RSS

કાનનું મૌન -કૃષ્ણકાંત ઉનડકટ

18 જૂન

ખુદ અપને આપ સંવર જાઇએ તો બહેતર હૈ, યે મત સમજીયે કે દુનિયા સુધરનેવાલી હૈ.‘ મંજર ભોપાલી

વધુ પડતું બોલવું જેટલું અયોગ્ય છે એટલું જ ગેરવાજબી નક્કામું સાંભળવું છે. જિંદગીનો થોડોક સમય ‘સાયલન્સ ઝોન’હોવો જોઈએ. જીવનના અમુક સમયે ઘડીયાળ સામે ‘નો નોઈસ પ્લીઝ’નું બોર્ડ મૂકી દેવું જોઈએ. સુરજ કોઈ અવાજ વગર ઉગે છે. હવા પણ જ્યાં સુધી એનો મગજ ન ફરે ત્યાં સુધી એની હાજરી ન વર્તાય એ રીતે વહેતી રહે છે. કૂંપળ ફૂટતાં પહેલાં ધડાકો કરતી નથી. સ્થિરતા એ હલનચલનનું મૌન છે.

યોગ એટલે અસ્તિત્વનું કામચલાઉ મૌન. આરામ એ કામનું મૌન છે. સ્પર્શ લાગણીઓનું મૌન છે. ચુંબન એટલે શબ્દોને શાતા આપી પ્રેમ વ્યક્ત કરવાની અનુભૂતિ. મનના મૌન વગર માણસ શેમાંય ખોવાઈ ન શકે. ટોળું એટલે એકલતાનું મૌન. આપણે જ્યારે કશામાં પણ ઓતપ્રોત હોઈએ ત્યારે આજુબાજુમાં શું થાય છે તેનો અણસાર પણ રહેતો નથી. વિચારોનો કારમો કોલાહલ હોય તો કદાચ આત્માનો અવાજ પણ ન સંભળાય! મૌન એટલે માણસની પોતાના સન્મુખ હાજરી.

આદત ન પાડીએ તો શાંતિ પણ સદતી નથી. સતત અવાજ વચ્ચે ઘેરાયેલો રહેતો વ્યક્તિ નીરવ શાંતિમાં થથરી જાય છે. મૂંગી ફિલ્મ ‘પુષ્પક’માં એક સીન છે. રેલવે ટ્રેક પાસે રહેતા હીરો કમલ હાસનને ફાઈવ સ્ટાર હોટેલમાં ઊંઘ નથી આવતી એટલે એ ટ્રેનના અવાજનું રેકોર્ડિંગ સાંભળી સૂવાનો પ્રયત્ન કરે છે. અવાજ સહન કરવો સહેલો છે પણ શાંતિ પચાવવી અઘરી છે. કારણકે માણસને શાંતિમાં રહેવાની પ્રેક્ટિસ જ નથી.

ચારે તરફથી આપણાં કાન ઉપર સતત મારો ચાલતો રહે છે. આખો દિવસ ટીવી, એફ.એમ. રેડિયો, આઈપોડ, મોબાઈલનો રિંગટોન અને એસએમએસના બીપર, મોબાઈલના કી-પેડ અને લેપટોપના કી-બોર્ડનો ટકટક અવાજ… આ બધું આપણને જરાયે કનડતું નથી. યાદ કરો, તમે છેલ્લે ક્યારે તમારી છાતી પર હાથ મૂકી હૃદયના ધબકારા સાંભળ્યા હતા? હૃદય ખોડંગાય ત્યારે જ તેના તરફ આપણું ધ્યાન જાય છે. ઓડકાર ખાઈએ છીએ પણ સંતોષનો અહેસાસ થતો નથી. આપણે શાંતિનું ગળું ઘોંટીને વિજયનો ચિત્કાર કરીએ છીએ. એટલે જ કદાચ આપણે ક્યાંય એકમગ્ન થઈ શકતા નથી. નિરાકાર એટલે આકાર વગરનું અસ્તિત્વ. આપણે તો એકાકાર પણ નથી થઈ શકતાં!

આપણે ક્યાંક એવા ખોવાઈ ગયા છીએ કે ઘણીવખત આપણે જ આપણને મળતાં નથી. એક દીકરીના લગ્ન હતાં. લગ્નની વિધિ ચાલતી હતી. બાજુમાં જોરદાર ડીજે વાગતું હતું. દીકરીની માતા એક વિધિ માટે આવી ત્યારે દીકરીએ ડીજે બંધ કરવાનું કહ્યું. દીકરીએ કહ્યું કે, મારે મારી માતા દુખણાં લ્યે ત્યારે એના ટચાકાંનો અવાજ સાંભળવો છે. માતાએ દુખણાં લીધા અને એની આંગળીઓના ટચાકાંનો અવાજ દીકરીની આંખમાં ઉભરાઈ આવ્યો.

આપણે તો હવે બેસણાંના મૌનને પણ ભજનના કોલાહલથી રહેંસી નાખ્યું છે. સાંત્વના માટેના શબ્દો ક્યાંક ખોવાઈ ગયા છે. શાંતિના વ્યવહારો પણ હવે વિધિ બની ગયા છે! બધી જગ્યાએ શબ્દોની જરૂરિયાત નથી. પ્રેમ અને લાગણીની ઉત્તમ અભિવ્યક્તિ હંમેશા મૌનથી જ પ્રગટ થાય છે.

દિલમાંથી નીકળેલાં શબ્દો જ દિલ સુધી પહોંચે. મોઢેથી બોલાતા ઠાલા શબ્દો કાનને અથડાઈને બોદાં થઈ જાય છે. કદાચ બોલાતા શબ્દોને પણ મૌનથી પકવવાના હોય છે. કાચા શબ્દોથી સાંભળનારને ઓડકાર નહીં પણ આફરો ચડે છે. ઝઘડો એ પ્રેમના મૌનની હત્યા છે. દરરોજ ઢગલાબંધ ઘરોમાં આવા મર્ડર ઠંડે કલેજે થાય છે. અબોલા એ મૌન નથી પણ મૌનની માથે ચડી એનું ગળું ઘોંટી નાખાવાની ધૃણાસ્પદ ઘટના છે.

જીભને કદાચ પ્રયત્નોથી કાબુમાં રાખી શકાય છે પણ કાનને બંધ કરી શકાતાં નથી, એટલે જ કદાચ કાનના મૌનનું માહાત્મ્ય વધી જાય છે. નક્કામું સાંભળવાનું બંધ ન કરીએ તો ઘણીવખત કામનું સાંભળવાનું સરકી જાય છે. કાનને પણ હવે કેળવવા પડે એવો સમય છે. ઉર્મિઓનો અવાજ નથી હોતો છતાં એનો અહેસાસ શાંતિમાં જ સૌથી વધુ તીવ્ર હોય છે. હજુ એટલું સારું છે કે ઘોડિયામાં સૂતેલા બાળકના કાનમાં ઈયર ફોન ખોંસીને હાલરડાંની સીડી ચડાવી દેવાનું આપણે શીખ્યાં નથી. જો એવું થશે તો ઘોડિયાના ખોયા સાથે ઢીંગલી, મોર કે પોપટ નહીં પણ આઈપોડ લટકતાં હશે! માતાના દિલમાંથી ઉઠતું હાલરડું એટલે બાળકની ઊંઘનું અદભૂત દ્રવ્ય. માતાના અવાજમાંથી ઉઠતો નશો કદાચ આલ્કોહોલ કરતાં પણ અનેકગણો તીવ્ર હશે, નહીંતર બાળક આટલું ઘસઘસાટ ન ઊંઘી જાય!

પતંગિયું ઉડતું હોય ત્યારે એની પાંખ અવાજ કરતી નથી. પતંગિયાના વિહારમાં શાંતિને પણ મૌન થઈ જવાનું મન થઈ જતું હશે. બાજ સુસવાટા સાથે શિકાર પર ત્રાટકે છે. બાજ હિંસક છે અને પતંગિયું અહિંસા અને શાંતિનું જીવતું જાગતું પ્રતીક છે. અવાજો અને વિચારોના બાજ કાબુમાં ન હોય તો પતંગિયાના વિહારની અનુભૂતિ ન થાય. તમે કાનનું મૌન માણ્યું છે? માણજો, મજા આવશે.

છેલ્લો સીન: When I was small I laughed less but there was infinite hidden happiness. As I grew up I learnt to laugh a lot to hide the unspoken sadness. That is today’s life.

કૃષ્ણકાંત ઉનડકટ

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: