RSS

તમને ભરોસો છે? -કૄષ્ણકાંત ઉનડકટ

18 જૂન

શક્ય છે બદલાય આખ્ખે આખ્ખું આ જીવતર પછી, મોકળું રાખીને મન ખુદને મળી તો જો જરી.- ‘ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

પંખીને પોતાની પાંખ ઉપર ભરોસો હોય છે કે હું પાંખ ફેલાવીશ એટલે હવામાં તરવા લાગીશ. નાવિકને તેનાં હલેસાં ઉપર શ્રદ્ધા હોય છે કે એ મને સામે કાંઠે પહોંચાડશે. વિદ્યાર્થીને ગુરુ ઉપર વિશ્વાસ હોય છે કે એ મને જે શીખવશે એ સાચું જ હશે. નાના હોઈએ ત્યારે ક્લાસમાં આપણાં શિક્ષક સામે આપણે ક્યારેય શંકા કરતાં નથી કે, તમે જે દાખલો ગણો છો એ સાચો જ છે એની શું ખાતરી છે? સાચી વાત એ હોય છે કે આપણો તેના પર ભરોસો એ જ એમના સાચા હોવાની ખાતરી છે.

જિંદગીમાં બે વસ્તુ ખૂબ જ મહત્વની છે. એક તો તમે કોના ઉપર ભરોસો કરો છો અને બીજું એ કે કોઈએ તમારા પર મૂકેલા ભરોસાને તમે કેટલો સાર્થક કરો છો. જે માણસ તેના ઉપર કોઈએ મૂકેલા ભરોસાનો ગેરફાયદો ઉઠાવે છે અથવા તો કોઈનો ભરોસો તોડે છે તે બીજા કોઈ ઉપર ભરોસો મૂકી શકતો નથી. સૌથી મોટો શ્રદ્ધાળુ એ જ છે જે લોકો ઉપર વધુને વધુ ભરોસો મૂકી જાણે છે.

લાંબો વિચાર કરો તો સમજાશે કે આખું જગત મોટાભાગે ભરોસા ઉપર જ ચાલે છે. વોચમેન ઉપર આપણને ભરોસો હોય છે કે એ આપણાં ઘરનું રક્ષણ કરશે. બાળકને સ્કૂલે લઈ જતાં રિક્ષાવાળા પર આપણે ભરોસો મૂકીએ છીએ કે એ આપણાં બાળકને સ્કૂલે પહોંચાડશે. વિમાનમાં બેસીએ ત્યારે આપણે પાયલોટને ઓળખતાં હોતાં નથી છતાં આપણને એવી શ્રદ્ધા હોય છે કે પાયલોટ વિમાનને સરખી રીતે ચલાવશે. એ વાત પણ એટલી જ સાચી છે કે દરેક ભરોસો સિદ્ધ નથી થતો.

એવા સમયે આપણને બધા ઉપરથી શ્રદ્ધા ઊઠી જાય છે. પોતાની જ વ્યક્તિ જ્યારે ડીચ કરે ત્યારે માણસને એવું પણ થાય છે કે આપણી નજીકના વ્યક્તિએ આવું કર્યું તો પારકા ઉપર કેમ ભરોસો કરવો? એક વ્યક્તિ છેતરપીંડી કરે એટલે બાકીના નવ્વાણું ઉપર ચોકડી મૂકી દેવાની વાત કોઈ રીતે વાજબી નથી.

એક માણસ સાધુ પાસે ગયો. તેના મિત્રએ તેની સાથે દગો કર્યો હતો. એ માણસે કહ્યું કે હવે પછી હું કોઈ સાથે દોસ્તી નહીં રાખું. સાધુએ આખી વાત શાંતિથી સાંભળી. સાધુએ પૂછ્યું કે, તમે તો નવ વાગે આવવાના હતા પણ દસ કેમ વાગી ગયા? આવવામાં મોડું કેમ થયું? પેલા માણસે કહ્યું કે અમે તમારી પાસે આવતા હતા ત્યારે અમારી કારમાં પંચર પડી ગયું. સાધુએ પૂછ્યું કે પછી તમે શું કર્યું? પેલા માણસે કહ્યું કે, ટાયર બદલાવીને અમે તમારી પાસે આવ્યો. સાધુ હસવા લાગ્યા.

તેમણે કહ્યું કે તમે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે તમને તમારી કાર પર ભરોસો હતો કે એ તમને સહી સલામત મારી પાસે પહોંચાડશે. એવું ન થયું. કારમાં પંચર પડ્યું, તો તમે ટાયર બદલાવી નાખ્યું. તમને બીજા ટાયર ઉપર ભરોસો હતો પણ એક મિત્રએ દગો કર્યો એટલે બીજા મિત્ર ઉપર ભરોસો નહીં કરું એવું કહો છો!

એક બાળકને એની મા વારંવાર કહેતી હતી કે, કામવાળા ઉપર બહુ ભરોસો નહીં કરવાનો. કામવાળા ઘરમાંથી કંઈને કંઈ ચોરી જાય. કામવાળા પર નજર રાખવાની. બાળક રોજ કામવાળા પર નજર રાખતું. કામવાળી સારી હતી. ઘરનું ખૂબ ધ્યાન રાખતી અને કંઈ આડાઅવળું ન કરતી. એક વખત બાળકે એની માને પૂછ્યું કે, આપણાં ઘરમાંથી કોઈ દિવસ કંઈ ચોરાયું છે? માએ ના પાડી. બાળકે પછી સહજતાથી પૂછ્યું તો પછી તું કોઈ ઉપર ભરોસો કેમ મૂકતી નથી? પહેલાં ભરોસો તો મૂકી જો! તું તો ભરોસો મૂક્યા વગર જ શંકા કરે છે!

કોઈના પર ભરોસો મૂકીને આપણે તેની શ્રદ્ધા બેવડાવી દઈએ છીએ. મને તારા પર ભરોસો છે એવું કોઈને કહી જોજો પછી એ તમારી શ્રદ્ધાને સાર્થક કરવા માટે તેનું બધું જ દાવ પર લગાવી દેશે. કેટલાંક લોકોને તો પોતાના સંતાનો પર પણ શ્રદ્ધા નથી હોતી. રહેવા દે, તારાથી એ નહીં થાય, આવું કહીને ઘણાં લોકો પોતાના સંતાનોની ક્ષમતાને જ નીચી આંકી દે છે. આવું વારંવાર થાય તો બાળકના મનમાં એવી ગ્રંથિ ઘૂસી જાય છે કે મારાથી આ નહીં થાય. માણસ પોતે સફળ થઇ શકયો ન હોય તો એ બીજા પર પણ ભરોસો મૂકી શકતો નથી.

દરેક સંબંધ ભરોસા ઉપર જ નભે છે. આપણે અંગત વાત એવી વ્યક્તિને જ કરીએ છીએ જેના ઉપર આપણને ભરોસો હોય છે. ભરોસો ન હોવા જેવી વેદના બીજી કોઈ નથી. તમે ભરોસો ન મૂકી શકો તો પ્રેમ પણ ન કરી શકો. જે કોઈના ઉપર ભરોસો નથી મૂકી શકતો એ માણસ પોતે જ ડરતો રહેતો હોય છે. ભરોસો તૂટવાના ભયથી તમે જો કોઈ પર ભરોસો મૂકતા ડરતા હો તો સમજવું કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી.

એક માણસ ખરાબ મળી જાય તેનો મતલબ એવો નથી કે આખી દુનિયા ખરાબ છે. આખી દુનિયાને પહેલેથી જ ખરાબ સમજી લેશો તો તમને ક્યારેય કોઈ સારો માણસ નહીં મળે. એક માણસ સાથે તેના એક મિત્રએ દગો કર્યો. આ માણસે પછી સરસ વાત કરી કે મારી સાથે દગો થયો તેમાં વાંક એનો નથી. વાંક મારો છે. મેં મિત્રની પસંદગીમાં ભૂલ કરી. એ મિત્ર હતો જ નહીં. મિત્ર હોય તો એ આવું કરે જ નહીં. એક ખરાબ અનુભવ થાય ત્યારે આપણે અગાઉ થયેલા સો સારા અનુભવ ભૂલી જતાં હોઈએ છીએ. ભરોસો મૂકતા જરાય અચકાવ નહીં. માણસનો માણસ ઉપરનો ભરોસો જ માણસને સારો બનાવી રાખે છે.‘

છેલ્લો સીન: આપણાથી વધારે તાકાતવાનના આપણે ભક્ત બની જઈએ છીએ અને ઓછી તાકાતવાળા સાથે યમરાજ જેવું વર્તન કરીએ છીએ. – બંગાળી કહેવત
કૄષ્ણકાંત ઉનડકટ

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: