RSS

તું ઃ આરતી પછીનું રટણ -અંકિત ત્રિવેદી

17 જૂન

તું ઃ આરતી પછીનું રટણ… મારા રાત-દિવસનું સ્મરણ…ઊઘડેલા ફૂલો પર જ ઝાકળ બેસે
એવું કોણે કહ્યું ? વાતાવરણ ભેજવાળું હોય તો કરમાઈ ગયેલા ફૂલ પર બેઠેલાં વરસાદના ટીપાંઓ પણ ઝાકળ જ લાગતાં હોય છે… !

તારી પાસે હોઉં છું, એક શ્વાસે હોઉં છું, ખુલ્લા ગળાના ગીતની જેમ ગાઉં છું તને…નંબરવાળા ચશ્માને બાજુ પર મૂકીને આંખો બંધ કરીને તને જોઉં છું તો તું વધારે સ્પષ્ટ દેખાય છે. તને ફ્રેમમાં મઢીને જકડવાનો મારો ઇરાદો નથી. મારી આસપાસની પ્રવૃત્તિઓમાંથી તને શોધી કાઢવાની મારી ખેવના છે. તું મને મળે છે હું તને ઓળખું ને વાત કરું એ પહેલાં તો તું પવન બની જાય છે.
તારી પાસે હોવાનો અર્થ કવિતાના છાંયડામાં બેસવાનો અર્થ છે. ઘડિયાળના ફરતા કાંટાઓને ગુલાબ ઊગાડવાનો અર્થ છે. સૂરજ અને ચાંદો દિવસ રાત રમે છે ત્યારે તું ફળિયાની દીવાલો પર તારાના દિવડા ગોઠવે છે. તું સમર્થ છે. તારી પાસે મારો લય છે, મારું હૃદય તારા ધબકારાનું આસામી છે. તારી પૂજા કરવા માટે મારે મંદિરે નથી જવું પડતું. તને યાદ કરું છું અને રોમરોમની શેરીમાં અજવાળું પ્રગટે છે. ધરતી અને આકાશની વચ્ચે વરસાદના ટીપાઓ અંતરને ઓગાળે છે એમ તારી પાસે હોવાનો અર્થ ઓગાળી રહ્યો છે.
તારું નામ મારા માટે વેદ-ઉપનિષદનો મંત્ર છે. તું અત્ર તત્ર અને સર્વત્ર છે. તું મારા માટે જ બોલે છે હું તારા માટે બોલવાનો પ્રયત્ન કરું છું. આપણી વચ્ચેથી દુનિયા ખસી ગઇ લાગે છે. તું વહાલ ઓઢીને મને મળવા આવે છે હું વરસાદ પહેરીને તને ભીંજવવા આતુર છું. તું યજ્ઞની છેલ્લી આહુતીની પ્રસન્નતા છે. તારું નામ કાફિ નથી. તારું નામ મારા માટે મારું સર્વસ્વ છે, મારું વર્ચસ્વ છે. ગુલાબની પાંખડીઓ ખરી પડે એમ વિખેરાઉં છું ત્યારે તારું નામ મને સુગંધમાંથી અત્તર થવાનું શિખવે છે. તારું નામ એટલે આરતી પછીનું રટણ… મારા રાત-દિવસનું સ્મરણ.

તું કુંભના મેળાનું એકાંત છે, તું બધી જ નાશવંત વસ્તુઓમાં જીવંત છે. હું મને શોધવાનો પ્રયત્ન કરું છું અને તું જડી જાય છે.અરસપરસની પારદર્શકતા આપણને એકબીજાથી દૂર રાખે છે. મારી જેમ તું પણ કોઇક દિવસ ભૂલ કરે તો મને ગમશે ! તું મને મળી તો શકીશ ! તું તરણેતરના મેળાનો ઉત્સાહ છે. બપોરના બાર વાગ્યાનો રામજન્મ છે, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મ પછીની પંજરી છે. તું ઊઘડવાના બાકી રહેલા ફૂલોની મંજરી છે. તું મારે માટે ‘તું’ નથી. તું મારે માટે ‘હું’ નથી. તું અને હું ‘આપણે’માં સમર્પિત છીએ.

સૂરજ અને તડકા જેવો સંબંધ છે આપણી વચ્ચે ! આકાશ આપણા બંનેનું છે પણ તેં મને પકડી રાખ્યો છે. દરિયાના મોજાઓએ સાચવી રાખેલા અસંખ્ય પગલાંઓની લીપી છે તું ! મારા શબ્દોની પ્રત્યેક લીટી છે તું ! તારી આંખોમાં મારી દુનિયાની ચમક છે, તારા હસવામાં મારી દુનિયાનું ફલક છે, તારા કાનમાં સંભળાતો મારો શ્વાસ મારી હલક છે. તને ગાઈને ઊજવવા હું તૈયાર છું. રોજ મીરાંનું પાગલપન ધૂંટું છું, રોજ નરસિંહની કરતાલો પર તૂટું છું પછી રોજ મારી જ અંદર ખૂટું છું. બીજાની જેમ તને પ્રેમ કરવામાં મારા પોતાના પ્રેમને હાની પહોંચાડવાનો અર્થ ખરો ? ઊઘડેલા ફૂલો પર જ ઝાકળ બેસે એવું કોણે કહ્યું ? વાતાવરણ ભેજવાળું હોય તો કરમાઈ ગયેલા ફૂલ પર બેઠેલાં વરસાદના ટીપાંઓ પણ ઝાકળ જ લાગતાં હોય છે… !

તું મને પડકારે છે, હું તને સ્વીકારું છું. નાનપણની રમતો આપણી વચ્ચે મેચ્યોર્ડ થઇને રમાતી લાગે છે… એમાંય દાવ તો મારે જ આપવાનો છે. બેટ તો તારા હાથમાં છે. તું મને કુંડળીની બહાર જતાં રોકે છે. મારે ઢોળાઈ જાઉં છે. ઢોળાઈને ધરતી પર પડીને ઊગી જવું છે. ફરીથી નહીં, નવેસરથી… તું છે એટલે મને શાંતિ છે, દિવસ સમયસર ઊગે છે, ચંદ્ર, સૂરજનું તેજ બરાબર હોય છે, પાણીમાંથી ભીનાશ ઓછી નથી થતી, બપોર બપોરનું કામ કરે છે. તું ન હોત તો શું થાત ? આ બધામાં તું છે એટલે મારો અનુભવ તારો આનંદ બની જાય છે… હું તને સાંભળું છું. બહુ થોડા દિવસો પછી તને મળીશ આપણી વચ્ચે અવાજોની આવન-જાવન નથી. આપણી વચ્ચે મૌન પણ નથી. અવાજ અને મૌનની વચ્ચે આપણું મળવું ઝળાહળ છે.

હું લખું છું ત્યારે તું મારો હાથ પકડીને લખાવે છે. મારા નાહકનો રસ્તો તારા હકનો બની જાય છે. તું મારી પ્રાર્થના છે. તને ‘તું’ કહેવાનો અધિકાર મારા પ્રેમે મને સોંપેલો છે. તું મારી પળેપળની નિરાંત છે. હું તારાથી દૂર નથી જ નથી… તારા વિશ્વાસે હોઉં છું… એક શ્વાસે હોઉં છું… તારી પાસે હોઉં છું…

ઓનબીટ
પરવરદિગારે જીભ દઈને બોલતો કર્યો,
ત્યારે પૂછ્યું એ જીભથી પરવરદિગાર ક્યાં ?
– શાહબાઝ

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: