RSS

Category Archives: લેખ્ સંગ્રહ

નાની ઘટનાઓથી બદલાતું જીવન-બકુલ બક્ષી

નાની ઘટનાઓથી બદલાતું જીવન
આપણે જેને નાની વાતો કે સામાન્ય ઘટનાઓ ગણતા હોઇએ છીએ તે ક્યારેક જીવનમાં મોટો બદલાવ લાવી દેતી હોય છે. આ વિષય છે સુઝાના બેથ સ્ટીનેટના પુસ્તક ‘લિટલ શિફ્ટ્સ’નો. કેન્સરની સારવારના બે વર્ષ દરમિયાન ચિંતન કરી લેખિકાએ નોંધેલા વિચારો આ પુસ્તકનો પાયો છે. અમુક વિચારો જોઇએ.

જીવનમાં સામાન્ય લાગતી નાની વાતોથી ઘણીવાર મોટો બદલાવ આવી શકે છે. જેમ કે એક સામાન્ય સ્મિત ભાષા કરતા ઘણું વધારે કહી જાય છે. રોિજદા રુટિનને થોડું બદલો. દરરોજ ઓફિસ જતાં ક્યારેક નવો રસ્તો પકડો તો પણ મન તાજગી અનુભવે છે. બાળકોની રમતો કલ્પનાશક્તિ પર આધારિત છે જેને મોટાઓ ભૂલી ચૂક્યા છે. આપણે પણ જે ભવિષ્યની ઇચ્છા રાખીએ છીએ તેની કલ્પના કરતા રહીએ તો આંતરિક શક્તિને વેગ મળે છે.

વાસ્તવિકતાના ભાર નીચે સ્વપ્નો જોવાની શક્તિ ગુમાવી બેઠા છીએ જેનાથી તનાવ વધે છે. ચિંતા આપણો સ્વભાવ બની ગયો. જીવનના ઘોંઘાટમાં આપણો પોતાનો અવાજ નથી સંભળાતો. નીરવ શાંતિ- જે ધ્યાન, યોગ કે પ્રાર્થનામાં મળે છે, તે નિયમિત મેળવતા રહો તો જીવનની ગતિ બદલાઇ જશે.

આજની મૈત્રી પણ ઓન-લાઇન થઇ ગઇ છે જેમાં પ્રત્યક્ષ માનવીય સંબંધની હૂંફ નથી. આપણે માગવામાં સંકોચ કરીએ છીએ. જેની જરૂરત છે તે માગી જુઓ અને ધાર્યું ન હોય તેવી દિશામાંથી મદદ મળી રહેશે. સંબંધો જાળવી રાખશો તો જીવનના પ્રશ્નો ઉકેલવામાં સરળતા રહેશે. કસરત, વાંચન કે બીજા કોઇ શોખ દ્વારા મળતી નિયમિતતા એક માનસિક ટોનિકનું કામ કરે છે. ડાયરીમાં પોતાના વિચારો લખશો તો પણ રાહતનો અનુભવ થશે. આજના વ્યસ્ત જીવનમાં પરિવારના સદસ્યો પણ પોતાના કામમાં ખોવાઇ ગયા છે. લેખિકા એક નાનો પ્રયોગ સૂચવે છે- એક સાંજે ટીવી અને લાઇટો બંધ કરી કેન્ડલ લાઇટમાં પરિવારની નિકટતા અનુભવો. આ નાની ઘટના છે પણ એની અસર ઊંડી છે.

ક્યારેક પ્રકૃતિની નિકટતા અનુભવશો તો મન પ્રફુલ્લિત થઇ જશે. જુના ગમતા ફોટાઓનું એક ‘જોય આલ્બમ’ બનાવી ક્યારેક જોશો તો સુખદ અનુભવ થશે. સફાઇ માટે દિવસ નક્કી રાખો અને બિનજરૂરી ખરીદી પર કાપ મૂકો. નવી વસ્તુ ત્યારે જ ખરીદો જ્યારે એની જાળવણીની જવાબદારી સ્વીકારી શકો. ઘોંઘાટ અને ભેગી કરેલી નકામી વસ્તુઓ જીવનમાં અરાજકતા લાવે છે. કલ્પનાની ઊર્જા શક્તિ સમજીને લીધેલા નાના પગલાંમાં વિરાટ પગલાનો અંશ રહેલો છે જે જીવનની ગતિને બદલી શકે છે.

બકુલ બક્ષી, નવી નજરે

 
Leave a comment

Posted by on 01/09/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ:

પ્રકાશમય જીવન -બકુલ બક્ષી

દંતકથા જેવી ભાષા, ટૂંકી પણ ચોટદાર રજુઆત પોલો કોએલોની શૈલીની ખાસિયત છે. ‘મેન્યુઅલ ઓફ ધ વોરિયર ઓફ લાઇટ’ એક એવા કાલ્પનિક યોદ્ધાની કથા છે જે પોતાનું સ્વપ્ન સાકાર કરવા અને સફળતા મેળવવા સતત પ્રયત્નશીલ રહે છે. તેનો અભિગમ જાણીએ.

જીવનમાં ચમત્કાર શક્ય છે, માટે પોતાના સ્વપ્નને વળગી રહો. દરેક દુશ્મન કંઇક શીખવી જાય છે. હંગામી ધોરણે પીછેહઠ કરવામાં સંકોચ ન રાખો. બહુ લાંબા યુદ્ધ બાદ મળેલો વિજય પણ પરાજય જેવો હોય છે. અનુભવથી મોટો કોઇ શિક્ષક નથી હોતો. આપણને શિક્ષણ આપવા અમુક પ્રકારની ઘટનાઓ જીવનમાં વારંવાર ઘટતી હોય છે. બીજાઓના અભિપ્રાયની ચિંતા છોડી પોતાનો માર્ગ પોતે જ નક્કી કરો. આપણી નબળાઇ અને શક્તિનું જ્ઞાન બીજા કરતાં આપણને વધારે છે માટે દરેક નિર્ણય પોતાના મનથી લો. માર્ગ ગમે તેટલો મુશ્કેલ હોય, વિશ્વાસ રાખશો તો સફળતા જરૂર મળશે. નિર્ણય લેવાનું ક્યારેય ટાળો નહીં.

નદી જેવી રીતે પોતાનો માર્ગ કરી સમુદ્ર (ધ્યેય)માં ભળી જાય છે તેવી જ રીતે આ યોદ્ધો અવરોધોથી અટક્યા વિના પાણીની જેમ આગળ વધે છે. પૂર્ણરૂપે આરામ એના માટે શક્ય નથી. કારણ કે એ નિષ્ક્રિય નથી થઇ શકતો. ખોટા આત્મવિશ્વાસથી દુશ્મનની તાકાતને નજર અંદાજ કરનાર મુશ્કેલીમાં મુકાઇ જાય છે. ખરા સમયની રાહ જુઓ અને ઉતાવળે પગલાં ક્યારેય ન ભરો. કોઇના પ્રત્યે દ્વેષ રાખવા કરતાં પોતાના કામ પર ધ્યાન આપો. પોતાના મનની ઇચ્છા પ્રમાણે વર્તવું જરૂરી છે પણ જડતા પ્રગતિમાં અવરોધ બને છે. સમય અન સ્થિતિ પ્રમાણે પોતાના વિચારોમાં બદલાવ લાવવાની હિંમત રાખો.

ભયનાં બે પરિણામ જોવા મળે છે: હિંસા અથવા ગુલામી. સફળ થવા નિર્ભયતા જરૂરી છે. હંમેશાં સુધરવાની કોશિશ કરતા રહો. યોદ્ધો ખોટી ધમકી માટે નહીં પરંતુ વાર કરવા માટે જ તલવારને મ્યાનમાંથી બહાર કાઢે છે. યુદ્ધ ન ટાળી શકાય તો જ એ લડે છે અને લડતા પહેલાં એને બીજાની મંજૂરીની જરૂર નથી પડતી. એ તેવા સાથે જ લડે છે જે લડવા લાયક છે. એ પોતાની રણભૂમિ જાતે નક્કી કરે છે. જો પરાજય મળે તો વિજયનો દંભ નથી કરતો. એનામાં બાળકની સહજતા છે માટે બદલાની ભાવના નથી.

જીવનમાં હંમેશાં બીજી તક મળતી હોય છે માટે એક તક વેડફાઇ જાય તો હતાશ થવાની જરૂર નથી. ઘણાં એવા લોકો હોય છે જે દરેક બાબતમાં પોતે જાણકાર હોય તે રીતે વર્તતા હોય છે તથા સલાહો આપતા રહે છે. આવા લોકોથી અંતર રાખવું જરૂરી છે. કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે શબ્દોની શક્તિ સમજવી જરૂરી છે. તમે કેવી ભાષાનો પ્રયોગ કરો છો તે અત્યંત મહત્વનું છે. ધ્યેય પ્રાપ્તિ માટે જે માર્ગ અપનાવવામાં આવે છે તેનું મહત્વ ધ્યેય કરતાં પણ વધારે છે.
-બકુલ બક્ષી

 
Leave a comment

Posted by on 30/07/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ:

મોરારિબાપુ: સત્પુરુષનાં લક્ષણો

મોરારિબાપુ: સત્પુરુષનાં લક્ષણો 05.01.11
પિતાની સંપત્તિને ભાઇઓમાં સરખા ભાગે વહેંચનાર માણસ સત્પુરુષ છે. જ્યાં ભાઇઓના ભાગની ચિંતા પોતાના ભાગ કરતાં વધુ થાય ત્યાં રામાયણ થાય અને જ્યાં ભાઇઓને સોયની અણી જેટલી પણ જમીન આપવાની તૈયારી ન હોય ત્યાં મહાભારત થાય છે.

સંસારમાં સત્પુરુષ કોને કહેવાય? અથવા સત્પુરુષનાં લક્ષણો કેવાં હોવાં જોઇએ? આ સવાલ જુદી જુદી રીતે વારંવાર પુછાતો આવ્યો છે. એના જવાબમાં એટલું કહીશ કે જે વ્યક્તિમાં પાંચ લક્ષણો જોવા મળે તે સત્પુરુષ છે. આ પાંચ લક્ષણો માટે વિદ્વાનો દ્વારા સ્વીકારવામાં આવેલું વિધાન છે: પાત્રે ત્યાગી, ગુણે રાગી, સમવિભાગીય બંધૂસુ, શાસ્ત્રે બુદ્ધા, રણે યોદ્ધા, સત્પુરુષ વૈપુષ્યતે.

૧-પાત્રે ત્યાગી : જ્યાં એમ લાગે કે આ સુપાત્ર છે ત્યાં ત્યાગ કરવામાં એક ક્ષણનો પણ વિલંબ ન કરે તે પાત્રે ત્યાગી છે. અહીં સત્પુરુષની ત્યાગભાવના સામેના માણસની પાત્રતા જોઇને પ્રગટે છે. જેમ સિંહણનું દૂધ માત્ર સોનાના પાત્રમાં જ ઝીલી શકાય તે રીતે કોઇ વ્યક્તિની પાત્રતા કંચનના કટોરા જેવી કીમતી હોય તો સત્પુરુષ સિંહણના દૂધ જેવો કીમતી બોધ આપી શકે છે, પરંતુ જો પાત્રતા ન હોય અને ત્યાગ કરે અથવા તો કુપાત્રને દાન કરે તે સત્પુરુષનું લક્ષણ નથી અને એવી જ રીતે સામે પાત્રતા જોવા મળે છતાં જેના હૃદયમાં ત્યાગ પ્રગટે નહીં તે પણ સત્પુરુષ નથી.

કોઇ આદમી બેઇમાન હોય અને ભૂખ્યો હોય તો ભૂખ્યા હોવું એ રોટી મેળવવાની પાત્રતા છે, અને તેથી ભૂખ્યા માણસનું ચરિત્ર કેવું છે એની ભાંજગડમાં પડ્યા વગર એને રોટી આપી દેવી એ સજ્જનનો ધર્મ છે. જ્યાં અન્નક્ષેત્રો ચાલે છે ત્યાં જમવા આવનાર માણસ પાસે પ્રામાણિકતાનું પ્રમાણપત્ર માગવામાં આવતું નથી કારણ કે ત્યાં આવનાર માણસ ભૂખ્યો હોય તે એક જ લાયકાત પૂરતી હોય છે.

૨-ગુણે રાગી : જ્યાં સદ્ગુણ જોવા મળે ત્યાં ગુણના રાગી બની જવું અથવા તો જ્યાંથી શુભતત્વ મળે તે ગ્રહણ કરી લેવું તે ગુણે રાગીનું લક્ષણ છે. એક સાધુને પૂછવામાં આવ્યું કે એક વરસમાં કેટલી રાત્રિઓ હોય છે? સામેથી જવાબ મળ્યો કે દસ રાત્રિઓ હોય છે. પ્રશ્ન પૂછનારે આશ્ચર્યથી બીજો સવાલ કર્યો કે વરસમાં કુલ ત્રણસો પાંસઠ રાત્રિઓ હોય છે અને આપ દસ રાત્રિ કેમ કહો છો? ત્યારે ગુણે રાગી સ્વભાવનો સાધુ બોલ્યો કે નોરતાંની નવ રાત્રિ અને દસમી શિવરાત્રિ એમ દસ રાત્રિઓ માણસને સાચા અર્થમાં જાગવા માટેની રાત્રિઓ છે. બાકીની રાત્રિઓ તો ઊંઘવા માટે છે એટલે મેં જાગરણની રાત્રિઓ જ ગણતરીમાં લીધી છે. આ માણસે ગુણ અથવા સાર ગ્રહણ કરી લીધો કહેવાય.

માણસ ઘણીવાર આંબાવાડીમાં જઇને આ આંબો કોણે વાવ્યો, ક્યારે વાવ્યો, એના ઉપર કેવાં ફળ આવે એવી ચર્ચામાં સમય વિતાવે છે. એના કરતાં એકાદ પાકી કેરી ખાઇ લેવી એમાં શાણપણ છે અને એ ગુણે રાગીનું લક્ષણ છે. કોઇ માણસના લાખ અવગુણમાંથી એક સદ્ગુણ શોધીને એ સદ્ગુણને વધાવી શકે તે સત્પુરુષ છે.

૩-સમવિભાગીય બંધૂસુ : પિતાની સંપત્તિ અને પોતાની સંપત્તિને ભાઇઓમાં સરખા ભાગે વહેંચનાર માણસ સત્પુરુષ છે. રામાયણમાં રાજગાદી દડાની માફક ઊછળે છે. રામ રાજગાદી ભરતને આપીને નીકળી જાય છે અને ભરત એ ગાદી રામને પરત આપવા માટે કરગરે છે. જ્યાં ભાઇઓના ભાગની ચિંતા પોતાના ભાગ કરતાં વધુ થાય ત્યાં રામાયણ થાય અને જ્યાં ભાઇઓને સોયની અણી જેટલી પણ જમીન આપવાની તૈયારી ન હોય ત્યાં મહાભારત થાય છે.

અંગ્રેજીમાં બે શબ્દ છે, SUN અને SIN બંને શબ્દો ઘણા મળતા આવે છે. માત્ર U અને I નો તફાવત છે. SUNનો અર્થ સૂર્ય અથવા પ્રકાશ કરી શકાય અને SINનો અર્થ પાપ અથવા અંધકાર કરી શકાય. જેણે U એટલે કે તમેનો વિચાર કર્યો છે એના જીવનમાં અજવાળું થયું છે અને જેણે I એટલે પોતાનો જ વિચાર કર્યો છે એના જીવનમાં અંધારું થયું છે માટે પોતાની શક્તિ, સમજણ અને સંપત્તિનો પોતાના ભાઇઓના કલ્યાણ માટે સમભાવથી સદુપયોગ કરે છે તે સત્પુરુષ છે.

૪-શાસ્ત્રે બુદ્ધા : જે માણસને શાસ્ત્રોને વાંચતાં, ગાતાં કે સાંભળતાં એમ કોઇપણ રીતે શાસ્ત્રના સંગથી બોધ પ્રાપ્ત થઇ જાય તે વ્યક્તિ શાસ્ત્ર બુદ્ધા છે. અખાના એક પ્રચલિત છપ્પામાં લખ્યું છે કે કથા સૂણી સૂણી ફૂટયા કાન, તોય ન આવ્યું અખા બ્રહ્નજ્ઞાન. શાસ્ત્રો સાંભળી સાંભળીને કાન ફૂટી જાય છતાં જ્ઞાન ન મળે તે શાસ્ત્રે બુદ્ધા નથી. આ છપ્પાનો કવિ માધવ રામાનુજ સુંદર અર્થ કરે છે કે માણસ પાસે કાન હતા જ નહીં પણ એણે કથા સાંભળી એટલે કૂંપણ ફૂટે એમ કાન ફૂટી નીકળ્યા. આમ કોઇપણ શાસ્ત્રનું વાંચન, ગાયન કે શ્રવણ કરવાથી જે માણસમાં જ્ઞાનાંકુર ફૂટી નીકળે તે શાસ્ત્ર બુદ્ધા છે.

૫-રણે યોદ્ધા : સત્પુરુષ ક્યારેય નામર્દ ન હોય. જ્યારે યુદ્ધ કરવાનું આવે ત્યારે એક જવામર્દ યોદ્ધાની માફક લડી શકે તે સત્પુરુષનું પાંચમું લક્ષણ છે. અહીં સવાલ થાય કે સત્પુરુષ લડાઇ કરે ખરો? અને યુદ્ધ કરે તો હત્યા પણ કરવી પડે તો જે હત્યારો હોય એને સત્પુરુષ કહેવાય ખરો? તો આ સવાલનો જવાબ ‘હા’ છે. કારણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને માત્ર હત્યા કરી એવું નથી પણ પોતાના પિતરાઇ અને સગાંવહાલાંની હત્યાઓ કરી હતી છતાં અર્જુન સત્પુરુષ હતો. સત્પુરુષની સીધી વ્યાખ્યા એવી છે કે જે સત્યના માર્ગે ચાલે તે સત્પુરુષ, અર્જુન માટે યુદ્ધ અને હત્યા સત્યના માર્ગ હતા.

જોકે અહીં એવા યુદ્ધની વાત છે જે વિશ્વનો દરેક માણસ લડે છે અને તે સમય અને સંજોગો સામેનું યુદ્ધ છે અને સમાજના પ્રતિકૂળ સંજોગો અને ખરાબ સમયમાં હિંમત હારી જાય તે સત્પુરુષ નથી પણ એક કુશળ યોદ્ધાની માફક મુશ્કેલીઓને મારીને ભગાડે તે રણે યોદ્ધો છે અને તે સત્પુરુષનું પાંચમું લક્ષણ છે.

ઉપરનાં પાંચ લક્ષણોથી સત્પુરુષને ન સમજી શકો તો માત્ર ત્રણ લક્ષણો આપું છું. ૧. લાયન હાર્ટ ૨. ઇગલ આઇઝ ૩. લેડીઝ ફિંગર.લાયન હાર્ટ એટલે જેનું હૃદય સિંહ જેવું હોય. અહીં સિંહની ઉપમા એટલા માટે નથી આપી કે એ નીડર છે, શક્તિશાળી છે, પરંતુ સિંહ ઉદાર પણ છે. સિંહ જ્યારે શિકાર કરે છે ત્યારે ક્યારેય એકલો ખાતો નથી. પોતાના પરિવારને આપે જ છે પણ સાથે સાથે જંગલનાં અન્ય પશુ-પક્ષીઓને પણ આપે છે. માણસ નીડર હોય, બળવાન હોય પણ ઉદાર ન હોય તો એના હૃદયને લાયન હાર્ટ કહેવાય નહીં પરંતુ જે પરિવારનું તો પોષણ કરે છે પણ પોતાની આસપાસ રહેતાં અન્ય નાનાં માણસોની પણ ચિંતા કરે છે તે સિંહ જેવા હૃદયનો માણસ છે.

ઇગલ આઇઝ એટલે જેની આંખો ગરુડ જેવી હોય. અહીં ગરુડની ઉપમા એટલે આપી છે કારણ ગરુડની દ્રષ્ટિ આકાશ તરફ હોય છે અને એની ઉડાન ખૂબ ઊંચાઇ તરફ હોય છે. જે માણસની દ્રષ્ટિ હંમેશાં ઉચ્ચકક્ષાની હોય, જે કાયમ ઊંચી નજર રાખે અને એવું કંઇ જ ન કરે જેનાથી એને નીચી નજર કરવી પડે તે ગરુડનયન કહી શકાય. ગરુડની ઉચ્ચ દ્રષ્ટિ છે. સૂક્ષ્મ દ્રષ્ટિ છે અને વિશાળ દ્રષ્ટિ પણ છે. આથી જેની આંખો ગરુડ જેવી હોય તે સત્પુરુષ છે.

લેડીઝ ફિંગર એટલે જેની આંગળીઓ સ્ત્રી જેવી હોય. અહીં સ્ત્રીની ઉપમા એટલે આપી છે કારણ પોતાના બાળકના પગમાં વાગેલો કાંટો માતા એવી રીતે કાઢે છે જેથી બાળકને પીડા પણ ન થાય અને કાંટો નીકળી જાય, કારણ કે માતા કઠોર નથી પણ કોમળ છે. જે વ્યક્તિનો હાથ માતા જેવો કોમળ હશે તે તમને ખબર પણ ન પડે એ રીતે સંકટને દૂર કરી શકશે. એક આદર્શ દાકતરમાં પણ આ ત્રણ લક્ષણો જોવા મળશે, જે સત્પુરુષનાં લક્ષણો છે.

 
Leave a comment

Posted by on 21/07/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ:

શ્રમ અને પુરુષાર્થ વિના સિદ્ધિ હાંસલ થઈ શકતી નથી-વત્સલ વસાણી

શ્રમ અને પુરુષાર્થ વિના સિદ્ધિ હાંસલ થઈ શકતી નથી – વત્સલ વસાણી
V.VASANI-G.S. 18-7-10

જગતમાં જે કોઈ પણ આગળ આવ્યા છે, નામના અને પ્રતિષ્ઠાને પામ્યા છે, કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે, એમણે શ્રમ અને પુરૂષાર્થ તો કરવો જ પડ્યો છે
સંસારમાં ક્યાંય પણ પહોંચવું હોય તો ચાલવું પડે છે. તમે ચાલો કે વાહનમાં બેસીને દોડો પણ ગતિ અનિવાર્ય છે. મંજિલ સુધી પહોંચવા માટે શ્રમ અને પુરૂષાર્થ કરવો જરૂરી છે. બેઠા-બેઠા, આળસુ અને એદી થઈને તમે ક્યાંય પહોંચી શકતા નથી. કશુંય મેળવી શકતા નથી. મેળવવા માટે હાથ લંબાવવો પડે છે. શારીરિક કે માનસિક, કોઈ પણ પ્રકારનો શ્રમ કર્યા વિના જીવનમાં કશુંય મેળવી શકાતું નથી. તમારે શું જોઈએ છે, ક્યાં જવું છે કે શું મેળવવું છે તે પ્રમાણે શ્રમ કરવો પડે છે. સ્થૂળ કશુંક મેળવવું હોય, ધન કે કોઈ ચીજવસ્તુ મેળવવાની ઈચ્છા હોય તો એમાં કોઈ ને કોઈ પ્રકારનો શારીરિક શ્રમ અનિવાર્ય બની જાય છે. પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન મેળવવું હોય તો શ્રમ થોડો સૂક્ષ્મ અને માનસિક સ્તરથી કરવો પડે છે.

જગતમાં જે કોઈ પણ આગળ આવ્યા છે, નામના અને પ્રતિષ્ઠા પામ્યા છે, કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે તો એ માટે એમણે શ્રમ અને પુરૂષાર્થ તો કરવો જ પડ્યો છે. ક્ષેત્ર સાહિત્યનું હોય કે સંગીતનું, કલા કે વિજ્ઞાનનું પણ શ્રમ કર્યા વિના ક્યાંય પહોંચાતું નથી. પ્રારબ્ધ પર આધાર રાખીને બેસી રહેનારા જીવનમાં ક્યાંય પહોંચી શકતા નથી. એદી અને કાહિલ લોકો જ ભાગ્યના ભરોસે જીવવામાં માને છે. અહંકાર અને પુરૂષાર્થ બન્ને અલગ છે. પુરૂષાર્થી લોકો અહંકારી પણ હોય એવું અનિવાર્ય નથી. માણસ વિનમ્ર રહીને પણ પુરૂષાર્થ કરી શકે છે અને એનું પરિણામ પણ પામી શકે છે. શારીરિક કે માનસિક પુરૂષાર્થના કારણે વ્યક્તિ નિશ્ચિત મંજિલ પર પહોંચી જાય કે સિદ્ધિના શિખરો સર કરવા લાગે તો મનમાં અહંકાર વધવાની શક્યતા છે. આવી સિદ્ધિ જીવનમાં સુખ કે આનંદ વધારવાને બદલે કલેશ કે વિષાદને પણ નોતરી શકે છે.

જીવનમાં ક્યાંય પણ પહોંચવું હોય, કશુંક ધારેલું પાર પાડવું હોય તો સૌથી પહેલાં એ દિશામાં ચાલવા માટેનો સંકલ્પ કરવો પડે છે. ડગુમગુ મનથી આગળ વધવું અશક્ય છે. નિર્ણય તો લેવો જ પડે. નિર્ણય કર્યા પછી એ દિશામાં વ્યવસ્થિત પુરૂષાર્થ, એકધારો શ્રમ અને વિવેકપૂર્વકની ગતિ જરૂરી છે. સંકલ્પ હોય અને એનું સાતત્ય ન હોય તો પણ ક્યાંય પહોંચાતું નથી. રોજ નવા તુક્કા જાગે અને એક પરથી બીજા પર કૂદતા રહેવાનું ચાલુ રહે તો નિશ્ચિત ઘ્યેય સુધી પહોંચવું અશક્ય છે. નિર્ણયો ભલે નાના હોય પણ એને વળગી રહીને પૂરા કરવાથી જ સંકલ્પબળ વધે છે. અને જેનામાં નિશ્ચય નથી, સંકલ્પનું સાતત્ય નથી તે સપના તો જોઈ શકે છે પણ એને સાકાર કરવાનું સદ્ભાગ્ય છેલ્લા શ્વાસ સુધી પણ એમને મળતું નથી. આવા માણસો નિસાસા નાખીને મરે છે.

તમે સામાન્ય માનવી હો કે અઘ્યાત્મ માર્ગના કોઈ સાધક, યાત્રાની શરૂઆત તો સંકલ્પથી જ કરવી પડશે. સંકલ્પ વિના અઘ્યાત્મની દિશામાં આગળ વધવું અશ્કય છે. મન તમને વારંવાર રોકશે. અટકી જવા માટે અનેક કારણો અને બહાના બતાવશે. બીજા અનેક અનિવાર્ય કામનું લિસ્ટ લઈને ઉભું રહેશે. કેમ કે તમે જો એ દિશામાં આગળ વધો તો એનું વર્ચસ્વ ઓછું થશે. તમે મનના ગુલામ નહીં પણ માલિક બનવાની દિશામાં આગળ વધી રહ્યા છો એટલે મન મરણિયો પ્રયાસ કરીને પણ તમને રોકવાની હરએક કોશિશ કરશે.

હા, એ વાત સાચી છે કે ધર્મ અને અઘ્યાત્મનું ચરમ શિખર તો સમર્પણ છે. તમારો શ્રમ કે પુરૂષાર્થ તમારી સીમાથી આગળ જઈ શકતો નથી. અને આ તો અસીમનો પ્રદેશ છે. શ્રમ કરી કરીને થાકો તો જ વિશ્રામનો સાચો સ્વાદ શક્ય છે. જે લોકો – ‘શ્રમથી આ ક્ષેત્રમાં કશું જ મળતું નથી.’ એમ માનીને બેસી રહે છે, આળસુ, એદી અને કાહિલ છે તે તો આ ક્ષેત્રમાં પહેલું પગલું પણ માંડી શકતા નથી. મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા આ બન્નેનું મિલન થાય તો જ ધર્મ અને અઘ્યાત્મના માર્ગ પર આગળ વધી શકાય છે. ઘ્યાન છે તો પરમ વિશ્રામ પણ આળસુ બનીને બેસી રહે એને ઘ્યાનનો સ્વાદ મળતો નથી. એટલી ઉંચી સમજ તો ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં હોય જે શ્રમ કર્યા વિના પરમ વિશ્રામને પામી શકે.

સંકલ્પના રસ્તે ચાલ્યા વિના સીધા જ સમર્પણની યાત્રા પર નીકળી શકે. સંસારમાં ક્યાંય પહોંચવું હોય તો યાત્રા કરવી પડે છે પણ અઘ્યાત્મના ક્ષેત્રમાં બહિર્યાત્રા બંધ કરીને જ્યાં છો ત્યાં જ શાંત-સ્થિર બેસી રહેવું પડે છે. શ્રમ અને પુરુષાર્થ જ્યાં હારી જાય છે, થાકીને લોથ થઈ પડી જાય છે, ત્યાંથી જ આ ઘ્યાત્મની યાત્રા શરૂ થાય છે. પણ શ્રમ અને પુરૂષાર્થની ચરમસીમા પછી જ આ યાત્રા શક્ય છે, એ પહેલાં નહીં. પહેલાં તો દુનિયાનું બઘુ જ પામી લેવું પડે છે. બહાર ક્યાંય સુખ છે કે નહીં, એ શોધી લીધા પછી, સ્વાનુભવથી જ નિર્ણય પર આવવું પડે છે. અને અઘ્યાત્મના ચરમ શિખર પર પહોંચ્યા પછી છોડવાનું કશું નથી. માત્ર સમજવાનું છે. અંદર અને બહારના ભેદ, પદાર્થ અને પરમાત્માના ભેદ, શરીર અને ચેતનાના ભેદ, ધન અને ઘ્યાનના ભેદ – તમામ દ્વન્દ્વ જ્યારે મટી જાય છે ત્યારે જ ધર્મ અને અઘ્યાત્મના ચરમ શિખર પર વિરાજિત થવાનું સૌભાગ્ય મળે છે.

 
Leave a comment

Posted by on 17/07/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ:

વાત આપણી છતાંય કોઈની નહીં. -અંકિત ત્રિવેદી

વાત આપણી છતાંય કોઈની નહીં…Ankit 09.02.11
આપણને યાદ હોય એવી દસ કહેવતો તમે તમારા મનમાં જ વિચારી જોજો! બહુ બહુ તો ચાર કહેવતો યાદ આવશે એ પણ યાદ કરતાં મનને પરસેવો વળી જશે. આપણા ઘરમાં બોલાતી પહેલાની ભાષા ગઈ ક્યાં?
ભાષા લપટી પડી ગઈ છે. શબ્દોમાં રહેલા અર્થો એનો મિજાજ ગુમાવી રહ્યાં છે. બઘ્ધા જ જાણે એકબીજા સાથે વહેવાર સાચવવા બોલતાં હોય એવું લાગે છે. શબ્દોમાં રહેલું શાંતિપણું ખોવાઈ ગયું છે. આ વાત માત્ર ગુજરાતીની નથી. દરેક ભાષાની છે. બઘ્ધા જ બોલે છે પણ કોઈને સાંભળવું નથી. કાનને જાણે ચશ્મા ભરાવવા પૂરતાં જ ઉપયોગમાં લેવાય છે. ફાસ્ટફૂડ વિચારો પાનાના પાનાઓ ભરી ભરીને ઠલવાય છે. પુસ્તકોની વસ્તીમાં વધારો દેખાય છે પણ આપણા ઓશિકા પાસે રાખી શકાય એવા પુસ્તકો કેટલાં?
ક્યાંક શબ્દોનું પોત ઘવાયું છે. આપણે જ જાણે અજાણે વાંકમાં નીકળીએ છીએ. આપણને યાદ હોય એવી દસ કહેવતો તમે તમારા મનમાં જ વિચારી જોજો! બહુ બહુ તો ચાર કહેવતો યાદ આવશે એ પણ યાદ કરતાં મનને પરસેવો વળી જશે. આપણા ઘરમાં બોલાતી પહેલાની ભાષા ગઈ ક્યાં? કોમ્પ્યુટરનાં અપડેટ માર્કેટમાં પણ એ ભાષા ખપમાં લાગે જ છે. જી.સ્.જી.ની ભાષાએ શબ્દકોશની ઠેકડી ઊડાડી છે. પણ એ ભાષા ક્યારેક મીઠ્ઠી લાગે છે. સ્ક્રીન ઉપર ઊડીને આવતો મેસેજ નવી જ ભાષાને ઉન્નત કરનારો આંગડિયો સાબિત થાય છે છતાં પણ પેલી ભાષા જે શબ્દકોશનાં પાયામાં છે તેનું શું? પ્રત્યેક દૂધભાષાને પોતાનું વળગણ હોય છે. દૂધભાષા પાસેની ‘હાશ’ અનુભવીને જીવવાની હોય છે. આપણે રોજ પાનાનાં પાનાઓ ભરાઈ જાય એટલી પસ્તી વાંચીએ છીએ. સાચી માહિતી આગવી ભાષા છટાથી રજૂ થાય તેની મઝા કંઈક ઓર છે. રોજ એકાદ પાનું આપણી ભાષાનું વાંચવાની ટેવ ખાસ કંઈ ફેર નથી પાડતી પરંતુ પ્રત્યેક પળને નવો ઓપ આપે છે. સારો વાચક અનુભવનો એમ્બેેેસેડર હોય છે. એની દાદ ઝીણું ઝીણું કાંતતી હોય છે.
આપણી ભાષા પાસે બઘ્ઘું જ વાંચી લીધાનો ડોળ કરનારા પણ ઘણા છે. અને કશું જ નહીં વાંચ્યાનો હરખ કરનારા પણ ઘણા છે. સંખ્યા ઓછીવત્તી રહેવાની પણ ભાષાનું પોત જે પૂર્વસૂરિઓએ આપણને માંજીને આપ્યું છે તે ક્યાંક બોડું પડી ગયું છે. ચોકઠામાં શબ્દો પૂરવાની રમત જેટલો ય વ્યવહાર નથી રહ્યો. બઘું જ કોમ્યુનિકેટ થાય છે ને! એટલા સંતોષથી જીવવાનું દરેકને માફક આવી ગયું છે.
બાળપણમાં ભાઈબંધો જોડે રમતાં રમતાં જે કવિતાઓ-વાર્તાઓ એકબીજાને સંભળાવતા હતા તે ક્યાં ગઈ! એ જ આજે આપણા લોહીના રંગને વઘુ લાલ અને ઘેરો બનાવે છે. નાનપણની એ રમતોનો વારસો આપણી પછીની પેઢીને ઉછેરવાની વસિયતમાંથી જાણે-અજાણે બાદ થઈ ગયો છે. ભાષાનો શબ્દ બાળકનાં મોંઢામાંથી નીકળે છે ત્યારે એનો અવાજ વઘુ મીઠ્ઠો લાગે છે. બાળકની કાલીઘેલી ભાષા શબ્દના અર્થને લાડકો બનાવીને રજૂ કરે છે.
આજે ખોવાઈ છે એ ભાષા બઘ્ધા જ બોલે છે પણ શબ્દની અસર ઓછી થઈ ગઈ છે. વાતનું વતેસર થાય છે પણ વ્હાલનું વાવેતર નથી થતું… ભાષા બોલતી હોય છે… સાંભળતી હોય છે… ભાષાના કાનમાં લાગણીનું મોરપિંછ ફેરવતા શબ્દસ્વામીઓ આફરીન હોય છે, પોતે નીપજાવેલા અર્થ પર… ભાષા સદીઓને જીવાડે છે ક્ષણનાં ભરોસા પર… એકાદ સાચો શબ્દ આખા સમાજને તારે છે… ભાષાનું મોત, શબ્દોમાંનો અર્થ પોતાનો મિજાજ ગુમાવે એ પહેલાં એને આપણી હથેળીઓમાં કંડારવાની, આપણી આંખોમાં આંજવાની આપણા હોઠો પરથી સઃસ્મિત બોલવાની જવાબદારી આપણી છે. પાનાઓ ભરીભરીને વાંચનારા આપણે પ્રત્યેક શબ્દ પાસે થોડુંક અટકીને એના અર્થને મમળાવીએ તો કેવું? શબ્દ સામેથી બોલાવતો હોય છે… શબ્દબ્રહ્મનો મહિમા એટલે જ તો ઋષિઓએ ગાયો છે… આપણા મંત્રો આપણી સાચી નિસ્બત છે… શબ્દ આપણી સાચી સોબત છે…
ઓનબીટ
‘‘લજામણીનો છોડ છે, અમથુંય લાજશે
ઊઘડે ફરી ના કોઈ’દી એવું નિકટ ન જા!
અડક્યા નથી ને તોય પુરાવો મળી રહ્યો,
આ રોમે રોમ સ્પર્શતી ફરકી રહી ધજા
થંભી ગયો ‘હર્ષદ’ અહીં વરસાદ ક્યારનો-
આ તો અમસ્તા ઘેનમાં ટપક્યા કરે છજા -’’
– હર્ષદ ત્રિવેદી

 
1 ટીકા

Posted by on 07/07/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ:

સુખ- દુઃખનો આધાર વ્યક્તિની અંદરની સ્થિતિ પર છે

સુખ- દુઃખનો આધાર વ્યક્તિની અંદરની સ્થિતિ પર છે
અંદરથી માણસ શાંત અને સુખી હોય તો એ જ્યાં ક્યાંય પણ જાય,
જે કોઈ પરિસ્થિતિમાં હોય ત્યાં સુખી અને શાંત જ હશે
વ્યક્તિની આજુબાજુ જેમ એને બેહોશીમાં ધકેલનારા, મૂર્ચ્છિત રીતે જીવવા માટે પ્રેરનારા અને અંગત સ્વાર્થ માટે નઠોર થઈને આગળ વધવા ઉશ્કેરનારા બનાવો બને છે તેમ રોજેરોજ એવા પણ અનેક બનાવો બને છે જે એને ઢંઢોળે, હોશમાં આવવા પ્રેરે અને સમજપૂર્વક જીવવા માટે જરૂરી સ્થિતિનું સર્જન કરે. જગત તો એનું એ જ છે. આના આ જ જગતમાં કેટલાક લોકો નાચીને જીવ્યા છે.

અસ્તિત્વ તરફથી જે કંઈ પણ મળ્યું એનો ઉત્સવ મનાવ્યો છે. તમામ પ્રકારની સુવિધા હોય, પૂરતું ધન હોય, ભર્યોપૂર્યો પરિવાર હોય તો પણ કેટલાક લોકો દુઃખી થઈને મર્યા છે. તો કેટલાક એવા પણ છે જેમની પાસે જરૂર પૂરતું પણ ધન ન હતું, ખાસ કોઈ સુવિધા પણ ન હતી, ચારે બાજુથી કોઈ ને કોઈ પ્રકારની તકલીફ કે- અસુવિધા ઊભી કરવામાં આવી હોય તો પણ એ આનંદ અને મસ્તીથી જીવ્યા છે. એમના આંતરિક સુખમાં ક્યાંય કોઈ ખામી કે કમી ઊભી થઈ નથી.

કબીર, ગોરા કુંભાર કે રૈદાસ પાસે સુખી થવા માટેના ભૌતિક સાધનો તો હતા જ નહીં. પરિવારનું ગુજરાન પણ માંડ માંડ કરી શકતા. કબીરે જિંદગીભર ચાદર વણવાનું કામ કર્યું. રૈદાસ જૂતા સીવતા રહ્યા, ગોરા કુંભાર માટી ખુંદીને વાસણ બનાવતા રહ્યા. પણ એમના સુખનો આધાર ક્યાંય બહાર ન હતો. સુખી થવા માટે પુષ્કળ ધન, આલિશાન બંગલા, લેટેસ્ટ કાર, કે ભૌતિક સુવિધા જ જરૂરી છે એવું નથી. એ હોય તો ઉત્તમ છે. સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે પણ વ્યક્તિના આનંદનો આધાર આવી બાહ્ય બાબતો પર ન હોવો જોઈએ.

એને કોઈ ધારે તો પણ કંપિત ન કરી શકે એટલી ઉંડી એની આંતરિક સ્થિરતા હોવી જોઈએ. જે સમજે છે એ તો કહે જ છે કે, સુખ કોઈ ચીજવસ્તુમાં નથી. બહારની પરિસ્થિતિમાં તો માત્ર બહાનું છે. અંદરથી માણસ શાંત અને સુખી હોય તો એ જ્યાં ક્યાંય પણ જાય, જે કોઈ પરિસ્થિતિમાં હોય ત્યાં શાંત અને સુખી જ હશે. અને જો કોઈ વ્યક્તિ અંદરથી અશાંત, ઉદ્વિગ્ન અને દુઃખી હશે તો એને એરકંડિશન્ડમાં પણ શાંતિ નહીં મળે. સરસ મજાની પથારીમાં પણ ઉંઘ નહી આવે, રાતભર પડખા ઘસવા પડશે અને ભૌતિક તમામ સાધન સુવિધાની વચ્ચે પણ એનું મન અશાંત અને હૃદય ઉદ્વિગ્ન હશે.

એક જ સ્થિતિ, જે એક વ્યકતિને સુખ આપી શકે તે બીજા માટે દુખદ પણ બની શકે. એક જ ઘટના જે એક વ્યક્તિને જરા પણ વિચલીત ન કરે તે બીજી વ્યક્તિને હચમચાવી નાખે કે દુઃખી દુઃખી કરી શકે. બધો આધાર વ્યક્તિની અંદરની સ્થિતિ પર છે. કોઈ એક વ્યક્તિને વરસાદની મોસમમાં મઝા આવે. ટપ ટપ ટપકતા પાણીમાંથી અલૌકિક સંગીતનો આનંદ મળે… તો એ જ મોસમ કોઈના માટે ત્રાસજનક, અણગમો પેદા કરનારી અને કંટાળાજનક હોય છે. કોઈને વરસાદમાં ભીંજાવું ગમે તો કોઈ થોડા એવા છાંટા પડી જાય ને કપડાં ભીંજાય તો દિવસભર એનો અફસોસ કરે ! દરેક ઋતુ, દરેક પરિસ્થિતિ એકને આનંદ આપનારી બની શકે તો બીજા માટે એ સજારૂપ પણ બની શકે. શિયાળામાં શરીર ઢબૂરીને સૂવાની કેટલી મઝા આવે ! ઠંડીમાં હૂંફ મેળવવા જે કોઈ પ્રયત્નો થાય તે કેટલા મઝાના હોય !… પણ પસંદ અપની અપની. એકને જે ગમે તે બીજાને ગમે જ એવું નક્કી નથી. વ્યક્તિના પ્રકાર અને એના દ્રષ્ટિકોણ પર બધો આધાર છે.

કેટલાક લોકો એવા હોય છે કે જે દરિયો જોઈને ગાંડાતૂર બની જાય. નાના બાળકની જેમ નાચે, મોજા સાથે રમે, છાલક મારે, મિત્રો સાથે આનંદ મનાવે અને અસ્તિત્વની આ ઉછળતી- ગાતી રમણિયતાને માણે. તો કેટલાક એવા પણ હોય છે જેને પાણીમાં પગ બોળવાનું પણ પસંદ ન પડે. મોજા જોઈને ડરે. જલદીથી ઘર ભેગા થવાનું પસંદ કરે. નદીકિનારે જઈને, એના ખળખળ વહેતા પાણીમાં પગ બોળીને ચાલવાનું કેટલાકને ગમે. જેમ જેમ ચાલે તેમ તેમ થાક ઉતરતો જાય… તો કેટલાકને કિનારે કિનારે ચાલવાથી પણ થાક લાગે. કોઈને આંગણામાં ફૂલ, છોડ, બગીચો કે લોન હોય તો ગમે તો કોઈ એને ‘ન્યુસન્સ’ માને ! મચ્છર થાય, ભેજ વધે એમ માનીને બગીચાનો વિરોધ પણ કરે.

કોઈને આકાશ ગમે. આકાશ નીચે જઈને વિશાળતાનો અનુભવ થાય. ખુલ્લા આકાશ નીચે- અગાશીમાં- સુવાનું મળે તો સ્વર્ગીય સુખનો અનુભવ થાય તો કોઈને આકાશ સાથે પોતાને જાણે કશો જ સંબંધ ન હોય, જીવનમાં એની કશી જ મહત્તા ન હોય એમ બારી-બારણા બંધ કરી, ઘરની દિવાલોમાં કેદ થઈને જીવવાનું ગમે. બારી બહારનું આકાશ, દૂર દેખાતા વૃક્ષો, પક્ષીઓ આમાંનું કશું જ એને આકર્ષતું નથી. બારીના પડદા બંધ કરીને ચાર દિવાલો વચ્ચે જીવવામાં એને આનંદ મળે છે. એરકંડિશન્ડ બેડરૂમ, સોફા, ડાઇનિંગ ટેબલ, ટી.વી. અને ઘરવખરી એ જ એનું જીવન હોય છે. ઘરની બહારનું એક વિશાળ જગત એને ક્યારેય ખેંચી કે આકર્ષી શકતું નથી. આ જગતમાં કેટલું બઘું સૌંદર્ય છે ! કેટલું વૈવિઘ્ય અને કેટલી વિશાળતા છે ! જોવા અને માણવાનું શરૂ કરો તો આશ્ચર્યથી અવાક્ બની જવાય એવી વિસ્મયજનક આ સૃષ્ટિ છે. ફૂલો, પક્ષીઓ, જીવજંતુઓ અને વન્ય પશુઓની એક અદ્ભુત દુનિયા છે. જેની પાસે સમય, સુવિધા અને સમજ છે એણે આ સૃષ્ટિને જોવી, જાણવી અને માણવી જોઈએ.
જેમ બાહ્ય જગત છે તેમ અંદરનું પણ એક અદ્ભુત જગત છે. જે અંદર ગયા છે, જેમણે આ આંતરિક જગતમાં ડૂબકી લગાવી છે તે તમામનું કહેવું છે કે, આપણું પોતાનું આંતરિક જગત અલૌકિક અને અદ્ભુત છે. જેમણે આ આંતરિક જગતને જોયું, જાણ્યું અને માણ્યું છે તેનું બાહ્ય જગત પણ બિલકુલ બદલાઈ જાય છે. તમારી પાસે એક નવા પ્રકારની દ્રષ્ટિ આવે છે, વસ્તુ અને વ્યક્તિ જોવાનો તમારો અભિગમ બિલકુલ બદલાઈ જાય છે. તમારી આંખ પર કોઈ પણ પ્રકારના પડળ, કોઈ પણ રંગના ચશ્મા નથી હોતા. જે વસ્તુ જેવી છે તેને તમે તેવી જ જોઈ શકો છો. ગમા- અણગમા, આગ્રહ- રાગદ્વેષ, પસંદગી- નાપસંદગી કે પરંપરાગત માન્યતા વચ્ચે કોઈ આવરણ નથી હોતા. અને તેથી તમે જે છે તેને તેવું જ જોઈ શકો છો.

જીવન એટલું કીંમતી છે કે એને ગુમાવવા જેવું નથી. સમય સાથે જીવન જોડાયું છે. સમયમાં હોવા છતાં જે સમયની પાર છે તેને જાણવું હોય તો ક્ષણેક્ષણનો સદુઉપયોગ કરી સમય ગુમાવ્યા વિના જીવવું જોઈએ. શરીરને સીમા છે, એ સમયની સીમામાં બંધાયેલું છે અને જીવનને તથા શરીરને પણ ઘનિષ્ઠ સંબંધ છે. આથી શરીર સારું હોય, શરીરમાં શક્તિ હોય, પોતાની પાસે સમય અને સુવિધા હોય ત્યાં જ જીવનને જાણવાનું તથા જગતને જોવા અને માણવાનું શરૂ કરી દેવું જોઈએ.

ક્રાન્તિબીજ
ઇસ ઘટ અંતર બાગ- બગીચે,
ઇસીમેં સિરજનહારા;
ઇસ ઘટ અંતર સાત સમુન્દર,
ઇસીમેં નૌલખ તારા !
ઇસ ઘટ અંતર પારસ મોતી,
ઇસીમેં પરખનહારા !
ઇસ ઘટ અંતર અનહદ ગરજૈ,
ઇસીમે ંઉઠત ફુહારા;
કહત કબીર સુનો ભાઈ સાઘુ !
ઈસીમેં સાંઇ હમારા.
– સંત કબીર

 
Leave a comment

Posted by on 05/07/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ:

જપ એ જ તપ -સુરેશ દલાલ

જપ એ જ તપ -સુરેશ દલાલ
ભક્ત અને સાધકની વાણીમાં મંત્રની કક્ષાનું તેજ હોય છે. માણસ પાસે જીવનનો નક્કર કોરો કાગળ છે, પણ માણસ એમાં એક પછી એક હાંસિયા દોરતો જાય છે અને આ હાંસિયાઓ જ એની હાંસી ઉડાવે છે.
આ રહ્યું તારું પુણ્ય, આ રહ્યું તારું પાપ
બંને લઈ લે અને મને કેવળ
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ
આ રહ્યું તારું જ્ઞાન, આ રહ્યું તારું અજ્ઞાન
બંને લઈ લે અને મને કેવળ
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ
આ રહી તારી પવિત્રતા અને આ રહી તારી અપવિત્રતા
બંને લઈ લે અને મને કેવળ
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ
આ રહ્યો તારો ધર્મ અને આ રહ્યો તારો અધર્મ
બંને લઈ લે, મા!
અને મને કેવળ તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ
– રામકૃષ્ણ પરમહંસ, કુંદનિકા કાપડિયા
જગદંબાના ભક્ત રામકૃષ્ણ પરમહંસની આ વાણી છે. ભક્ત અને સાધકની વાણીમાં મંત્રની કક્ષાનું તેજ હોય છે. માણસ પાસે જીવનનો નક્કર કોરો કાગળ છે, પણ માણસ એમાં એક પછી એક હાંસિયા દોરતો જાય છે અને આ હાંસિયાઓ જ એની હાંસી ઉડાવે છે.
આપણી પાસે કેટલા હાંસિયાઓ છે! પુણ્ય-પાપ, જ્ઞાન-અજ્ઞાન, પવિત્રતા-અપવિત્રતા, ધર્મ-અધર્મ… આપણે સામસામા વિરોધોથી જીવનારા. આ બધા જ વિરોધો જો માતાની પણ જે માતા છે-જે જગતમાતા છે એને સોંપી દઈએ તો! સંતની વાણી એ સરોવરના જળ જેવી પારદર્શક હોય છે. અંદર કોઈ કુટિલતા ન હોય તો વાણીમાં નરી અને નકરી સરળતા કમળની જેમ આપમેળે ઊઘડતી આવે.
હું તો આ વાણીને કાવ્ય સમજીને જ આગળ વધું છું. આમાં કોઈ અલંકાર નથી, એ જ મોટામાં મોટો અલંકાર છે. આમાં સીધી વાત છે. આ વાત ઈશ્વર સાથેની છે. પ્રાર્થના છે. પરમહંસ કહે છે કે આ પુણ્ય અને પાપનાં ખાનાં ભલે અમે પાડયાં, પણ આ બધું તારું જ છે અને હું તને બધું સોંપી દેવા માગું છું.
જોકે સોંપી દેવાની પણ અમારી તાકાત કેટલી? એટલે જ કહે છે કે આ બધું તું જ લઈ લે અને મને કેવળ આપ તારા તરફનો વિશુદ્ધ પ્રેમ. આપણને તરત થાય કે જો પ્રેમ હોય તો એ અશુદ્ધ કઈ રીતે હોઈ શકે! પણ આપણે જેને પ્રેમનું મોટું નામ આપીએ છીએ એની પાછળ પણ આપણી અનેક વૃત્તિઓ, પ્રવૃત્તિઓ વિવિધ રીતે, વિચિત્ર રીતે, ખુદ આપણા મનને પણ ન સમજાય એ રીતે સંકળાયેલી હોય છે.
આપણો પ્રેમ શોધે છે સુખ અને સગવડ. આપણા પ્રેમમાં ઈચ્છાઓના પડછાયા હોય છે. એ પડછાયાઓ એ આપણી વાસનાઓનાં જ કાબરચીતરાં ચિતરામણો છે. આપણી પ્રાર્થના ભાગ્યે જ સાચી પ્રાર્થના હોય છે.
મોટે ભાગે એ દુન્યવી સુખી માટેની યાચના છે. પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનું નર્યું સાંનિઘ્ય. ઈશ્વરનું સ્મરણ એટલે ભીતર થતો જપ. અને જપ એ જ તપ. બહાર પ્રવૃત્તિ ચાલતી હોય પણ ભીતરની વૃત્તિ પેલા પરમ સાથે જોડાયેલી રહે એ જ પ્રાર્થના.

 
Leave a comment

Posted by on 03/07/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ:

સુખી થવું એ પ્રત્યેક વ્યક્તિનો જન્મસિઘ્ધ અધિકાર છે

સુખી થવું એ પ્રત્યેક વ્યક્તિનો જન્મસિઘ્ધ અધિકાર છે
સુખી થવું હોય તો એકલો આર્થિક વિકાસ પર્યાપ્ત નથી. જો અંદરની સમજ કે શાંતિ નહીં હોય તો એકલી સમૃદ્ધિ સુખ નહીં આપે
વત્સલ વસાણી 20-06-2010
સુખી થવું એ પ્રત્યેક વ્યક્તિનો જન્મસિઘ્ધ અધિકાર છે. જીવનનું પરમ લક્ષ્ય અવિનાશી આનંદની પ્રાપ્તિ છે. આથી સુખ અને આનંદની પ્રાપ્તિ માટે સૌએ પોતપોતાની રીતે સાચી દિશામાં પ્રયત્ન શરૂ કરી દેવો જોઇએ. વ્યક્તિ, પરિવાર, ગામ-શહેર, રાજ્ય દેશ અને વિશ્વ એમ ક્રમશઃ વ્યક્તિએ સતત વિસ્તરતા રહેવું જોઇએ. પરિવારના અંગરૂપ પ્રત્યેક વ્યક્તિ જો સુખી હશે તો આખો પરિવાર સુખી હશે. પરિવાર સુખી હશે તો અનેક પરિવારથી બનેલું ગામ અને શહેર પણ સુખી હશે.

એકેએક ગામ કે શહેર સુખી, સમૃઘ્ધ, શાંત અને વિકાસશીલ હશે તો પૂરૂં રાજ્ય સુખી અને વિકસિત થશે જ. આથી સાચી દિશા કેન્દ્રથી પરિઘ સુધીની છે. વ્યક્તિ સમષ્ટિનું કેન્દ્ર છે. વ્યક્તિ જો દુઃખી કે અશાંત હશે તો સમાષ્ટિમાં, પૂરા સંસારમાં, સુખનો અનુભવ અશક્ય છે. વ્યક્તિના ભોગે સમષ્ટિનું સુખ શક્ય નથી. એ ખોટી દિશા, ખોટું સૂત્ર છે. આપણે ત્યાં સમાજને સુખી કરવા માટે વ્યક્તિએ પોતાના સુખને છોડવું એવો મિથ્યા વિચાર પ્રચલિત છે.

પણ અનુભવથી એ જરૂર સમજાશે કે સમાજને સુધારવા કે સુખી કરવા ઇચ્છતા લોકો જો પોતે સુખી, શાંત, સુધરેલા, નિરપેક્ષ, શુચિ કે પવિત્ર નહીં હોય તો સમાજ ઊલટાનો વઘુ દુઃખી, શોષિત અને ગંદો બની જશે. દેશમાં સમાજસેવકો, સમાજસુધારકો અને સાઘુ-સંતોનો પાર નથી. પણ દેશ કેમ દિવસે દિવસે દુખી, અશાંત અને આંતરિક બદીઓથી ઊભરાતો જાય છે ?! દેશનેતાઓ, રાજનેતાઓ, સમાજસેવકો, સાઘુ-સંતો સતત પ્રયત્નશીલ હોવા છતાં સમાજ સુધરતો કેમ નથી ? કેમ બધે સુખ-શાંતિ અને આનંદ દેખાતો નથી ?

… તો જરાક અટકીને વિચાર તો કરવો જ જોઇએ. આપણે ત્યાં એક સૂત્ર પ્રચલિત છે. પરિવારના સુખ માટે વ્યક્તિએ પોતાનું સુખ છોડવું. પોતે ભલે દુઃખી થવું પડે પણ પરિવારને સુખી કરવા વ્યક્તિએ પોતાનો ભોગ આપવો. ગામ સુખી થતું હોય તો આખા એક પરિવારે દુખ વ્હોરી લેવું, દુખી થવા તૈયાર રહેવું. રાજ્ય સુખી થતું હોય તો ગામ કે શહેરના સ્વાર્થને જતો કરવો. અને દેશ જો સુખી થતો હોય તો આખા એક રાજ્યે પોતાના સુખને છોડવા તત્પર રહેવું. સૂત્ર તો સરસ છે.

સમજપૂર્વક એનો ઉપયોગ થાય તો પરિણામ પણ આવે જ. પરંતુ બન્યું એવું કે પરિવારના સુખ માટે વ્યક્તિએ પોતાની ઊંઘ હરામ કરી, તનતોડ મહેનત કરી, પોતાના તરફ સહેજેય લક્ષ ન આપ્યું અને એમ વ્યક્તિ દુખી, હતાશ અને બીમાર બની. આના બદલે સ્વાર્થી બન્યા વિના પરિવારના તમામ સભ્યોએ સુખ વહેંચવું જોઇએ. વહેંચવાથી સુખ વધે છે. અને એમ સુખી અને શાંત લોકો વઘુ સારી રીતે કામ કરી શકે છે. યોગ્ય દિશામાં આયોજનપૂર્વક શ્રમ કરવાથી સમૃઘ્ધિ વધે છે અને એમ સુખ, શંતિ અને સમૃઘ્ધિમાં વધારો થાય છે.

સુખી થવું હોય તો એકલો આર્થિક વિકાસ પર્યાપ્ત નથી. સમાજમાં ગમે તેટલા ઉદ્યોગો વધે, મોટા મોટા ભવ્ય મકાનો બને, વ્યક્તિગત વાહનો વધે પણ જો અંદરની સમજ કે શાંતિ નહીં હોય તો એવી સમૃઘ્ધિ સુખ નહીં આપે. સુખી થવું હોય તો સમાજનો અને દેશનો સંતુલિત વિકાસ થવો જોઇએ. દેશમાં કે રાજ્યમાં જેટલા ઉદ્યોગો વધે, આર્થિક સમૃઘ્ધિ વધે એટલા જ પ્રમાણમાં શિક્ષણ, પર્યાવરણ, આંતરિક શાંતિના ઉપાય કે સમજદારી પણ વધવી જોઇએ. ઉદ્યોગો, મકાનો અને ટેકનોલોજી વધે તેની સાથે પ્રાકૃતિક યાત્રાધામો, બાગ બગીચા, વિશાળ ઉદ્યાનો, પ્રાકૃતિક કે કૃત્રિમ ધોધ, ફુવારા, ઝરણાં અને વ્યક્તિને આંતરિક શાંતિ આપે એવા સ્થળો પણ વધવા જોઇએ.

એકલા ઉદ્યોગો, એકલું શિક્ષણ, એકલા મંદિરો કે એકાંગી વિકાસ માણસને સુખી નહીં કરી શકે. આ માટે ચારે બાજુથી વ્યક્તિનો કે સમાજનો સંતુલત વિકાસ થવો જોઇએ. સમાજમાં સમૃઘ્ધિ માટે વેપાર ધંધા અને ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે. તો સાથે સાથે થાકેલા માણસ માટે અઠવાડિયે એકાદ દિવસ શાંતિથી પસાર કરવા માટે કેટલાક કુદરતી કે કૃત્રિમ પ્રાકૃતિક સૌંદર્યધામો પણ વિકસવા જોઇએ. ભલે બાજુમાં જંગલ, નદી, દરિયો, કે પહાડ ન હોય પણ આજે તો ઘટાદાર વૃક્ષો વાવીને માનવસર્જિત વન ઊભા કરી શકાય છે. ઝરણાં, ફુવારા અને કૃત્રિમ વોટર ફોલ પણ બનાવી શકાય છે. મામસે સુખી થવું હોય તો પ્રકૃતિ કે પર્યાવરણના ભોગે એ ક્યારેય શક્ય નહીં બને. પ્રકૃતિને, પર્યાવરણને, સ્વચ્છ પ્રાકૃતિક સ્થળોને સાથે રાખીને જ હવે સુખની શોધ શક્ય બનશે.
દરેક વ્યક્તિએ સુખી અને સમૃઘ્ધ થવાનો સંકલ્પ કરવો જોઇએ.

આળસુ કે કાહિલ થઇને બેસી રહેવાની જરૂર નથી. પોતાની રીતે પોતાની પસંદગીનો શ્રમ તો પ્રત્યેક વ્યક્તિએ કરવો જ જોઇએ. પોતાને ગમતા ક્ષેત્રમાં પ્રત્યેક વ્યક્તિએ ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ. એ જ રીતે પ્રત્યેક પરિવારે સામૂહિક રીતે, સંપીને સુખી તથા સમૃઘ્ધ થવાનો સંકલ્પ કરવો જોઇએ.

 
Leave a comment

Posted by on 27/06/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ:

દીકરી દેવો ભવ – પૂ. મોરારીબાપુ

દીકરી દેવો ભવ – પૂ. મોરારીબાપુ
મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.

દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.

મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ ‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’ આવી અનુભૂત વાત ગાઈ છે.

દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….

એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.

ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો. મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે બેટા, હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું; ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટા ભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.

રામચરિત માનસમાં લખ્યું છે – “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ’ યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.

હા, દેશ, કાળ અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે :
‘દીકરી (દુહિતા) દેવો ભવ’.

 
Leave a comment

Posted by on 25/06/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ:

દિલના સર્ચ એન્જિન પર ક્લિક કરો- કૄષ્ણકાંત ઉનડકટ

દિલના સર્ચ એન્જિન પર ક્લિક કરો- કૄષ્ણકાંત ઉનડકટ
આપણે જ નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે મારાથી આ ન થાય! ક્યારેક તમને ગમતું હોય એવું કંઈક કરી જોજો, ઉંમર ઘટીને નાની થઈ જશે. બચપણ અને બુઢાપામાં માત્ર માનસિકતાનો જ ફર્ક હોય છે. તમારી જાતને એટલી મોટી ન બનાવી દો કે તમારું બચપણ જ ભૂલી જાવ!

ભૂલા પડી જવાની મજા પણ કદી લૂંટો, આ શું તમે સતત રહો છો રસ્તાની શોધમાં?
-રિષભ મહેતા

આત્મીયતા ઉપર કોઈનો ઈજારો નથી અને સંવેદના કોઈની મોહતાજ નથી. શરીરમાં ધબકતાં દિલને સંકોચાવા ન દઇએ તો દિલમાં આખી દુનિયાને સમાવી શકાય એટલી વિશાળતા છે. બધું જ જીવી શકો, બધું જ ઝીલી શકો અને પ્રકૃતિના દરેક કણને અને તમામ રંગને માણી શકો તો જીવનની કોઈ પણ ઉંમરે બચપણ અનુભવી શકો. ઉંમર માણસને ઘરડાં નથી બનાવતી પણ માનસિકતા માણસને બુઢ્ઢા કરી દે છે.

રોલર કોસ્ટર જેવો રોમાંચ જ્યારે રોકીંગ ચેરમાં થવા લાગે ત્યારે સમજવું કે આપણને ઉંમરની અસર થવા લાગી છે. થ્રીલ ફીલ કરવાની કોઈ ઉંમર નથી હોતી. નાના બાળકનું ઓબ્ઝર્વેશન કરજો. એ આંખો ફાડી ફાડીને બધું નીરખતું રહે છે. મોટું થઈ જાય પછી એને એવું થાય છે કે આ તો જોઈ લીધું છે.

એવું ક્યાંય લખ્યું છે કે આટલી ઉંમર થઈ જાય પછી દરિયાના પટમાં રેતીનું મકાન ન બનાવવું? કિશોર કે યુવાન વય થાય પછી શેરીમાં ભરાયેલા વરસાદના પાણીમાં કાગળની હોડી ન ચલાવવી! તમને જે ગમતું હતું તેવું કરવાની કોણ ના પાડે છે?

આપણે જ નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે મારાથી આ ન થાય! ક્યારેક તમને ગમતું હોય એવું કંઈક કરી જોજો, ઉંમર ઘટીને નાની થઈ જશે. બચપણ અને બુઢાપામાં માત્ર માનસિકતાનો જ ફર્ક હોય છે. તમારી જાતને એટલી મોટી ન બનાવી દો કે તમારું બચપણ જ ભૂલી જાવ!

સંપર્કના સાધનો વઘ્યા છે છતાં કેમ માણસ એક-બીજાથી દૂર જઈ રહ્યો હોય એવું લાગે છે? તમારા મોબાઈલની ફોન બુકમાં કેટલા નંબર છે? એવો કયો નંબર છે જે એક વખત સેવ કર્યા પછી તમે ક્યારેય એ નંબર પર ફોન નથી કર્યો? કનેક્ટેડ થયા પછી આપણે વિચારતા નથી કે આપણે એટેચ્ડ છીએ? તમારા દિલની વાત કહી શકાય એવા કેટલા લોકો તમારી પાસે છે?

ફેસબુક અને ઓરકૂટ ઉપર આપણે મિત્રોને એડ કરતાં જઈએ છીએ અને પછી એવો સંતોષ માની લઈએ છીએ કે આપણું ગ્રુપ બહુ મોટું છે. ફેસબુકનું લિસ્ટ કાઢીને ક્યારેય વિચાર્યું છે કે આમાંથી કેટલાં લોકોની અંગત વાતો મને ખબર છે? એ પૈકીના કેટલા લોકોને શું ગમે છે અને શું નથી ગમતું એ તમને ખબર છે? મોટાભાગે જસ્ટ હાય- હલો જ કહેવાય છે. દિલમાં ભાર લાગતો હોય એ વાત કેમ દિલમાં જ રહે છે?

સર્ચ એન્જિનથી જૂના મિત્રો મળી જાય છે પણ આત્મીયતા? કંઈક કહેવાનું કે વાત શેર કરવાનું મન થાય ત્યારે કોઈ હોતું નથી! દિલનું સર્ચ એન્જિન ખોટકાઈ જાય છે. દિલના સર્ચ એન્જિનમાં તમે ક્યારેય કોઈ સર્ચ આપી છે? ચલો, એક પ્રયત્ન કરો. દિલના સર્ચ એન્જિનને શોધવાનું કહો, બેસ્ટ ડે ઓફ માય લાઈફ! જિંદગીનો સુંદર દિવસ!

દિલ પર ક્લિક કરો. કંઈ મળ્યું? કયો હતો એ દિવસ? તમે જિંદગીમાં જેટલા દિવસો વિતાવ્યા હોય એમાંથી યાદગાર દિવસો શોધી કાઢો, પછી જિંદગીના દિવસો સાથે સરખામણી કરી ટકાવારી કાઢો, રિઝલ્ટ ઝીરો પોઈન્ટ ઝીરો સમથિંગ સમથિંગ હશે! બાકીના દિવસો ખરાબ હતા?

ના! ઘણાં દિવસો સારા હતા પણ તેને આપણે પરમેનન્ટ ડિલિટ કરી નાખ્યા હોય છે! સુખની ચિઠ્ઠી આપણે ભાગ્યે જ ખોલીએ છીએ. માણસની કૂતુહલતા બૂઠ્ઠી ન થઈ જાય તો સંવેદના ક્યારેય બુઠ્ઠી થતી નથી. આપણે મોટા થતાં જઈએ તેમ આપણામાં જીવંત બાળપણને મારતાં જઈએ છીએ.

પછી તેનો ખરખરો કરતાં રહીએ છીએ. દિલમાં ચણાયેલી આવી કબરોને ઉખેડી નાખી તેમાં દબાયેલી ક્ષણોને પાછી જીવતી કરો, જીવન એકશન રિપ્લે જેવું નહીં પણ લાઈવ લાગશે!

છેલ્લો સીન: માણસ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેની સાથે એ રહી શકે. બહુ ઓછા લોકો એવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે જેના વગર એ રહી ન શકે!

 
Leave a comment

Posted by on 25/06/2010 માં લેખ્ સંગ્રહ

 

ટૅગ્સ: