RSS

મોરારિબાપુ: સત્પુરુષનાં લક્ષણો

21 જુલાઈ

મોરારિબાપુ: સત્પુરુષનાં લક્ષણો 05.01.11
પિતાની સંપત્તિને ભાઇઓમાં સરખા ભાગે વહેંચનાર માણસ સત્પુરુષ છે. જ્યાં ભાઇઓના ભાગની ચિંતા પોતાના ભાગ કરતાં વધુ થાય ત્યાં રામાયણ થાય અને જ્યાં ભાઇઓને સોયની અણી જેટલી પણ જમીન આપવાની તૈયારી ન હોય ત્યાં મહાભારત થાય છે.

સંસારમાં સત્પુરુષ કોને કહેવાય? અથવા સત્પુરુષનાં લક્ષણો કેવાં હોવાં જોઇએ? આ સવાલ જુદી જુદી રીતે વારંવાર પુછાતો આવ્યો છે. એના જવાબમાં એટલું કહીશ કે જે વ્યક્તિમાં પાંચ લક્ષણો જોવા મળે તે સત્પુરુષ છે. આ પાંચ લક્ષણો માટે વિદ્વાનો દ્વારા સ્વીકારવામાં આવેલું વિધાન છે: પાત્રે ત્યાગી, ગુણે રાગી, સમવિભાગીય બંધૂસુ, શાસ્ત્રે બુદ્ધા, રણે યોદ્ધા, સત્પુરુષ વૈપુષ્યતે.

૧-પાત્રે ત્યાગી : જ્યાં એમ લાગે કે આ સુપાત્ર છે ત્યાં ત્યાગ કરવામાં એક ક્ષણનો પણ વિલંબ ન કરે તે પાત્રે ત્યાગી છે. અહીં સત્પુરુષની ત્યાગભાવના સામેના માણસની પાત્રતા જોઇને પ્રગટે છે. જેમ સિંહણનું દૂધ માત્ર સોનાના પાત્રમાં જ ઝીલી શકાય તે રીતે કોઇ વ્યક્તિની પાત્રતા કંચનના કટોરા જેવી કીમતી હોય તો સત્પુરુષ સિંહણના દૂધ જેવો કીમતી બોધ આપી શકે છે, પરંતુ જો પાત્રતા ન હોય અને ત્યાગ કરે અથવા તો કુપાત્રને દાન કરે તે સત્પુરુષનું લક્ષણ નથી અને એવી જ રીતે સામે પાત્રતા જોવા મળે છતાં જેના હૃદયમાં ત્યાગ પ્રગટે નહીં તે પણ સત્પુરુષ નથી.

કોઇ આદમી બેઇમાન હોય અને ભૂખ્યો હોય તો ભૂખ્યા હોવું એ રોટી મેળવવાની પાત્રતા છે, અને તેથી ભૂખ્યા માણસનું ચરિત્ર કેવું છે એની ભાંજગડમાં પડ્યા વગર એને રોટી આપી દેવી એ સજ્જનનો ધર્મ છે. જ્યાં અન્નક્ષેત્રો ચાલે છે ત્યાં જમવા આવનાર માણસ પાસે પ્રામાણિકતાનું પ્રમાણપત્ર માગવામાં આવતું નથી કારણ કે ત્યાં આવનાર માણસ ભૂખ્યો હોય તે એક જ લાયકાત પૂરતી હોય છે.

૨-ગુણે રાગી : જ્યાં સદ્ગુણ જોવા મળે ત્યાં ગુણના રાગી બની જવું અથવા તો જ્યાંથી શુભતત્વ મળે તે ગ્રહણ કરી લેવું તે ગુણે રાગીનું લક્ષણ છે. એક સાધુને પૂછવામાં આવ્યું કે એક વરસમાં કેટલી રાત્રિઓ હોય છે? સામેથી જવાબ મળ્યો કે દસ રાત્રિઓ હોય છે. પ્રશ્ન પૂછનારે આશ્ચર્યથી બીજો સવાલ કર્યો કે વરસમાં કુલ ત્રણસો પાંસઠ રાત્રિઓ હોય છે અને આપ દસ રાત્રિ કેમ કહો છો? ત્યારે ગુણે રાગી સ્વભાવનો સાધુ બોલ્યો કે નોરતાંની નવ રાત્રિ અને દસમી શિવરાત્રિ એમ દસ રાત્રિઓ માણસને સાચા અર્થમાં જાગવા માટેની રાત્રિઓ છે. બાકીની રાત્રિઓ તો ઊંઘવા માટે છે એટલે મેં જાગરણની રાત્રિઓ જ ગણતરીમાં લીધી છે. આ માણસે ગુણ અથવા સાર ગ્રહણ કરી લીધો કહેવાય.

માણસ ઘણીવાર આંબાવાડીમાં જઇને આ આંબો કોણે વાવ્યો, ક્યારે વાવ્યો, એના ઉપર કેવાં ફળ આવે એવી ચર્ચામાં સમય વિતાવે છે. એના કરતાં એકાદ પાકી કેરી ખાઇ લેવી એમાં શાણપણ છે અને એ ગુણે રાગીનું લક્ષણ છે. કોઇ માણસના લાખ અવગુણમાંથી એક સદ્ગુણ શોધીને એ સદ્ગુણને વધાવી શકે તે સત્પુરુષ છે.

૩-સમવિભાગીય બંધૂસુ : પિતાની સંપત્તિ અને પોતાની સંપત્તિને ભાઇઓમાં સરખા ભાગે વહેંચનાર માણસ સત્પુરુષ છે. રામાયણમાં રાજગાદી દડાની માફક ઊછળે છે. રામ રાજગાદી ભરતને આપીને નીકળી જાય છે અને ભરત એ ગાદી રામને પરત આપવા માટે કરગરે છે. જ્યાં ભાઇઓના ભાગની ચિંતા પોતાના ભાગ કરતાં વધુ થાય ત્યાં રામાયણ થાય અને જ્યાં ભાઇઓને સોયની અણી જેટલી પણ જમીન આપવાની તૈયારી ન હોય ત્યાં મહાભારત થાય છે.

અંગ્રેજીમાં બે શબ્દ છે, SUN અને SIN બંને શબ્દો ઘણા મળતા આવે છે. માત્ર U અને I નો તફાવત છે. SUNનો અર્થ સૂર્ય અથવા પ્રકાશ કરી શકાય અને SINનો અર્થ પાપ અથવા અંધકાર કરી શકાય. જેણે U એટલે કે તમેનો વિચાર કર્યો છે એના જીવનમાં અજવાળું થયું છે અને જેણે I એટલે પોતાનો જ વિચાર કર્યો છે એના જીવનમાં અંધારું થયું છે માટે પોતાની શક્તિ, સમજણ અને સંપત્તિનો પોતાના ભાઇઓના કલ્યાણ માટે સમભાવથી સદુપયોગ કરે છે તે સત્પુરુષ છે.

૪-શાસ્ત્રે બુદ્ધા : જે માણસને શાસ્ત્રોને વાંચતાં, ગાતાં કે સાંભળતાં એમ કોઇપણ રીતે શાસ્ત્રના સંગથી બોધ પ્રાપ્ત થઇ જાય તે વ્યક્તિ શાસ્ત્ર બુદ્ધા છે. અખાના એક પ્રચલિત છપ્પામાં લખ્યું છે કે કથા સૂણી સૂણી ફૂટયા કાન, તોય ન આવ્યું અખા બ્રહ્નજ્ઞાન. શાસ્ત્રો સાંભળી સાંભળીને કાન ફૂટી જાય છતાં જ્ઞાન ન મળે તે શાસ્ત્રે બુદ્ધા નથી. આ છપ્પાનો કવિ માધવ રામાનુજ સુંદર અર્થ કરે છે કે માણસ પાસે કાન હતા જ નહીં પણ એણે કથા સાંભળી એટલે કૂંપણ ફૂટે એમ કાન ફૂટી નીકળ્યા. આમ કોઇપણ શાસ્ત્રનું વાંચન, ગાયન કે શ્રવણ કરવાથી જે માણસમાં જ્ઞાનાંકુર ફૂટી નીકળે તે શાસ્ત્ર બુદ્ધા છે.

૫-રણે યોદ્ધા : સત્પુરુષ ક્યારેય નામર્દ ન હોય. જ્યારે યુદ્ધ કરવાનું આવે ત્યારે એક જવામર્દ યોદ્ધાની માફક લડી શકે તે સત્પુરુષનું પાંચમું લક્ષણ છે. અહીં સવાલ થાય કે સત્પુરુષ લડાઇ કરે ખરો? અને યુદ્ધ કરે તો હત્યા પણ કરવી પડે તો જે હત્યારો હોય એને સત્પુરુષ કહેવાય ખરો? તો આ સવાલનો જવાબ ‘હા’ છે. કારણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને માત્ર હત્યા કરી એવું નથી પણ પોતાના પિતરાઇ અને સગાંવહાલાંની હત્યાઓ કરી હતી છતાં અર્જુન સત્પુરુષ હતો. સત્પુરુષની સીધી વ્યાખ્યા એવી છે કે જે સત્યના માર્ગે ચાલે તે સત્પુરુષ, અર્જુન માટે યુદ્ધ અને હત્યા સત્યના માર્ગ હતા.

જોકે અહીં એવા યુદ્ધની વાત છે જે વિશ્વનો દરેક માણસ લડે છે અને તે સમય અને સંજોગો સામેનું યુદ્ધ છે અને સમાજના પ્રતિકૂળ સંજોગો અને ખરાબ સમયમાં હિંમત હારી જાય તે સત્પુરુષ નથી પણ એક કુશળ યોદ્ધાની માફક મુશ્કેલીઓને મારીને ભગાડે તે રણે યોદ્ધો છે અને તે સત્પુરુષનું પાંચમું લક્ષણ છે.

ઉપરનાં પાંચ લક્ષણોથી સત્પુરુષને ન સમજી શકો તો માત્ર ત્રણ લક્ષણો આપું છું. ૧. લાયન હાર્ટ ૨. ઇગલ આઇઝ ૩. લેડીઝ ફિંગર.લાયન હાર્ટ એટલે જેનું હૃદય સિંહ જેવું હોય. અહીં સિંહની ઉપમા એટલા માટે નથી આપી કે એ નીડર છે, શક્તિશાળી છે, પરંતુ સિંહ ઉદાર પણ છે. સિંહ જ્યારે શિકાર કરે છે ત્યારે ક્યારેય એકલો ખાતો નથી. પોતાના પરિવારને આપે જ છે પણ સાથે સાથે જંગલનાં અન્ય પશુ-પક્ષીઓને પણ આપે છે. માણસ નીડર હોય, બળવાન હોય પણ ઉદાર ન હોય તો એના હૃદયને લાયન હાર્ટ કહેવાય નહીં પરંતુ જે પરિવારનું તો પોષણ કરે છે પણ પોતાની આસપાસ રહેતાં અન્ય નાનાં માણસોની પણ ચિંતા કરે છે તે સિંહ જેવા હૃદયનો માણસ છે.

ઇગલ આઇઝ એટલે જેની આંખો ગરુડ જેવી હોય. અહીં ગરુડની ઉપમા એટલે આપી છે કારણ ગરુડની દ્રષ્ટિ આકાશ તરફ હોય છે અને એની ઉડાન ખૂબ ઊંચાઇ તરફ હોય છે. જે માણસની દ્રષ્ટિ હંમેશાં ઉચ્ચકક્ષાની હોય, જે કાયમ ઊંચી નજર રાખે અને એવું કંઇ જ ન કરે જેનાથી એને નીચી નજર કરવી પડે તે ગરુડનયન કહી શકાય. ગરુડની ઉચ્ચ દ્રષ્ટિ છે. સૂક્ષ્મ દ્રષ્ટિ છે અને વિશાળ દ્રષ્ટિ પણ છે. આથી જેની આંખો ગરુડ જેવી હોય તે સત્પુરુષ છે.

લેડીઝ ફિંગર એટલે જેની આંગળીઓ સ્ત્રી જેવી હોય. અહીં સ્ત્રીની ઉપમા એટલે આપી છે કારણ પોતાના બાળકના પગમાં વાગેલો કાંટો માતા એવી રીતે કાઢે છે જેથી બાળકને પીડા પણ ન થાય અને કાંટો નીકળી જાય, કારણ કે માતા કઠોર નથી પણ કોમળ છે. જે વ્યક્તિનો હાથ માતા જેવો કોમળ હશે તે તમને ખબર પણ ન પડે એ રીતે સંકટને દૂર કરી શકશે. એક આદર્શ દાકતરમાં પણ આ ત્રણ લક્ષણો જોવા મળશે, જે સત્પુરુષનાં લક્ષણો છે.

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: