RSS

એક છત્રી છે ઇનફ, બે જણાંને મળવાં!

17 જૂન

અપના ઘર ભી મિલતા જુલતા હૈ, ગાલબિ કે ઘર સે,
બસ દો ઘંટે બરસાત હો ઔર છ: ઘંટે છત બરસે!
કહેવાય છે કે શાહજહાંએ ૨૨ વરસ સુધી ૨૦૦૦ કારીગરોને કામે લગાડીને તાજમહાલ બનાવ્યો અને એના મુખ્ય શિલ્પકારે વરસો સુધી એ અપ્રતિમ કૃતિને ઢાંકી રાખી કારણ કે એક દિવસ એ શહેનશાહની સામે પડદો ઊંચકીને એને પેશ કરવાનો હતો. વરસોની મહેનત પછી જ્યારે કામ પૂરું થયું ત્યારે શિલ્પકાર અને એના કારીગરોએ રાત્રે એક મહેફિલ કરી. આખી રાત બધા નાચ્યાં, ખાધું, પીધું પણ એ દરમિયાન ત્યાં ભયંકર આગ લાગી. તાજમહાલની આસપાસના લાકડાના તખ્તાઓ, કંતાનો, રસ્સીઓ, રંગો… બધું જ સળગ્યું અને શ્વેત તાજમહાલ કાળો ધબ્બ બની ગયો!

શિલ્પકાર, એ કાળા તાજમહાલને જોઇ રડી પડ્યો અને ઉપરવાળા તરફ જોઇને આક્રંદ કર્યું: ‘હે પરવર દિગાર! મારી આટલા વરસોની સાધનાનું આ ફળ? શા માટે? તું જો હોય તો કંઇક કર!’ અને પછી થોડીવારે પ્રભાત થયું અને આકાશમાંથી હળવેકથી વરસાદ વરસવો શરૂ થયો! ઉઘડતી સવારના પ્રકાશમાં વરસાદની બૂંદોથી કાળો તાજમહાલ ધીમે ધીમે ધોવાવો શરૂ થયો અને કાળામાંથી ફરી શ્વેત બનવા માંડ્યો. આ છે વરસાદ ઉર્ફે રેઇન ઉર્ફે પર્જન્ય ઉર્ફે પહેલી બારીશની બામુલાઇજા હોંશિયાર એન્ટ્રી!!

અષાઢના પ્રથમ દિવસે, ‘રામગિરિ’ પર્વતની પેલે પાર પરમાત્મા એમની પ્રિયતમાને નવરાશના સમયે ગલીપચી કરતો હશે ત્યારે જે આનંદનો થાક પરસેવો બનીને ટપકતો હશે, એ રસ એટલે વરસાદ! આખીય સૃષ્ટિ જો વરસોથી એકધારી એકસરખી રીતે જ ચાલ્યા જ કરે તો બધાં બહુ બોર થઇ જાય એવું સર્જનહાર માને છે અને માટે જ વિધાતા અનેક મોસમ રચ્યા કરે છે.

ખરેખર, આ મોસમો તો ઈશ્વરના ડ્રેસીસ છે. એ બદલાય તો જ એ નિરાકાર ઓળખાય. એકચ્યુઅલી, વરસાદથી વધુ વધુ નફ્ફટ કિરદાર કોઇ નથી! જાણી જોઇને ભીંજાયેલ દરેક દુપટ્ટામાંથી છલકતા રૂપ અને એને તાકતી ભીની નજરોના પૂરનું નાજુક નિમિત્ત બને છે, આ વરસાદ. એ આવતાં જ, ધોળાદૂધ જેવાં વસ્ત્ર પર કાદવના છાંટા જોઇને જાણે કોઇ યુરોપિયન સ્ત્રીના ગોરા હાથ પર તાજી મૂકાયેલી મેંદીનો રંગ જામ્યો હોય એમ લાગવા માંડે છે.

ક્યાંક કોઇ બાળક મેદાનમાં દૂર નીકળી છુટથી નાચતાં નાચતાં ચોરીછુપીથી વચ્ચે લઘુશંકા કરી લે છે, તો ક્યાંક પસ્તીવાળાથી માંડીને પ્રાથમિક શાળાનો માસ્તર, સૌ રાતોરાત કવિ બની જાય છે. છુપાઇને મળતા પ્રેમીઓના રૂંધાઇ ગયેલા અવાજોમાં શરબતી ભેજ છવાઇ જાય છે. કોઇ છોકરો, મોટરબાઇકની તેજ ગતિથી રસ્તા રાહદારીઓ પર શંકુ આકારના પાણીના ફુવારા ઉડાડે અને પાછળ બેઠેલ કન્યા એને નાગપાશમાં સજજડ વળગી પડે ત્યારે જાણવું કે એ બેઉ જ છે વરસાદની રોમસવારીના સાચા બ્રાન્ડ એમ્બેસેડર!

પછી તો ટપકતી બોઝિલ સાંજે દેડકાઓના સ્વરયંત્રમાંથી એક અજીબોગરીબ ઓરકેસ્ટ્રા વાગવા માંડે છે. જેની તરન્નુમ માટીમાં મહેકાય છે, પડઘાય છે તો ક્યાંક થિયેટરના અંધારામાં બહારના વરસાદને બદલે બે દિલોમાં અંદર પીગળતી ઇચ્છાઓનું સ્નિગ્ધ ગીત રચાય છે. કોઇક વિધવા પોતાના કધોણાં થઇ ગયેલાં વસ્ત્રોને જેમ વારાફરતી પહેરવાના રૂટિનમાં વ્યસ્ત હોય છે એમ અમુક લોકો જીવતરમાં ‘ગુલામ-એ-કેલેન્ડર’ બનીને જીવ્યે જ જતાં હોય છે, તો વળી ક્યાંક કોઇક ઉદાસ ચહેરે કોઇકની યાદમાં લીલા ટપકતા વૃક્ષની નીચે સાવ કોરાકટ્ટ રહીને એકાકી ઊભા રહેતા હોય છે. ખરેખર તો વરસાદ આપણા અંદરના મૂડનો એક્સ-રે બની જતો હોય છે. દરેક માણસ પર એનો એ વરસાદ, અલગ અલગ માત્રામાં વરસતો હોય છે, કોઇ ભીંજાતો હોય છે તો કોઇક તરસતો હોય છે. માણસ માત્ર જાણે પર્જન્યના પ્રસાદનું અક્ષયપાત્ર.

ઇન્ટરવલ

આજે બધા જ વર્ગ ગુનાહિત થઇ ગયા છે. ખરેખર, આપણે એક અદભૂત સમાનતામાં જીવી રહ્યા છીએ. – (જો ઓર્ટન)

વરસાદ વરસે તો લાગે કે હાશ, ફરી એકવાર ઈશ્વરે માણસ જાત પર પોતાનો વિશ્વાસ ડિકલેર કર્યો છે. આંકા પડી ગયા હોય એવી સુક્કી જમીનમાં ફરીથી ઈશ્વરની ફિંગરપ્રિન્ટ પુન:અંકિત થઇ છે. આખા વર્ષના રિસામણાં પછી આકાશના બંધ બીડેલાં હોઠ ખૂલ્યાં અને વરસી ગયું જાનલેવા ગોરંભાતું જીવન.

હવે વાવણી શરૂ થઇ કે તળાવો-નદીઓમાં પાણીની સપાટી વધી એવી સ્ટાન્ડર્ડ હેડલાઇનો હવે દેખાવા માંડશે. મિ.મી. અને ઇંચમાં પડેલા પાણી દ્વારા કુદરતનું રિપોર્ટકાર્ડ હવે છપાશે. ભીનાંભીનાં રસ નીતરતા ફોટાઓ હવે રોજ રોજ અખબારોનાં પાનેપાને નીતરશે અને હા, આવી રોમેન્ટિક સિઝનમાં પણ અનરોમેન્ટિક માણસો તરત જ પરખાઇ આવશે. બામની બોટલ, ચહેરો રોતલ અને હિસાબી વર્ષનું ટોટલ: આ સર્વમાંથી ઊંચાં જુએ તો ખબર પડે ને કે આકાશની જેમ જીવતર પણ કેટલું ઊંચું છે? પણ એ છોડો… ઉફ્ફ, ત્યાં જુઓને… પોતાની બાલ્કનીમાં આવીને કોઇ મુગ્ધા ટીનએજર સહેજ કશુંક જોવા આવે કે ત્યાં તો વરસાદ વરસી પડે અને એના કોરા સેંથામાંથી શરમ બ્રાન્ડ સિંદૂર ટપકી પડે. આંખોની બ્લેન્ક ભૂમિમાં લીલાશ ઊતરી આવે અને પછી સામેની કોઇ બારીમાંથી ચૂપચાપ કોઇ પૂછે: ‘ભીંજાઇ તો નથી ને? જા, જતી રહે અંદર…’

અને એ છોકરી ભીના વાળ ઉલાળીને મનમાં કહેશે: ‘ધરતીને આમ કાંઇ પૂછે નહીં, કદી અંબર… સોરી, રોંગનંબર!
ખરેખર તો જ્યારે પૃથ્વીલોકની કોઇ કન્યા, અષાઢી વાદળ સાથે ભાગીને પ્રેમવિવાહ કરશે ત્યારે આપણે એમ માનવું જોઇએ કે અવકાશ ક્ષેત્રે સાચી પ્રગતિ થઇ છે. કારણ કે હવામાનશાસ્ત્રીઓ તો બિચ્ચારા હવાઇ ગયેલી ભાષામાં પોતાના ‘હોવા’ વિશે હવાતિયાં મારીને આગાહીઓ કરતાં રહે છે પણ નફ્ફટ વરસાદને શું પડી છે? એ તો ઝપટભેર અચાનક વરસીને એમ કહેવા માગે છે કે માણસના મનને માપવું અને વરસાદ વિશે આગાહી કરવી એ બેઉ ઇમ્પોસબિલ વાત છે.

મુંબઇનો વરસાદ પ્રેમમાં ડંખ પામેલી સ્ત્રીની જેમ બેતહાશા વરસે છે. પણ મુંબઇ એવું તો મતલબી મટિરિયાલિસ્ટીક શહેર છે કે વરસાદને પણ ખોબામાં પકડી લઇને તરત કેશ કરવા માંડે છે. જેમ ઓટોમેટિક સ્વિચવાળી છત્રી એક જ સેકન્ડમાં ઉઘડીને સામેવાળા માણસની આંખમાં વાગી જાય એવી ઝડપથી આખું શહેર ભીનું ભીનું પોચું પોચું થઇ જાય છે. મુંબઇની સડકો, લથબથ લોકશાહીની જેમ તરત ઉબડખાબડ થઇ જાય.

અહીં નફ્ફટ ટેક્સીવાળાઓ સેઇમ રૂટના બેથી ત્રણગણા પૈસા લેવા માંડે છે. અલ્હડ નવયૌવનાની બેબાક અદાઓની જેમ બસોના રૂટ અચાનક બદલાઇ જાય છે અને લોકલ ટ્રેનો તો કોઇ નવાસવા ટ્રેઇની ઓફિસરની જેમ વારંવાર ભૂલો કરવા માંડે છે. પણ વર્ષાનુવર્ષ મુંબઇ, કોઇ દિલહારા શરાબી શાયરના લથડતાં કદમોની જેમ ફરીથી ઊઠીને ચાલવા માંડે છે. ચાલતું જ રહે છે… જો કે આ બધું જ નિતરતાં વહિરતાં ચિત્તે જોતા રહેવામાં પણ એક લિક્વિડ લહાવો છે. એવામાં અમને અમારી એક કવિતાનો ઉપાડ યાદ આવે છે: ‘મનપસંદ મૌસમ લાગી હવે પિગળવા… એક છત્રી છે ઇનફ, બે જણાંને મળવા!!’

ચલો, હવે બધે આ વરસાદની કાં તો શરૂઆત થઇ છે કે બસ, હમણાં જ શરૂઆત થવાની જ છે. પણ થાય છે કે આ વખતે આપણી સૌની ઇચ્છાઓ, આપણાં અનુમાનો, આપણી લાગણીઓ, બધુંય મનભરીને વરસો. હે પર્જન્યદેવ, અમને કશુંક સુંદર ઇચ્છવાનું વરદાન આપો અને તમેય ખૂબ વરસો, વરસોના વરસ વરસો! અકાળમાં સપડાયેલ ભૂમિમાં ઋષિઓ યજ્ઞયાગ કરીને વરસાદને રિઝવતા હોય ત્યારે કોઇ વ્યથિત દરિદ્ર કવિએ યજ્ઞકુંડમાં આહુતિ આપે તો શું આપે? પોતાની એકલતા? પોતાનું દર્દ? અને જો પછી ખરેખર એ કવિનું દર્દ, જો આભ ચીરીને ઉપરવાળા સુધી પહોંચી જાય તો? બસ, પછી તો આકાશમાંથી એક એક છંદ, એક એક શેર, એક એક સોનેટ, બસ, અઠવાડિયાઓ સુધી વરસ્યાં જ કરે! અને જો એવું થાય તો જ અમારા જેવા દોષદેખા, દિલજલાઓ માને કે સાધનાથી સાચે જ ઈશ્વર રીઝે છે! ખરેખર શું શ્રદ્ધાના શ્રાવણમાં વિધાતા ઝરમર વરસે છે?

એન્ડ ટાઇટલ્સ

આદમ: રિસર્ચ કહે છે સ્ત્રીઓ પુરુષોથી વધુ જુઠું બોલે છે!

ઇવ: હા, એકદમ સાચું!‘

sanjaychhel@gmail.com

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: