનક, અણગમો પેદા કરનારી અને કંટાળાજનક હોય છે. કોઈને વરસાદમાં ભીંજાવું ગમે તો કોઈ થોડા એવા છાંટા પડી જાય ને કપડાં ભીંજાય તો દિવસભર એનો અફસોસ કરે ! દરેક ઋતુ, દરેક પરિસ્થિતિ એકને આનંદ આપનારી બની શકે તો બીજા માટે એ સજારૂપ પણ બની શકે. શિયાળામાં શરીર ઢબૂરીને સૂવાની કેટલી મઝા આવે ! ઠંડીમાં હૂંફ મેળવવા જે કોઈ પ્રયત્નો થાય તે કેટલા મઝાના હોય !… પણ પસંદ અપની અપની. એકને જે ગમે તે બીજાને ગમે જ એવું નક્કી નથી. વ્યક્તિના પ્રકાર અને એના દ્રષ્ટિકોણ પર બધો આધાર છે.
કેટલાક લોકો એવા હોય છે કે જે દરિયો જોઈને ગાંડાતૂર બની જાય. નાના બાળકની જેમ નાચે, મોજા સાથે રમે, છાલક મારે, મિત્રો સાથે આનંદ મનાવે અને અસ્તિત્વની આ ઉછળતી- ગાતી રમણિયતાને માણે. તો કેટલાક એવા પણ હોય છે જેને પાણીમાં પગ બોળવાનું પણ પસંદ ન પડે. મોજા જોઈને ડરે. જલદીથી ઘર ભેગા થવાનું પસંદ કરે. નદીકિનારે જઈને, એના ખળખળ વહેતા પાણીમાં પગ બોળીને ચાલવાનું કેટલાકને ગમે. જેમ જેમ ચાલે તેમ તેમ થાક ઉતરતો જાય… તો કેટલાકને કિનારે કિનારે ચાલવાથી પણ થાક લાગે. કોઈને આંગણામાં ફૂલ, છોડ, બગીચો કે લોન હોય તો ગમે તો કોઈ એને ‘ન્યુસન્સ’ માને ! મચ્છર થાય, ભેજ વધે એમ માનીને બગીચાનો વિરોધ પણ કરે.
કોઈને આકાશ ગમે. આકાશ નીચે જઈને વિશાળતાનો અનુભવ થાય. ખુલ્લા આકાશ નીચે- અગાશીમાં- સુવાનું મળે તો સ્વર્ગીય સુખનો અનુભવ થાય તો કોઈને આકાશ સાથે પોતાને જાણે કશો જ સંબંધ ન હોય, જીવનમાં એની કશી જ મહત્તા ન હોય એમ બારી-બારણા બંધ કરી, ઘરની દિવાલોમાં કેદ થઈને જીવવાનું ગમે. બારી બહારનું આકાશ, દૂર દેખાતા વૃક્ષો, પક્ષીઓ આમાંનું કશું જ એને આકર્ષતું નથી. બારીના પડદા બંધ કરીને ચાર દિવાલો વચ્ચે જીવવામાં એને આનંદ મળે છે. એરકંડિશન્ડ બેડરૂમ, સોફા, ડાઇનિંગ ટેબલ, ટી.વી. અને ઘરવખરી એ જ એનું જીવન હોય છે. ઘરની બહારનું એક વિશાળ જગત એને ક્યારેય ખેંચી કે આકર્ષી શકતું નથી. આ જગતમાં કેટલું બઘું સૌંદર્ય છે ! કેટલું વૈવિઘ્ય અને કેટલી વિશાળતા છે ! જોવા અને માણવાનું શરૂ કરો તો આશ્ચર્યથી અવાક્ બની જવાય એવી વિસ્મયજનક આ સૃષ્ટિ છે. ફૂલો, પક્ષીઓ, જીવજંતુઓ અને વન્ય પશુઓની એક અદ્ભુત દુનિયા છે. જેની પાસે સમય, સુવિધા અને સમજ છે એણે આ સૃષ્ટિને જોવી, જાણવી અને માણવી જોઈએ.
જેમ બાહ્ય જગત છે તેમ અંદરનું પણ એક અદ્ભુત જગત છે. જે અંદર ગયા છે, જેમણે આ આંતરિક જગતમાં ડૂબકી લગાવી છે તે તમામનું કહેવું છે કે, આપણું પોતાનું આંતરિક જગત અલૌકિક અને અદ્ભુત છે. જેમણે આ આંતરિક જગતને જોયું, જાણ્યું અને માણ્યું છે તેનું બાહ્ય જગત પણ બિલકુલ બદલાઈ જાય છે. તમારી પાસે એક નવા પ્રકારની દ્રષ્ટિ આવે છે, વસ્તુ અને વ્યક્તિ જોવાનો તમારો અભિગમ બિલકુલ બદલાઈ જાય છે. તમારી આંખ પર કોઈ પણ પ્રકારના પડળ, કોઈ પણ રંગના ચશ્મા નથી હોતા. જે વસ્તુ જેવી છે તેને તમે તેવી જ જોઈ શકો છો. ગમા- અણગમા, આગ્રહ- રાગદ્વેષ, પસંદગી- નાપસંદગી કે પરંપરાગત માન્યતા વચ્ચે કોઈ આવરણ નથી હોતા. અને તેથી તમે જે છે તેને તેવું જ જોઈ શકો છો.
જીવન એટલું કીંમતી છે કે એને ગુમાવવા જેવું નથી. સમય સાથે જીવન જોડાયું છે. સમયમાં હોવા છતાં જે સમયની પાર છે તેને જાણવું હોય તો ક્ષણેક્ષણનો સદુઉપયોગ કરી સમય ગુમાવ્યા વિના જીવવું જોઈએ. શરીરને સીમા છે, એ સમયની સીમામાં બંધાયેલું છે અને જીવનને તથા શરીરને પણ ઘનિષ્ઠ સંબંધ છે. આથી શરીર સારું હોય, શરીરમાં શક્તિ હોય, પોતાની પાસે સમય અને સુવિધા હોય ત્યાં જ જીવનને જાણવાનું તથા જગતને જોવા અને માણવાનું શરૂ કરી દેવું જોઈએ.
ક્રાન્તિબીજ
ઇસ ઘટ અંતર બાગ- બગીચે,
ઇસીમેં સિરજનહારા;
ઇસ ઘટ અંતર સાત સમુન્દર,
ઇસીમેં નૌલખ તારા !
ઇસ ઘટ અંતર પારસ મોતી,
ઇસીમેં પરખનહારા !
ઇસ ઘટ અંતર અનહદ ગરજૈ,
ઇસીમે ંઉઠત ફુહારા;
કહત કબીર સુનો ભાઈ સાઘુ !
ઈસીમેં સાંઇ હમારા.
– સંત કબીર