તારી મમતા
તોલે ન આવે ઇશ
મા તું બેજોડ.
-અલોક ચટ્ટ
ફરક છે એટલો મારા,
અને તમારા વચ્ચે ઓ મિત્રો,
ભૂલાઈ ને પણ તમો
યાદ આવો છો
યાદ આવીને પણ હું
ભૂલાઈ જાઉં છું.
નિષ્ફળતાથી નહિ ગભરાવ
સફળતા કેરૂં સોપાન છે એ
પુરુષાર્થીને પ્રારબ્ધ શું ?
પુરુષાર્થ જ એનું પ્રારબ્ધ છે.
***
ભૂતકાળને નહિ વાગોળો
ભવિષ્ય કેરી ચિંતા છોડો
વર્તમાનમાં જીવતાં શીખો
બાકી બધું ઈશ્વર પર છોડો
***
સરવાળામાં સુખ નથી
બાદબાકીમાં દુઃખ નથી
જીવન એ છે જિંદગીનો સરવાળો
મૃત્યુ એ છે જિંદગીની બાદબાકી.
—- હીરાભાઈ તલસાનીયા
એવા ભર્યાં છે શું ભલા જંતર અષાઢમાં
ફૂલોની જેમ ફોરતાં પથ્થર અષાઢમા
ભુરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.
મનોજ ખંડેરિયા
ખાલી આંગણ ભર ચોમાસે
કોરી પાંપણ ભર ચોમાસે
રેશમના ઢગલાની વચ્ચે
ડંખે નાગણ ભર ચોમાસે
‘કાનો લાવો’ ‘કાનો લાવો’
રાધા માગણ ભર ચોમાસે.
મુકેશ માલવણકર
રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો કાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?
હરિન્દ્ર દવે
પહેલે વરસાદે કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ,
ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઈ લઉં
વાદળને વીજના રૂઆબ.
નીતા રામૈયા
મળશ્કે એક ઝાંકળનું ટીપુ,
સૂર્ય કિરણ સાથે ઉડીગયું,
કોઈ કહે એ તો વાદળ થયું
પડ્યું એક વરસાદનું ટીપુ,
એજ હશે એવું મારા હૈયે થયું.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
મુશળધાર વરસાદ વરસે,
વરસાદ પાણી એક ઝરણું બને,
વહેતા ઝરણા થકી સરિતા બની,
અંતે સરિતા સાગરને મળી,
સુર્ય કિરણે સાગર-પાણી વાદળ બને,
મુશળધાર વરસાદ ફરી વરસે,
આવુંજ ચક્ર આ સંસારનું રહ્યુ,
માનવી જાણે છતાં, અજ્ઞાનતામાં એનુ જીવન ગયું.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
તારી ભીતરમાં કોઇને ઘર મળે,
તો તને પણ શોધતો ઇશ્વર મળે.
તું અહીં પડછાયો તારો ભૂંસ તો,
સૂર્ય જેવો સૌને સચરાચર મળે.
ગૌરાંગ ઠાકર
સ્વભાવે થોડો અતડો છું, ને શબ્દે શબ્દે કડવો છું
મારી સામે કોઇ ફાવે નહીં, માણસ નામે અઘરો છું.
આફત સામે નડતર છું, ને દુ:ખ ભગાડતુ મંતર છું
મને કોઇ ભરમાવે નહીં, માણસ નામે જબરો છું
— કુમાર મયુર —
સરળ ક્યાં છે રસ્તા ઉપર એકલા ચાલવાનું,
એ ગબડાવી દેશે, ક્યાં ઠેકાણું છે આ હવાનું !
કોઈ હાથ ઝાલી કરાવી દે જો પાર રસ્તો,
તો કારણ મળી જાય ત્યાં કોઈને ચાહવાનું.
*** *** *** ***
ચાતરેલા ચીલા પર ચાલીને તેં શી ધાડ મારી ?
ફૂલ સાથે કંટકો લાવીને તેં શી ધાડ મારી ?
તું હવાને રોકવામાં જો સફળ થઈ હોત તો ઠીક,
બાકી બારી–બારણાં વાસીને તેં શી ધાડ મારી ?
*** *** *** ***
તમારે આંગણે હું ચપટી ધૂળ લાવ્યો છું
ઘસીને આમ તો ધરતીનું મૂળ લાવ્યો છું
અમારી આત્મકથા એકવાર સાંભળજો
હતી જે લાગણીઓ તેનું શૂળ લાવ્યો છું
સુનિલ શાહ
શબ્દોને પાલવડે રમતી આવી છું,
ભાવોની સંતાકુકડી ખેલતી આવી છું;
અર્થોના ઝોલે ખુબ ઝુલતી આવી છુ,
સાહિત્યના વિશાળ આકાશમાં વિહરવા આવી છું.
-Devika Dhruva.
મારાં ખોવાયેલાં સ્વપ્નાઓ સજીવન કરવા,
મારી રીતે મારી દૂનિયા મેં વસાવી લીધી;|
મારા પડછાયાને મેં મિત્રનું ઉપનામ દીધું,
મારી એકલતા મેં એ રીતે નભાવી લીધી.
——–’ યુસુફ ‘ બુકવાલા———
ફૂલ તુજ કિસ્મતનાં ગીતો ગાઉં છું,
મારી હાલતની દયા હું ખાઉં છું;
તું મરીને થાય છે અત્તર અને-
હું મરીને રાખ કેવળ થાઉં છું.
—————’સગીર’—
# બાળવાચક શબ્દનો કક્કો શીખું છું,
કેમ લખવો પાન પર ટહૂકો શીખું છું;
દાવ સામે પેચની છોડી રમતને,
હું હવે અડકો ને દડકો શીખું છું.
—–મુકેશ જોશી—–
# આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
એક સુખદ ઉંઘમાં લેટું તો જગત શું કહેશે ?
મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?
—-હરીન્દ્ર દવે—
# હતી કંઇ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો;
ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.
—રઇશ મણીઆર–
હ્ર્દય મારું વ્યાપક,નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે..
—મરીઝ—
# એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા !
એક પળ માટે વીતેલી જીંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઇ ગયો,
આમ જો પૂછો બહું મોંઘા અમારા દામ છે.
–મરીઝ—
# શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.
બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પુરબહાર જીવ્યો છું.
—- અમૃત ઘાયલ—
# લાગણીનું નામ આવ્યું,શ્વાસ સૂનો થઇ ગયો,
શબ્દ જેવો શબ્દ પણ બેબાક મૂંગો થઇ ગયો.
હું કશું સમજું એ પહેલાં સાવ અળગો થઇ ગયો,
ફિલસૂફીમાં હું ગળાડૂબ મિત્ર શાણો થઇ ગયો.
—- ગુલામ અબ્બાસ—
તને છોને વરસાદ હોય વ્હાલો,પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં,
તને આટલું ચોમાસું વ્હાલુ જો હોય,
તો આંખો ભીંજાય કોની યાદમાં.
-Unknown.
છો મને ન તું મળે, ન જગા તારા જગમાં મળે,
લાલસા એય નથી મને, કો’ સ્થાન તારા ઉરમાં મળે,
હા! અંતરમાં એક જ ઇચ્છા, અહર્નિશ સળવળે,
આંખો બંધ કરું હું જ્યાં, તુજ ઊર્મિનો સાગર મળે.
***
એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પી રહી છું એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!
***
પ્રીત થઇ’તી એમની સંગ, બહુ જ સાદી ભાતથી,
આંધળી પ્રીત એમની પણ, મળી ગજા બહારથી,
સાગરની જેમ ઊર્મિ એમની, ઉમટી હ્રદયની પારથી,
મોજાંની જેમ ઉછળી અને, શાંત થઇ ગઇ જગખારથી.
***
“ઊર્મિસાગર”
હતાશાની ગર્તમાં ધકેલતી રહે છે
મને તારી વિમુખતા,
ને હાથ ઝાલીને ઉગારતા રહે છે
મને તારા સંભારણા.
***
જિંદગીનાં સરવાળામાં ઉમેરાય છે તું,
અને ભાગાકારમાં શેષ રહી જાય છે તું,
વળી ગુણાકારમાં હંમેશા ગુણાય છે તું,
તો બાદબાકીમાં શૂન્ય બની જાય છે તું.
* * *
જિંદગીનાં મધ્યાંતરે આવીને તમે, એને કાટ્ખૂણે વાળી દીધી.
નહિંતર સીધી જ રેખામાં જીવન જીવ્યે જતાં હતાં અમે
“ઊર્મિસાગર”
શ્વાસોને શબ્દોમાં ભરતો વિવેક છે,
શબ્દોના શ્વાસો ઢંઢોળતો વિવેક છે,
શબ્દોમાં મારા પણ આવ્યો છે એ જરા,
જાણે સ્વયમ્ એ ઊભરતો વિવેક છે!
ઊર્મિસાગર
* * *
એક સ્વજન-દંપતિના લગ્નની ૨૫મી વર્ષગાંઠે…
* * *
આજની ઉષા લાવી, તમારો ચાંદીનો દિવસ,
મુબારક હો આપને આ ઝગમગતો દિવસ !
એવું રહો સમૃધ્ધ તમારા દામ્પત્યનું રાજ, કે-
આજ ઊગે- ફરી એકવાર, બની સોનાનો દિવસ!
ઊર્મિસાગર
* * *
લીમડાની ડાળ પર ઝૂલ્યા પછી,
આગળા ઉંમરના સૌ ખૂલ્યા પછી;
બાષ્પ શબ્દો, શ્વાસ ધુમ્મસ થ્યા પછી,
હું તને પામું મને ભૂલ્યા પછી !
ડૉ.વિવેક મનહર ટેલર
સમણાં મઢેલી રાતમાં તારા સજાવતા,
એ સૂર્ય થઇ આવી ચઢે,તું શું કરી શકે ?
તારી કને હો છાંયડાના સાત દરિયા,પણ
એને ફક્ત તડકા ફળે, તું શું કરી શકે ?
-મુકેશ જોશી–
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં;
ફરી એ વાત પુરાણી તમે કહો તો,કહું;
ગઇ બતાવી ઘણાં યે રહસ્ય બેહોશી,
સમજવા જેટલા બાકી હોશ હો તો, કહું.
—હરીન્દ્ર દવે-
તને છોને વરસાદ હોય વ્હાલો,પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં,
તને આટલું ચોમાસું વ્હાલુ જો હોય,
તો આંખો ભીંજાય કોની યાદમાં.