RSS

Monthly Archives: ઓગસ્ટ 2009

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો
કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એનું ખ્વાબ આપો
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુ ભીનો હિસાબ આપો
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો!
એટલે તારા તોડી લાવ્યો નથી
કાલે કહેશો કે આફતાબ આપો
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો
– હેમંત પુણેકર

 
2 ટિપ્પણીઓ

Posted by on 30/08/2009 in ગઝલ

 

ટૅગ્સ:

તારું વૈકુંઠ, તને મુબારક !

આ નભ સકોરાઈને આખે આખ્ખું

મારા ઘરની છત થઈ જાય…
ને આ વિશાળ ધરા મારું આગણું….
આ અસંખ્ય તારલાં મારા ઘરની
ભીંત પરના સુશોભનો…
ને સૂર્ય ચંન્દ્રથી અલંકૃત હો મારું બારણું…
થઈ જાય વગડો …
એક ઘટાદાર ઘેઘૂર વૃક્ષ !
જાણે વિશ્વરુપ જ !

ને ત્યાં હોય…
મારા જિગર જાન મિત્રો જેવું પક્ષી ગણ,
ને સત્સંગમાં હો તેમનું સમૂહ ગાણું…
અને મારું એ ઘર
નદી થઈ ગયેલા સમુદ્રોની
તટે હો…

તો …
તારા સોગંદ, ઓ પ્રભુ !
તારું વૈકુંઠ, તને મુબારક !

-કમલેશ પટેલ

 

ટૅગ્સ:

સૂરજને ઠેઠ સાંજે

સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડે કે,
કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.

સપનાં ભરીને ઊંટો ચાલ્યાં જતાં ઝડપથી,
રેતીમાં કોઈ પગલાં ગણતું રહે સવારે.

તૂટ્યાં કરે કોઈનાં મોંઘાં સમયનાં મોતી,
એકાંત આંગણાંનું ચણતું રહે સવારે.

રાત્રી વીતે છતાં આ મનનાં સૂનાં સ્મશાને,
કોઈ હજીય મંત્રો ભણતું રહે સવારે.

અંધારું ગાઢ આંખે આંજી અને પછીથી,
કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે
-રાજેન્દ્ર શુક્લ

 
Leave a comment

Posted by on 30/08/2009 in ગઝલ

 

ટૅગ્સ:

આલ્બમના ફોટા રે

અમે તારા આલ્બમના ફોટા રે,
અમે સાચ્ચેસાચા પણ ખોટા રે…..

સ્મિતની પાછળ વ્યાકુળ આંસુ
નહીં વરસેલું બળતું ચોમાસું,
પાનાઓની અંધ ગલીમાં
કાયમ સ્પર્શની ઠોકર ખાશું,
અમે અટકળના પરપોટા રે
અમે સાચ્ચેસાચા પણ ખોટા રે….

સ્વપ્ન તણાં છે ચાસ આંખમાં
ઝંખેલા શ્વાસો આસપાસમાં,
પીંછે પીંછે ખરતું પંખી ને
જંપેલા આભો ચોપાસમાં,
અમે જળ પરના લીસોટા રે
અમે સાચ્ચેસાચા પણ ખોટા રે…..
-ડૉ. નીલેશ રાણા

 

ટૅગ્સ:

વગડો

વગડો વ્હાલો લાગે,
બીલીબદરી નીમ નિરંતર જાગે.

ડાળેડાળે ડૂંડા જેવી
થડને ફૂટે છાંય,
લયમાં રમતા ઝરણા જેવી
પવન પકડતો બાંય,
તડકાને પણ કેડી ચીંધે
–રાહ બતાવે આગે,
વગડો વૈકુંઠ લાગે….

વિધવિધ-રંગી વનરાવન છે
ટહુકા પાડે ભાત,
તમરાં બોલે ભમરા ડોલે
નાચે નિત પ્રભાત,
ઊભે મારગ રાસ રચાયો
આંખો માખણ માગે,
મનજી માખણ માગે
વગડો વ્હાલો લાગે….
–ભગીરથ બ્રહ્મભટ્ટ

 

ટૅગ્સ:

જાગે જ્યારે મધુર મધુરાં સોણલા

જાગે જ્યારે મધુર મધુરાં સોણલા આંખ વચ્ચે
ગુંજે કેવો સ્મરણપટનો તોષ એકાંત વચ્ચે

ભીની વાતો ઝરમર થતી
હોય જ્યાં એકધારી
ફૂલો જેવું મઘમઘ છકી
ઊઘડે સ્વપ્ન-બારી

પંખી આખું ગગન લઇને નીકળે શ્વાસ વચ્ચે
દ્રશ્યો લઇને ભ્રમણ કરતું
આભ ક્યાં આથમે રે?
ઝોલાં ખાતું તિમિર ચળકે
સ્હેજ દીવો રે…

સંધ્યા ઊભી શરમ-ઘૂમટાં તાણતી દ્વાર વચ્ચે
મોંઘી માયા મમત સઘળી
પાથરી પંથ સામે
પ્હોંચી જાતાં પરમ પળમાં
ઓગળી હું ય ઠામે

આઠે કોઠે સમય છલકે મહેંકતા હાથ વચ્ચે
જાગે જ્યારે મધુર-મધુરાં સોણલાં આંખ વચ્ચે

-દિલીપ જોશી

 

ટૅગ્સ:

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું

દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
ને એવું કરવું નહિ કામ રે,
આપણી વસ્તુ ન જાય અવસ્થા
ને એ જવાનું લેવું નહિ નામ રે … દળી દળીને.

સેવા કરવી છેલ્લા જનમવાળાની
ને ભજનમાં જોવા સંસ્કાર રે,
જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનું
ને તો મેળવવો વાતનો એકતાર રે …. દળી દળીને.

વિષયવાળાને આ વાત ન કહેવી,
ને એથી રાખવું અલોપ રે,
દેખાદેખી એ મરને કંઠી બંધાવે,
ને શુદ્ધ રંગનો ચડે ના ઓપ રે … દળી દળીને.

ઉત્તમ જો કર્મ કરે ફળની આશાએ
ને એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે … દળી દળીને.

– ગંગા સતી

 
Leave a comment

Posted by on 25/08/2009 in ભજન

 

ટૅગ્સ:

મન વૃત્તિ જેની સદાય નીર્મળ

મન વૃત્તિ જેની સદાય નીર્મળ
પડે નહીં ભવસાગર માંહ્ય રે,
સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું
લાગે નહીં માયા કેરી છાંય રે ….

પિતૃ, ગ્રહ, દેવતા કોઈ નડે નહીં
જેનું બંધાણું વચનમાં ચિત્ત રે
આવરણ એને એકે નહીં આવે
વિપરિત નથી જેનું મન રે …. મન વૃતિ જેની

અંતર કેરી આપદા સર્વે મટી ગઈ
જેને સદગુરુ થયા મહેરબાન રે
મન કર્મ થકી જેણે વચન પાળ્યું
મેલી દીધું અંતર કેરું ભાન …. મન વૃતિ જેની

હાનિ અને લાભ એકે નહીં જેને ઉરમાં
જેને માથે સદગુરુનો હાથ રે,
ગંગા સતી જોને એમ જ બોલિયા
ટળી ગયા ત્રિવિધનાં તાપ રે …. મન વૃત્તિ જેની

– ગંગા સતી

 
Leave a comment

Posted by on 25/08/2009 in ભજન

 

ટૅગ્સ:

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવી
કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે

જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિરમાણ રે … ભક્તિ રે કરવી એણે

પારકાનાં અવગુણ કોઈના જુએ નહીં,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે … ભક્તિ રે કરવી એણે

ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ
રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ
હરિજન હરિ કેરા દાસ રે …. ભક્તિ રે કરવી એણે

– ગંગા સતી

 
Leave a comment

Posted by on 25/08/2009 in ભજન

 

ટૅગ્સ:

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,
ને રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો,
ને જેનું મન સદા વિપરીત રે … સ્થિરતાએ.

આગળ ઘણાં મહાત્મા થઈ ગયા
ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતરમાં ખેદ રે … સ્થિરતાએ

લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,
ને આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે … સ્થિરતાએ.

ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચુકવો નહિ અભ્યાસ રે,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે … સ્થિરતાએ.

– ગંગા સતી

 
Leave a comment

Posted by on 25/08/2009 in ભજન

 

ટૅગ્સ: