RSS

Monthly Archives: ફેબ્રુવારી 2011

;; ટી.પી.નવની નોબત વાગે ! ;;

નોબત વાગે,નોબત વાગે,ટી.પી.નવની નોબત વાગે,
સહુ કોઇ જાગે, સહુ કોઇ ભાગે,નવસુંદરી નવની વાટે.
જયંતી કરે હટાણું,નવની હાટડીથી,
હૈયે રાખી હીર;
હિંમત-મુકેશ કરે હડિયાપાટી,
રહી જશું તો કોણ ભરશે બાથ?
ઊગામેડીથી આવે લાલજી મારા, નાખવા નવમાં નેસ,
હાલાર દેશથી પધારે મનજી રુડા,થાપવા હાલાર રાજ.
ભરત બેઠો ઝરુખે, આભુષણને,
નીરખે નવનો નટખટ ખેલ;
જયેશ-કિશોર તો જાગ્યા મોડા,
કહે ; આપણે રહી જશું કે કેમ?
કાળુ, કાંતિ ને ઓ.પી.ભાગ્યા,સાંભળી સાવજોની ત્રાડ,
શાંતિ તારો ખેલ અનેરો, નાચ નાચે નવનાં સહુ લોક.
રાકેશ-જનક તો રાજા નવનાં,
મુખડાં એનાં મલક મલક થાય;
સૂર્યવંશી સૌ સૂઇ રહ્યાં, ને
નવ તો પહોંચી સુર્યની પાસ.
‘શ્યામ’તો નિહાળે નવલી નવને, આઠની અટારીએથી,
નોબત વાગે,નોબત વાગે,ટી.પી.નવની નોબત વાગે,
-ઘનશ્યામ વઘાસીયા(તા.૨૨.૦૨.૧૧,મંગળવાર,૨.૧૦,બપોર)

નોંધ ; સુરતના પાલણપોર ગામની ટી.પી.નવમાં જમીનના વારના પંદર મહીનામાં પંદર હજારના ભાવ ઉછાળા થતાં આ રચના મનમાં ઉદભવી છે.જેમાંનામ છે તે ત્યાંના વેપારીઓનાં છે.

 

ટૅગ્સ:

;; પીનારો હું માણસ છું ;;

લોક સહુ સઘળાં છો ને પીએ ટોપરાનાં પાણી,
ખારા એ મીઠાનાં જળને, પીનારો હું માણસ છું.
સૌંદર્ય જોઇ પ્રકૃતિનું, કોઇ ભોગવે ને કોઇ માણે,
સૌંદર્ય આ સઘળું નેણથી, પીનારો હું માણસ છું.
દુગ્ધાલયની અટારીએથી વહે છે દૂધની ધારા,
દૂધને માનું ધાવણ માની, પીનારો હું માણસ છું.
છે સમાજમાં વેર ને ઝેર, જુદાજુદા લોક વચ્ચે,
એ વેરઝેરને અમૃત ગણી, પીનારો હું માણસ છું.
મયખાનામાં હોય છે શરાબની રેલમછેલ, સાકી
એ શરાબીઓને મનભરીને, પીનારો હું માણસ છું.
માનવી,માનવીનું પીએ લોહી,આ જગમાં,’શ્યામ’
લોહી પીનારા એ માનવીને, પીનારો હું માણસ છું.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૨૨.૦૨.૧૧,મંગળવાર,૨.૦૦,બપોર)

 

ટૅગ્સ:

આવ્યો અવસર આંગણિયે

આવ્યો અવસર આનંદનો આંગણિયે આજ,
રુડાં ગીતો ગુંજ્યાં ફળિયે આજ;
હરખ હરખ હરખાતું કુટુંબ કબીલું આજ,
લીલાં તોરલીયા હરખાય બારણે.
હૈયું રુએ બાપનું, ભરી બારણાને બાથ,
છુટી રહ્યો સાથ સઘળો આજ.
માતા વળી લૂછે આંસુ પાલવ પકડી,
આત્મીય હતી તે વળાવી આજ.
સહેલી બધી વીટળાઇ રહી એકબીજાને સાથ,
સખી તો થઇ પરાઇ આજ.
સખી સહેલીઓ ગુંજે રે સંભરણા અતીતનાં,
ને સખી જાય પરાયાને ઉજાળવા.
‘શ્યામ’વસમી આ વિદાયને ઉતારે શબ્દમાં,
ને દીકરી ચાલી સાસરે આજ.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૦૪.૦૨.૧૧,શુક્રવાર,૧૧.૨૦,રાત્રિ)

 

ટૅગ્સ:

દીકરી વિદાય પછી

આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું, હવે
લાગે સાવ સૂનાં સૂનાં, દીકરી વિદાય પછી.
સદાય હસતી આંખમાં ઘટના બની નવી,
આંસુ વહ્યાં ઊના ઊના, દીકરી વિદાય પછી.
હંમેશા હેતથી બોલાવતી,ને પ્રેમથી પુકારતી,
એ અવાજ પડઘાય ઓરડે, દીકરી વિદાય પછી.
આ બારણું, આ મંડપ ઊભા સાવ સૂનાં,
લટકે છે તોરણ આંસુનાં, દીકરી વિદાય પછી.
આસોપાલવના તોરણ અને ઉદાસ આ હવા
વૃક્ષો ઊભા બધાં છાનામાના, દીકરી વિદાય પછી.
ઊડી ગયું પંખી, કલરવ કરતું આંગણેથી,
લ્યો,ઘૂઘવે છે દરિયા લૂના, દીકરી વિદાય પછી.
આ પાદર આખુંય હિબકાં ભરે ને
હૈયડાં વલોવાય,’શ્યામ’નાં, દીકરી વિદાય પછી.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૦૭.૦૨.૧૧,સોમવાર,૧૨.૦૦,રાત્રિ)

 

ટૅગ્સ:

દીકરી ચાલી સાસરે

ખેલતું કૂદતું ફળિયું લઇને, દીકરી ચાલી સાસરે
આંગણું ઘરનું સૂનું કરીને, દીકરી ચાલી સાસરે
બારી-બારણા ય રડતાં મૂકી,દીકરી ચાલી સાસરે
છોડી ગુંજતાં ઘરનો સાથ રે,દીકરી ચાલી સાસરે
સખીઓ સાથે જનેતા ભળી,શ્રાવણ વરસે નયન,
માને મેલી પિતાને સાથ રે,દીકરી ચાલી સાસરે
આંખો બની દરિયો આજ, દીકરી ચાલી સાસરે
બાપને મૂકી ભાઇને આશરે, દીકરી ચાલી સાસરે
‘શ્યામ’ના આંસુ શેં સુકાય,દીકરી ચાલી સાસરે
-ઘનશ્યામ વઘાસીયા(તા.૦૪.૦૨.૧૧,શુક્રવાર,૧૧.૩૦,રાત્રિ)

 

ટૅગ્સ: