RSS

Category Archives: ઘર-કવિતા

ઘર

ઘર મારું જોઇલો જાણે દરિયો
લાગણીની ભરતી અને નફરતની ઓટ છે
દિવાલોમાં મારા બચપનની નોટ છે
ઘરના ખુણે ખુણે મારી બાનો પ્રેમ છે
બહેનોના હાસ્યનો કેવો ખડખડાટ છે
બારી ખોલો તો યાદોનુ તોફાન છે
દિવાનખાનુ જાણે રમતનું મેદાન છે
ભાઇ સાથે કર્યા મે અહી કેટલા યુધ્ધો
શયનખડંમાં તો આરામ જ આરામ છે
જો સ્વર્ગ હોઇ દુનિયામાં તોતે મારુ ઘર છે

ભરત સુચક

 
1 ટીકા

Posted by on 18/06/2010 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

ઘર બનાવ્યું છે

પવનથી પાતળી ક્ષણમાં ખૂંપીને ઘર બનાવ્યું છે

જીવનની આગવી ક્ષણને ટૂંપીને ઘર બનાવ્યું છે

ગઝલની રાજસી ક્ષણને સીંચીને ઘર બનાવ્યું છે

સફર સંવેદનાની કંઇ ખૂંદીને ઘર બનાવ્યું છે

ખબર છે કે ગમે ત્યારે પડે પથ્થર હવામાંથી

ને પાયામાં જ પથ્થરને મૂકીને ઘર બનાવ્યું છે

-મેહુલ સુરતી

 
Leave a comment

Posted by on 15/03/2010 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

ઘર તરફ વળો

પૂરો થયો પ્રવાસ હવે ઘર તરફ વળો
કાયમ નથી નિવાસ હવે ઘર તરફ વળો

નીકળ્યા અને પાછા ફર્યા ખોટા સ્થળે સતત
ભૂલા પડેલ શ્વાસ! હવે ઘર તરફ વળો

પાદર, તળાવ, પીપળો ને સાંજનો પ્રહર
વર્ષોથી છે ઉદાસ હવે ઘર તરફ વળો

સંવેદના ઉત્તેજના અચરજ કાં ગુમ થયાં?
પડતી મૂકો તપાસ હવે ઘર તરફ વળો

આ તો નગરનો સૂર્ય છે એ આગ ઓકશે
એમાં નથી પ્રકાશ હવે ઘર તરફ વળો…

– રિષભ મહેતા

 
Leave a comment

Posted by on 15/03/2010 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

શોધ

આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધા અદ્રશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.

આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં ?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?

હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?

– પન્ના નાયક

 
Leave a comment

Posted by on 03/02/2010 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

વૈકુંઠ

આ નભ સકોરાઈને આખે આખ્ખું
મારા ઘરની છત થઈ જાય…
ને આ વિશાળ ધરા મારું આગણું….
આ અસંખ્ય તારલાં મારા ઘરની
ભીંત પરના સુશોભનો…
ને સૂર્ય ચંન્દ્રથી અલંકૃત હો મારું બારણું…
થઈ જાય વગડો …
એક ઘટાદાર ઘેઘૂર વૃક્ષ !
જાણે વિશ્વરુપ જ !

ને ત્યાં હોય…
મારા જિગર જાન મિત્રો જેવું પક્ષી ગણ,
ને સત્સંગમાં હો તેમનું સમૂહ ગાણું…
અને મારું એ ઘર
નદી થઈ ગયેલા સમુદ્રોની
તટે હો…

તો …
તારા સોગંદ, ઓ પ્રભુ !
તારું વૈકુંઠ, તને મુબારક !
-કમલેશ પટેલ

 
Leave a comment

Posted by on 12/10/2009 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

મારું દિલ આજે મારું નથી રહ્યું

બંધ આંખોમાં શમણું સજી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

ફૂલના પવનના, સાંજના પ્રણયના,
મનના તરંગના, સૂરના સનમના
રંગો સાતે કોઇ રંગી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

મહેકે શ્વાસોમાં ભીના ચમન,
તારી સુગંધમાં ભાન ભૂલે છે મન
છમછમ ઝાંઝર વાગે મધુરા,
સરસર પાલવ સરકે અધૂરા

મારા ખોબામાં કમળ ખીલી ગયું,
મારું દિલ આજે મારું નથી રહ્યું

હૈયાના દેશમાં તોરણ બંધાયા
વ્હાલના ઉમંગના અવસર આવ્યા
તેં એક અનોખી દુનિયા વસાવી
મારા જીવનને સોળે શણગારી

મારું ઘર આજે સ્વર્ગ બની ગયું
મારું દિલ આજે મારું નથી રહ્યું
-નૈમિલ patel

 
Leave a comment

Posted by on 12/10/2009 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

મારું ઘર

મારું ઘર હું શોધું રે,
આ પતિનું ઘર, તે પિતાનું ઘર,
ત્યાં કદાચ પુત્રનું ઘર,
સ્ત્રીનું પોતાનું ઘર ક્યાં?

પારકા ઘરે જવાનું છે,
પતિના ઘરે પારકી,
પારકા ઘરથી આવી,
અંતે દરેક છોકરી સાવકી છે.

-નંદિની મેહતા

 
1 ટીકા

Posted by on 12/10/2009 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

અશ્રુને વળી, ઘર કેવું ?

જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
… જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?

નિર્મિશ ઠાકર

 
Leave a comment

Posted by on 12/10/2009 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

સૂના ઘરમાં ખાલી

સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે.
– તમે જશો, ને ઉંબર ઉપર..

ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે.
– તમે જશો, ને ઉંબર ઉપર..
– નયન દેસાઈ

 
Leave a comment

Posted by on 12/10/2009 માં ઘર-કવિતા

 

ટૅગ્સ:

હું રે શોધું મારું પોતાનું ઘર

હું રે શોધું મારું પોતાનું ઘર, કયાં છે આ જગતમાં મારું પોતાનું ઘર ા

પ્રેમથી મહેકાવ્યું મેં આંગણું, પણ આ તો મારા પિતાનું ઘર ાા

પગલાં પનોતાં પાડયાં મેં સેવા કરી દીપાવ્યું મેં સાસરિયાનું ઘર ા

પતિ કહે મુજને, સુખશાંતિથી અજવાળ્યું તેં મારું આ ઘર ાા

જીવનની ફૂલવારીમાં બાળકોથી મહેકાવ્યું મેં મારા નાથનું ઘર ા

સીંચીને મોટાં કર્યા, પુત્ર કહે મા સંભાળજે તું આ મારું ઘર ાા

પિતા કહે મારું ઘર, પતિ કહે મારું ઘર, પુત્ર કહે આ મારું ઘર ા

હું તો ગઈ રે મૂંઝાઈ, આ રે સંસારમાં કયાં છે ભલા મારું ઘર? ાા

ચોપાસે ફેરવું નજર દૂર-દૂર સુધી ન જડે મુજને મારું ઘર ા

ચાર ભીંતો ચણી બનાવ્યું, શું ભીંતો થકી બની ગયું મારું ઘર? ાા

સ્ત્રીની વિડંબણા તો જુઓ શેને કહે કે આ મારું છે ઘર ા

પિતા, પતિ, પુત્ર સહુના ઘરમાં એ તો શોધે બસ પોતાનું ઘર ાાા

– ‘સુલેખા’ સાધના દવે

 
Leave a comment

Posted by on 12/10/2009 માં ઘર-કવિતા

 

ટૅગ્સ: