RSS

નવરાશ એટલે સૌથી વ્યસ્ત સમય-વીનેશ અંતાણી

25 જૂન

વ્યસ્તતાની વચ્ચે થોડો સમય કાઢીને મૌન બેસી રહેવાથી પણ મન-મગજ અને શરીરનું સંતુલન વધે છે. એનાથી ઇચ્છાશક્તિ દ્રઢ બને છે. જુના સમયમાં બૌદ્ધ સાધુઓ એમના મનોબળને મજબૂત કરવા માટે મૌનનો મહિમા સમજ્યા હતા

દરેક વ્યક્તિએ પોતાના કામ અને નવરાશ વચ્ચે બેલેન્સ ઊભું કરવાની જરૂર રહે છે. આ વાત આજના અતિવ્યસ્ત જીવનમાં તો ખૂબ જ આવશ્યક બની ગઇ છે.

આજના યુગમાં લોકો એમના કામનું એટલું બધું દબાણ અનુભવે છે કે તેઓ સ્ટ્રેસનો ભોગ બનીને મોટી બીમારીમાં પણ ફસાય છે. એમનો સ્વભાવ ચીડિયો બની જાય છે.

એક સુપ્રસિદ્ધ લેખકને પ્રશ્ન પૂછવામાં આવ્યો: ‘તમે જ્યારે લખતા હોતા નથી ત્યારે શું કરો છો?’ એમણે હસીને જવાબ આપ્યો: ‘હું મારી જિંદગી જીવું છું! જ્યારે હું લખવાના કામથી થાકી-કંટાળી જાઉં છું ત્યારે હું મારા પૌત્ર સાથે રમું છું, મારા કૂતરા સાથે ગેલ કરું છું, સંગીત સાંભળું છું. મારા ઘરની સફાઇનું કામ કરું છું, મારા બગીચામાં ક્યારા સાફ કરું છું… હું મારી નવરાશમાં સૌથી વધારે વ્યસ્ત હોઉં છું…’ વડોદરાના માજી મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડે આકાશવાણી વડોદરા પર આપેલા વાર્તાલાપમાં કહ્યું હતું કે જ્યારે તેઓ એમના કામકાજથી કંટાળીને નવરાશનો આનંદ માણવા માગે ત્યારે તેઓ ઘણીવાર રસોઇઘરમાં જઇને કોઇ વાનગી બનાવવા લાગે છે.

કામના અતિ દબાણ પછી વ્યસ્ત લોકોને આવી પ્રવૃત્તિ કરવાથી ઘણા ફાયદા થાય છે. જરૂરી નથી કે તમે તમારું મુખ્ય કામ જ સતત કરતા રહો. એકનું એક કામ કંટાળો આપે છે. એનાથી શારીરિક અને માનસિક થાક લાગે છે અને જે મહત્વનું કામ કરી રહ્યા હોઇએ તેની ગુણવત્તા પર પણ અવળી અસર પડે છે. આજના યુગમાં લોકો એમના કામનું એટલું બધું દબાણ અનુભવે છે કે તેઓ સ્ટ્રેસનો ભોગ બનીને મોટી બીમારીમાં પણ ફસાય છે. એમનો સ્વભાવ ચીડિયો બની જાય છે.

એ કારણે એમની અંગત જિંદગી પર પણ નકારાત્મક અસર પડે છે. વ્યસ્ત લોકો એમના કામની વચ્ચે થોડો સમય કાઢીને જુદા પ્રકારની, નાની નાની પ્રવૃત્તિ કરતા રહે તો એમને માનસિક અને શારીરિક રીતે ઘણી રાહત મળે છે અને એમની મુખ્ય કામ કરવાની ક્ષમતામાં પણ અકલ્પ્ય વધારો થાય છે.

નવરાશનો સમય વ્યસ્ત રહેવા જેટલો જ મહત્વનો છે. જીવનમાં વધાર ને વધારે ઉત્પાદક પ્રવૃત્તિ કરવા વિશેનું માર્ગદર્શન આપતા એક વિચારકે કહ્યું છે, ‘જો તમે તમારી વ્યસ્તતામાં જ ગૂંચવાયેલા રહેશો તો તમારા પોતાના માટે, તમારી જિંદગી માટે કેટલો સમય ફાળવી શકશો? તમારે તમારા કુટુંબ, તમારા મિત્રો, તમારા સમાજ માટે સમય ફાળવવો પણ જરૂરી છે. જો તમે તમારા કામમાં જ ડૂબેલા રહેશો તો પછી તમારા વ્યક્તિત્વના વિકાસ અને તમારા આધ્યાત્મિક વિકાસ માટે ક્યારે સમય કાઢશો?’

કેટલાય લોકોને એમના કામનું વ્યસન થઇ જાય છે. કેટલાય પત્રકારો, કેટલી બધી કંપનીના ઉચ્ચ હોદ્દેદારો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે જોડાયેલી કેટલીય વ્યક્તિઓ, કેટલાય ખેલાડીઓ, કેટલાય કલાકારો અને એવી તો અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને એમના કામ સિવાય બીજું કશું સૂઝતું જ નથી. તેઓ દિવસના ચોવીસ કલાકમાંથી મોટા ભાગનો સમય યા તો એમનું એકનું એક કામ કર્યા કરે છે અથવા તો એમની જવાબદારી વિશે ચિંતા કર્યા કરે છે. એમને નવરાશ એટલે શું એની ખબર જ હોતી નથી.

દરેક વ્યક્તિએ પોતાના કામ અને નવરાશના સમયની વચ્ચે બેલેન્સ ઊભું કરવાની જરૂર રહે છે. આ વાત આજના અતિવ્યસ્ત જીવનમાં તો ખૂબ જ આવશ્યક બની ગઇ છે. માત્ર કામમાં જ ડૂબેલા રહેવાથી વ્યક્તિનો સવાઁગી વિકાસ થતો નથી. ગૃહિણીઓએ પણ એમના ગૃહકામના દબાણની વચ્ચે થોડો સમય કાઢીને ટીવી જોવું, સંગીત સાંભળવું, મનગમતું પુસ્તક વાંચવું જેવી પ્રવૃત્તિ કરીને નવરાશની હળવી પળોને માણી શકે. કશા જ કારણ વિના પણ રિલેકસ થવાની આદત કેળવવા જેવી છે. ઘણી વાર તો કશું જ ન કરવું એ પણ વ્યસ્તતાનો એક પ્રકાર છે.

વ્યસ્તતાની વચ્ચે થોડો સમય કાઢીને મૌન બેસી રહેવાથી પણ મન-મગજ અને શરીરનું સંતુલન વધે છે. એનાથી ઇચ્છાશક્તિ દ્રઢ બને છે. જુના સમયમાં બૌદ્ધ સાધુઓ એમના મનોબળને મજબૂત કરવા માટે મૌનનો મહિમા સમજ્યા હતા. કહેવાય છે કે થોડા સમય માટે પણ મૌન પાળવાથી વ્યક્તિની માનસિક તાકાત વધે છે. એની નિર્ણયશક્તિ પર હકારાત્મક અસર પડે છે અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. વ્યસ્તતાની વચ્ચેથી ચોરી લીધેલી નવરાશની પળોમાં આપણે કરેલી અર્થહીન લાગતી પ્રવૃત્તિ વાસ્તવમાં સૌથી વધારે ઉત્પાદક સાબિત થાય છે.
વીનેશ અંતાણી 20.03.11

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: