RSS

જિંદગીને નિરખવાની દ્રષ્ટિ – કૄષ્ણકાંત ઉનડકટ

25 જૂન

જિંદગીને નિરખવાની દ્રષ્ટિ – કૄષ્ણકાંત ઉનડકટ
માણસ સુખના સપનાંમાં રાચતો રહે છે. આટલું થઇ જાય અને આટલું કામ પતી જાય એટલે હું સુખી થઇ જઇશ. સુખ એ ભવિષ્યકાળ નથી, વર્તમાનકાળ છે. તમારી પાસે જે છે એ માણી નહીં શકો તો ભવિષ્યમાં જે મળશે તેને પણ એન્જોય નહીં કરી શકો. જિંદગી એટલે જે સમય જાય છે તેનો અફસોસ ન થાય એ રીતે જીવવાની કળા. દરરોજ બનતી ઘટનાઓ સામે આપણે કેવું રિએક્ટ કરીએ છીએ અને એ ઘટનાથી કેટલાં સુખી કે દુ:ખી થઇએ છીએ!

જિંદગી ઉપર ક્યારેય તમે નજર માંડી છે? જિંદગી કેવી છે? જિંદગીને સ્પષ્ટ રીતે જોઇ શકાય એવાં કોઇ ચશ્માં નથી, તેનું કારણ એ છે કે જિંદગી દરરોજ તેનાં રૂપ, રંગ, કદ અને આકાર બદલતી રહે છે. ક્યારેક જિંદગી ફૂલ જેવી હળવી લાગે છે તો ક્યારેક કાળમીંઢ પથ્થર જેવી ભારેખમ.

ક્યારેક એક કલાક પસાર નથી થતો અને ક્યારેક એવું લાગે કે આટલાં બધાં વર્ષો થઇ ગયાં? જિંદગી ક્યારેક જીવવા જેવી લાગે છે અને ક્યારેક એવું પણ થાય છે કે આના કરતાં તો મોત સારું! જિંદગીની મજા જ એ છે કે એ હન્ડ્રેડ પર્સન્ટ અનસર્ટેઇન છે. અનિશ્વિતતા એ જિંદગીની ફિતરત છે.

જિંદગી ડાયરીમાં ટપકાવેલા કાર્યક્રમ મુજબ નથી ચાલતી. ઘડિયાળ એની રિધમમાં ચાલે છે પણ સમય આપણને નચાવે છે. રોજ આપણા જીવનમાં કંઇ ને કંઇ ઘટનાઓ બનતી રહે છે. આપણે આ ઘટનાઓને સુખ-દુ:ખના ત્રાજવે ચડાવીએ છીએ અને પછી આપણે નક્કી કરીએ છીએ કે આપણે સુખી છીએ કે દુ:ખી!

આ ત્રાજવું પણ પાછું ફિક્સ નથી. બધા લોકો પોતપોતાનાં સુખ-દુ:ખનાં ત્રાજવાં બનાવે છે. તમે કેવું ત્રાજવું બનાવ્યું છે? દુ:ખના પલડાને મોટું બનાવીને રાખશો તો સુખનું પલડું કાયમ નીચું જ રહેશે.

માણસ સુખના સપનાંમાં રાચતો રહે છે. આટલું થઇ જાય અને આટલું કામ પતી જાય એટલે હું સુખી થઇ જઇશ. સુખ એ ભવિષ્યકાળ નથી, વર્તમાનકાળ છે. તમારી પાસે જે છે એ માણી નહીં શકો તો ભવિષ્યમાં જે મળશે તેને પણ એન્જોય નહીં કરી શકો.

જિંદગી એટલે જે સમય જાય છે તેનો અફસોસ ન થાય એ રીતે જીવવાની કળા. દરરોજ બનતી ઘટનાઓ સામે આપણે કેવું રિએક્ટ કરીએ છીએ અને એ ઘટનાથી કેટલાં સુખી કે દુ:ખી થઇએ છીએ!

હમણાં એક મિત્રે ઇ-મેલથી એક નાનકડી વાર્તા મોકલી. શીર્ષક હતું, ગાર્બેજ ટ્રક. કચરાનો ખટારો. એક ભાઇ કારમાં જતા હતા. તેમનો ડ્રાઇવર કાર ચલાવતો હતો. અચાનક એક કારે ખરાબ રીતે ઓવરટેક કર્યો. કાર અથડાતાં અથડાતાં બચી. પેલી કાર ડિવાઇડર સાથે અથડાઇ.

કારના ડ્રાઇવરે કાર ઊભી રાખી. અકસ્માત સર્જનાર કારના ડ્રાઇવર પાસે જઇને કહ્યું કે, રિલેકસ યાર. ટેઇક કેર. તને વાગ્યું તો નથી ને? સદ્નસીબે કારના ચાલકને ઇજા થઇ ન હતી, છતાં એ કારનો ચાલક બરાડા પાડતો હતો. મારું મગજ ઠેકાણે નથી, હમણાં જ એક જગ્યાએ ઝઘડો કરીને આવ્યો છું. આખી દુનિયા નાલાયક છે. બધા લોકો બદમાશ છે. ડ્રાઇવરે તેને ટાઢો પાડ્યો.

ડ્રાઇવર પાછો આવીને કાર ચલાવવા લાગ્યો. માલિકે પૂછ્યું, તને ગુસ્સો ન આવ્યો? ડ્રાઇવરે કહ્યું કે, સાહેબ કેટલાંક લોકો ગાર્બેજ ટ્રક જેવા હોય છે. એ તેઓનો કચરો ગમે એની માથે ફેંકતાં રહે છે. આપણે એ કચરો આપણા માથે શા માટે આવવા દેવો?

એવાં લોકોને તો કચરો ઠાલવવા માટે જગ્યા જ જોઇતી હોય છે. કચરો આપણા પર આવવા દઇએ તો આપણે પણ ગાર્બેજ ટ્રક થઇ જઇએ. હું કદાચ ફ્લાવર ટ્રક ન બની શકું તો કંઇ વાંધો નહીં, ખાલી રહેવું મંજૂર છે પણ મારે ગાર્બેજ ટ્રક તો નથી જ થવું!

આપણે વિચારીએ છીએ કે આપણી સાથે આવી ઘટના બને ત્યારે આપણે કેવું રિએક્ટ કરીએ છીએ? જો કોઇ ઘટનાને મગજમાંથી ઉતારી કે ખંખેરી ન નાખો તો આખો દિવસ અને ઘણી વખત આખી જિંદગી એ ઘટના મગજ ઉપર સવાર રહે છે.

એક મિત્ર સાથે બનેલી સાચી ઘટના પણ માણવા જેવી છે. સેલવાસની ભોજરાજ આઇ હોસ્પિટલમાં સીઇઓ ડો. મયૂર પંડ્યા ડ્યુટી પર હતા એવી એક રાતે એક વૃદ્ધ દર્દીએ માત્ર બીડી પીતા રોકવા જેવી બાબતે નર્સ પર હુમલો કરી દીધો. બીજા દિવસે એ જ નર્સ એ જ દર્દીનો હાથ પકડીને ટોઇલેટ તરફ લઇ જતાં હતાં.

ડોક્ટરને આશ્ચર્ય થયું. તેમણે તે નર્સને બોલાવીને પૂછ્યું તો એ અભણ આદિવાસી નર્સ ગંગાબહેને કહ્યું કે સાહેબ, મારો દાદો આવડો જ છે અને રોજ ઘરમાં આવા જ ધમપછાડા કરે છે. આ દર્દી પણ મારા દાદા જેવો જ ઘનચક્કર છે, એનાથી નારાજ થોડું થવાય? ડો. મયૂર પંડ્યાએ કહ્યું કે, આ જ ઘટના કોઇ મોટા શહેરની થ્રી સ્ટાર કે ફાઇવ સ્ટાર હોસ્પિટલમાં બની હોય તો?

જિંદગીને નિરખવાની તમારી દ્રષ્ટિ કેવી છે અને જિંદગીને માપવાનું તમારું ત્રાજવું કેવું છે એના પરથી જ તમારા સુખ અને દુ:ખનું માપ નીકળે છે. નાની-નાની ઘટનાઓમાં આપણી માનસિકતા અને માન્યતા છતી થતી રહે છે.

મોટા ભાગે માણસ દુ:ખી ન થવાની ઘટનાઓને વધુ પડતી ગંભીરતાથી લઇને હતાશ થતો રહે છે અને સારી ઘટનાઓ ખબર ન પડે એ રીતે સરકી જાય છે. આપણે આપણી દ્રષ્ટિને સુખ તરફ કેળવીએ તો ચારે તરફ ખુશી જ દેખાશે. બધું જ સુંદર છે, જો આપણામાં એ નિરખવાની દ્રષ્ટિ હોય તો!

છેલ્લો સીન: સુખ અને દુ:ખ બંને અસ્થિર સ્વભાવનાં છે. તેમાંય દુ:ખનું આયુષ્ય સુખ કરતાં ટૂંકું છે, માટે દુ:ખ પડ્યેગભરાઇ જવાની જરૂર નથી.- જુબર્ટ.

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: